Comments

ભારતના ઘઉંને બદનામ કરવાનું મુસ્લિમ દેશોનું કાવતરું?

ભારતના સોના જેવા ઘઉંની ગણતરી દુનિયાના શ્રેષ્ઠ ઘઉંમાં થાય છે. ઇટાલિયન પિત્ઝા અને પાસ્તા બનાવવા માટે દુનિયાના ઘણા દેશો ભારતના ઘઉંની આયાત કરે છે. ગયા વર્ષે ભારતે 70 લાખ મેટ્રિક ટન ઘઉંની નિકાસ કરી હતી. આ વર્ષે રશિયા – યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંની તંગી ઊભી થતા ભારતના ઘઉંની વિદેશોમાં ડિમાન્ડ વધી જતા ભારત સરકારે 1 કરોડ મેટ્રિક ટન ઘઉંની નિકાસ કરવાનો લક્ષ્યાંક બાંધ્યો હતો. દરમિયાન ભારતમાં ઘરઆંગણે ઘઉંના ભાવો વધી ગયા અને ઉત્પાદનનો અંદાજ ઘટી ગયો, ત્યારે ભારત સરકારે અચાનક ઘઉંની નિકાસ પર તા. 13 મેના પ્રતિબંધ ફરમાવી દીધો હતો. તે પહેલા ભારતની ITC કંપનીએ ખુલ્લા બજારમાંથી 56,000 ટન ઘઉંની ખરીદી કરીને તેની નેધરલેન્ડમાં નિકાસ કરી દીધી હતી. ભારતના કંડલા બંદરેથી નેધરલેન્ડ જવા નીકળેલી ઘઉં ભરેલી સ્ટીમર કોઈ ભેદી કારણસર તુર્કી તરફ વળી ગઈ હતી. આ બાબતમાં ITC કંપનીએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

તુર્કીની કોઈ ખાનગી કંપનીએ નેધરલેન્ડની કંપની પાસેથી ભારતના ઘઉં બારોબાર ખરીદી લીધા હતા. આ ઘઉં ભરેલી સ્ટીકર તુર્કીએ રિજેક્ટ કરી ત્યારે આપણને ખબર પડી હતી કે નેધરલેન્ડ તરફ મોકલવામાં આવેલા ઘઉં તુર્કી તરફ વાળવામાં આવ્યા હતા. તુર્કીએ ભારતના ઘઉં રિજેક્ટ કરતા વિચિત્ર કારણ આપ્યું છે કે તેમાં રુબેલા વાયરસ જોવા મળ્યો હતો. યુક્રેનના યુદ્ધને કારણે દુનિયામાં એક તરફ ઘઉંની તંગી પેદા થઈ છે, ત્યારે ભારત પોતાના પ્રજાજનોના ભોગે દુનિયાના અછતગ્રસ્ત દેશોની મદદ કરવા ગયું હતુ. તેની કદર કરવાને બદલે તુર્કીએ ભારતના ઘઉં રિજેક્ટ કર્યા અને પાછો તેમાં રુબેલા વાયરસ હોવાનો આક્ષેપ પણ કર્યો. ITC કંપનીએ તુર્કી દ્વારા રિજેક્ટ કરવામાં આવેલા ઘઉં ઇજિપ્તને વેચ્યા હતા પણ હવે ઇજિપ્તે પણ તેને તપાસ્યા વિના રિજેક્ટ કર્યા છે. ઇસ્લામિક દેશો દ્વારા ભારતને ખોટમાં ઊતારવાનું કાવતરું આકાર ધારણ કરી રહ્યું છે.

તાજેતરમાં ભાજપના પ્રવક્તા નવીન જિંદાલે નૂપુર શર્માના શોમાં પયગંબર સાહેબ વિશે વાંધાજનક ટિપ્પણી કરી તેનો ઉપયોગ પણ ઇસ્લામિક દેશો ભારતને નુકસાન પહોંચાડવા માટે કરી રહ્યા છે. આ ટિપ્પણી કરનારા નેતાને ભાજપે બરતરફ કર્યા છે, તો પણ કતાર, ઓમાન, ઇજિપ્ત, ઇરાન અને સાઉદી અરેબિયા જેવા દેશો દ્વારા ભારતના માલનો બહિષ્કાર કરવાની ધમકી આપવામાં આવી છે. આ વિધાનો ભારત દેશ તરફથી કરવામાં નહોતા આવ્યા પણ ભાજપ નામના પક્ષના પ્રવક્તા દ્વારા કરવામાં આવ્યા હતા, જેના માટે માફી માગી લેવામાં આવી છે. તો પણ ભારતના માલનો બહિષ્કાર કરવાની હાકલ કરીને મુસ્લિમ દેશો ભારત પર દબાણ લાવી રહ્યા છે. આ ધમકીનો સંબંધ ભારતના ઘઉં સાથે જોડવામાં આવતા પરિસ્થિતિ સ્પષ્ટ બની જાય છે.

તુર્કીએ ભારતના ઘઉં પાછા મોકલવા માટે જે રુબેલા વાયરસનું બહાનું કાઢ્યું તે પણ વિચિત્ર છે. ભારતમાંથી ઘઉંની કોઈ પણ દેશમાં નિકાસ કરવામાં આવે તે પહેલા કોઈ ઇન્ટરનેશનલ એજન્સી દ્વારા તેનું તટસ્થ નિરીક્ષણ અને પરીક્ષણ કરવામાં આવે છે. ITC કંપનીએ 56,000 ટન ઘઉંની નેધરલેન્ડમાં નિકાસ કરી તે પહેલા તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં અચાનક રુબેલા વાયરસ કેવી રીતે ઘૂસી ગયો તે અજાયબ વાત છે. રુબેલા એ બાળકોને થતી ઓરી – અછબડાં જેવી બીમારી છે. તેને જર્મન ખસરા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં બાળકોને ત્રણ – ચાર દિવસ શરદી – ઉધરસ થાય છે અને તાવ આવે છે. તેની રસી પણ વિકસાવવામાં આવી છે. કોરોનાના કાળમાં ભારતના ઘઉંમાં રુબેલાનો હેવાલ તેના વેચાણને નુકસાન કરવા માટે હોઈ શકે છે.

કેટલાક જાણકારો કહે છે કે તુર્કી દ્વારા ભારતના ઘઉં ભરેલું જહાજ રિજેક્ટ કરવાનું કારણ કંઈક બીજું છે. તુર્કી હાલમાં રશિયા સાથે ઘઉંની નિકાસ બાબતમાં મંત્રણાઓ ચલાવી રહ્યું છે. યુદ્ધને કારણે યુક્રેનના બંદરો પર જે ઘઉં અટવાઈ ગયા છે, તેને રશિયા વેચી મારે છે. વળી રશિયા પાસે પણ ઘઉંનો મોટો સ્ટોક થઈ ગયો છે. જો તુર્કી રશિયા પાસેથી ઘઉં ખરીદે તો તે સસ્તામાં પડે છે. આ કારણે પહેલા તુર્કીએ અને પછી ઇજિપ્તે ભારતના ઘઉં નકારી કાઢ્યા હોય તેવું બની શકે છે. તુર્કી ભારતના દુશ્મન ગણાતા પાકિસ્તાનનું મિત્ર છે. ભારતે કાશ્મીરનો સ્વાયત્ત દરજ્જો ખતમ કરવા 370મી કલમ રદ્દ કરી તેની પણ તુર્કીએ ટીકા કરી હતી. આ રાજકીય વિરોધનો ઉપયોગ તુર્કી ભારતના ઘઉંની શાખ ખતમ કરવા માટે કરી રહ્યું છે. ઇજિપ્તે ભારતમાંથી મોટા જથ્થામાં ઘઉંની ખરીદી કરી છે. જો તુર્કીની જેમ ઇજિપ્ત પણ ભારતના ઘઉં નકારી કાઢે તો ભારતને હાનિ થઈ શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયુ તે પછી ઘઉંની આયાત – નિકાસ કરતી જાયન્ટ મલ્ટિનેશનલ કંપનીઓ જગતમાં અનાજની અછત પેદા કરીને માતબર નફો રળવાની તક શોધી રહી હતી. આ કારણે તેમણે વિવિધ દેશોમાંથી ઘઉંની ખરીદી કરીને તેનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું, તેને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘઉંના ભાવો ઊંચકાઈ ગયા હતા. આ તેજીનો લાભ લઈને ભારતની કેટલીક કંપનીઓએ પણ નફો રળવા ઘઉંના વેપારમાં ઝંપલાવી દીધુ હતુ. ભારતમાંથી ઘઉંની નિકાસના મોટા મોટા ઓર્ડર મળતા ભારતની બજારમાં ઘઉંના ભાવો ઊંચકાઈ ગયા હતા. ખાનગી વેપારીઓ દ્વારા કિસાનોને વધુ ભાવ મળતા હોવાથી સરકારની ખરીદી ખોરવાઈ ગઈ હતી. સરકારે 4.4 કરોડ ટન ખરીદીનો જે અંદાજ માંડ્યો હતો તે ઘટાડી કાઢવો પડ્યો હતો.

ભારત સરકારને જ્યારે ખબર પડી કે ઘઉંની અછતનો લાભ ઉઠાવીને કેટલીક કંપનીઓ સંગ્રહખોરી કરી રહી છે, ત્યારે તેણે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે તેમાં અપવાદ રાખવામાં આવ્યો હતો કે જો કોઈ દેશની સરકાર ભારત સરકારને સીધી વિનંતી કરે તો ભારત સરકાર માનવતાના ધોરણે તેને ઘઉંની નિકાસ કરશે. જો ભારત આ રીતે ઘઉંની નિકાસ કરે તો મલ્ટિનેશનલ કંપનીઓનો ગરાસ લૂંટાઈ જતો હતો. તેથી તુર્કીની સરકારે રુબેલાનું બહાનું કાઢીને ભારતના ઘઉંને નકારી કાઢ્યા હતા. જે ઇજિપ્ત અત્યાર સુધી ભારતમાંથી 35 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. ગયા મહિને ભારતે 61,500 ટન ઘઉં ઇજિપ્ત મોકલ્યા હતા. તેમાં કોઈ રુબેલા વાયરસ જોવા મળ્યા નહોતા. તુર્કી કે ઇજિપ્ત દ્વારા ભારતના ઘઉંમાં રુબેલા વાયરસ હોવાના કોઈ પુરાવા પણ આપવામાં આવ્યા નથી. રુબેલા વાયરસ ટ્રેડ વોરનો ભાગ હોવાનું લાગી રહ્યું છે.

ભારત સરકારે તા. 13 મેના રોજ અચાનક ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવી દેતા ભારતના બજારોમાં પણ અફડાતફડી મચી ગઈ છે. ભારતમાંથી ઘઉંની નિકાસ કરતી કંપનીઓએ ભારતના વેપારીઓને મોટા મોટા ઓર્ડરો આપી રાખ્યા હતા. વેપારીઓ દ્વારા કિસાનો પાસેથી ઘઉંની ખરીદી કરીને બંદરો તરફ રવાના કરવામાં આવ્યા હતા. ત્યાં સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકાતા કંપનીઓ દ્વારા આપવામાં આવેલા ઓર્ડરો રદ્દ કરવામાં આવ્યા છે. આ કારણે વેપારીઓને નુકસાન જતા તેમણે કંપનીઓ સામે કોર્ટમાં કેસો કર્યા છે. આ ઘઉં ભારતના બજારોમાં પાછા આવતા ભારતમાં પણ ઘઉંના ભાવો ઘટી ગયા છે. રશિયા – યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ભારત રશિયાની તરફેણ કરી રહ્યું હોવાથી પણ અમેરિકાના સાથી દેશો ભારતને પજવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top