SURAT

ઓલપાડ તાલુકાની ઉત્તરે અને ભરૂચ જિલ્લાની સરહદેથી વહેતી કીમ નદીના તટે વસેલું ગામ એટલે ભાદોલ

 ભૂલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિર ઉપરથી ગામનું નામ ભાદોલ પડ્યું હોવાનું તાર્કિક અનુમાન
 આઝાદીના સાડા સાત દાયકા પછી પણ વિકાસ માટે હજીયે સંઘર્ષ
અંદાજે ૧૬૦૦ની વસતી ધરાવતા ભાદોલ ગામમાં બહુધા હિન્દુ તળપદા કોળી પટેલોની વસતી વધુ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની ઉત્તરે ભરૂચ જિલ્લાની સરહદેથી વહેતી કીમ નદીના તટે વસેલું ભાદોલ ગામ ૪૦૦ વર્ષથી વધુ પુરાણું છે. ભાદોલ ગામનું નામ કેવી રીતે પડ્યું એ વિશે કોઇ ચોક્કસ માહિતી નથી. પરંતુ ગામના લોકોના જણાવ્યા અનુસાર ભૂલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિર નામ ઉપરથી ભાદોલ નામ પડ્યું હોવાનું તાર્કિક અનુમાન છે. આઝાદીના સાડા સાત દાયકા પછી પણ વિકાસ માટે હજીયે સંઘર્ષ કરી રહ્યું છે.

આગેવાનોની સૂઝબૂઝથી ગામની કેટલીક મૂળભૂત જરૂરિયાતોની સગવડો ઊભી કરવામાં સફળ રહ્યા છીએ. પરંતુ માળખાકીય સુવિધાઓ માટે લોકો વંચિત રહ્યા છે. અંદાજે ૧૬૦૦ની વસતી ધરાવતા ભાદોલ ગામમાં બહુધા હિન્દુ તળપદા કોળી પટેલોની વસતી વધારે હોવાથી તેઓનું પ્રભુત્વ જોવા મળે છે. આ ઉપરાંત ગામમાં રાજપૂત, આહીર, હળપતિ, હરિજન, ઘાંચી, બ્રાહ્મણ, સુથાર, મૈસૂરિયા સહિતની જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. ગામમાં નવ ફળિયાં આવેલાં છે, જેમાં વડ ફળિયું, રાજપૂત ફળિયું, આહીર ફળિયું, પટેલ ફળિયું, મંદિર ફળિયું, નવું ફળિયું, હળપતિવાસ, હરિજનવાસ, દોલત નગરનો સમાવેશ થાય છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. આ ઉપરાંત ગામના ભણેલા-ગણેલા લોકો સરકારી અને ખાનગી ક્ષેત્રે નોકરી સાથે સંકળાયેલા છે. હાલ ભાદોલ ગ્રામ પંચાયતના સરપંચ પદે પ્રગ્નેશભાઇ રતિલાલ પટેલ કાર્યભાર સાંભળી રહ્યા છે. તેઓ બી.એ. એલ.એલ.બી. કરી વકીલાતનો વ્યવસાય પણ કરે છે. તેમની સાથે ડે.સરપંચ પદે ઉષાબેન બળવંતભાઇ રાઠોડ સેવા આપી રહ્યા છે. અને તેઓ ગામનો સર્વાંગી વિકાસ કરવા કટિબદ્ધતા દાખવી રહ્યા છે.

ભૂલેશ્વર મહાદેવ મંદિર ૪૦૦ વર્ષ પુરાણું
ભાદોલ ગામે આવેલું શિવ મંદિર ભૂલેશ્વર મહાદેવ આશરે ૪૦૦ વર્ષથી વધુ પુરાણું હોવાનું મનાય છે. કહેવાય છે કે, સમગ્ર ભારતભરમાં માત્ર બે જ શિવ મંદિરો દક્ષિણમુખી આવેલાં છે, જેમાં બદ્રીનાથમાં આવેલું શિવ મંદિર અને ભાદોલ ગામે આવેલું ભૂલેશ્વર મહાદેવનું મંદિર દક્ષિણામુખી હતું. પરંતુ ગ્રામજનોએ સંવત-૨૦૬૩ મહા વદ બારસ ૧૪ ફેબ્રુઆરી વર્ષ-૨૦૦૭માં ભૂલેશ્વર મહાદેવ મંદિરના જૂના પુરાણા મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંદિરનું પુન: નિર્માણ કાર્ય પૂર્ણ થતાં સંવત-૨૦૬૭ મહા વદ તેરસ તા.૨/૩/૨૦૧૧ના રોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો. મંદિરના નવનિર્માણ દરમિયાન મંદિર પૂર્વ મુખી બનાવવામાં આવ્યું હતું.

ભાદોલમાં ૧૮૯૮માં પ્રાથમિક શાળાની શરૂઆત થઈ
૧૮૫૭ના વિપ્લવમાં અંગ્રેજોની જીત થઈ. સમગ્ર ભારતભરમાં અંગ્રેજોનું રાજ સ્થપાયું. દેશમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિઓ પણ વ્યાપ વધવા માંડ્યો. શહેરોથી લઈને ગામડાંમાં પણ શિક્ષણ માટેની શાળાઓનો પ્રારંભ થયો. ઓલપાડ તાલુકાના ભાદોલ ગામે પણ તા.૧૭/૫/૧૮૯૮માં પ્રારંભ થયો હતો. જેમાં સૌપ્રથમ શાળા શરૂ કરવા માટે ઇલાવ ગામના પારસી સદગૃહસ્થ શેઠ પાલમજી નસરવાનજી પંથકીએ પોતાની મર્હુમ ધણીયાણી બાનુબાઈના સ્મરણાર્થે ભાદોલ ગામે મકાન બનાવી શાળા માટે અર્પણ કર્યું હતું.

  • ગ્રામ પંચાયતની બોડી
    સરપંચ: પ્રજ્ઞેશકુમાર રતિલાલ પટેલ
    ઉપસરપંચ: ઉષાબેન બળવંતભાઈ રાઠોડ
    સભ્યો: અંજનાબેન ભગવતીભાઈ પટેલ
  • સરોજબેન ભવાનભાઈ પટેલ
  • મેહુલભાઈ હરિભાઈ પટેલ
  • કિંજલકુમારી વસંતકુમાર પટેલ
  • વિજયભાઈ અમ્રતભાઈ પટેલ
  • રમેશભાઈ ગણપતભાઈ રાઠોડ
  • નિમેષકુમાર અમૃતભાઈ સોલંકી
  • તલાટી કમ મંત્રી: હિરેનકુમાર અસોદરીયા

ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન
ઓલપાડ તાલુકાનું ભાદોલ ગામ કીમ નદીને કાંઠે આવેલું હોવાથી વખતોવખત રેલના પાણી ખેતરોમાં ઘૂસી જતાં હોય અને તેની સાથે આવેલો કાંપ ખેતીની જમીનને ફળદ્રુપ બનાવે છે. જેના કારણે ખેતીપાકોનું ઉત્પાદન બમણું થાય છે. ભાદોલ ગામના ખેડૂતો મુખ્ય પાક શેરડી, ડાંગર, શાકભાજી જેવા કે પરવળ, ભીંડા, પાપડી, રીંગણ, ટીંડોળાની ખેતી કરે છે. આ ઉપરાંત ખેડૂતો પશુપાલનનો વ્યવસાય પણ મોટા પાયે કરી રહ્યા છે. અહીંના પશુપાલકો નજીકના ગામમાં આવેલી ટકારમા દૂધમંડળીમાં દૂધનું પુલિંગ કરે છે. અને પોષણક્ષમ ભાવ મેળવે છે.

૧૬મી સદીમાં લાલા વણઝારાએ નિર્માણ કરેલી વાવ અને કૂવો ભયંકર દુષ્કાળમાં જીવનદાયી બન્યા હતા
ઓલપાડ તાલુકાનું ભાદોલ ગામ ખાતે આવેલો વાવ, કૂવો અને ભૂલેશ્વર મહાદેવનું મંદિર ૧૬ મી સદીના હોવાનું ગ્રામજનો જણાવે છે, જેમાં વાવ અને કૂવો ભયંકર દુષ્કાળના સમયે જીવનદાયી બન્યા હતા. કહેવાય છે કે, અહીં લાલા નામના વણઝારાએ થોડો સમય વસવાટ કર્યો હોય તે દરમિયાન તેણે ભાદોલ ગામે કૂવો અને વાવનું નિર્માણ કર્યું હતું. વધુમાં આ અંગે ગામલોકોએ જણાવ્યું હતું કે, જ્યારે ભૂલેશ્વર મહાદેવ મંદિરનું પુન: નિર્માણ કરવામાં આવ્યું ત્યારે મંદિરના પાયા નાંખવા માટે ખોદવામાં આવેલા ગરારા ખોડતી વખતે પથ્થરની શિલાઓ નીકળી હતી.

અને વાવ જેવા આકારના શીલાખંડો સમયના કાળ સાથે ધરબાઈ ગયેલા હોવાનું જણાઈ આવ્યું હતું. નીચે વાવ હોવાના કારણે મંદિરના પાયાનું ખોદકામ કોઈક જગ્યાએ દસથી બાર ફૂટ તો કેટલીક જગ્યાએ માંડ છ ફૂટ જ ખોદી શકાયું હતું. અને આ વાવનો છેડો ભૂગર્ભમાં કૂવા સાથે જોડાયેલો હોવાનું તથ્ય તેમણે રજૂ કર્યું હતું. વધુમાં લાલા નામના વણઝારાએ ઓલપાડ ગામ ખાતે પણ વાવ અને તળાવ ખોદાવ્યું હોવાનો પણ ઓલપાડના ઇતિહાસમાં ઉલ્લેખ મળી આવે છે. જે આજે લાલવા તળાવ નામથી પ્રસિદ્ધ બન્યું છે.

આનંદ આશ્રમની સ્થાપના પછી ગામ ભક્તિમય વાતાવરણથી નવપલ્લવીત થયું
ભાદોલ ગામે આવેલો આનંદ આશ્રમ ગામના તેમજ આજુબાજુના વિસ્તારના લોકો માટે ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બન્યો છે. અહીં સંતોની તપોભૂમિનાં તપ વડે ગામ ભક્તિમય સંસ્કારથી નવપલ્લવીત થયું છે. ગામના લોકોને કતારગામના વતની સ્વામીશ્રી નૃસિંહગિરિજીના સ્વરૂપમાં ધર્મપ્રેમી, સંસ્કાર શિરોમણિ અને સમર્થ શિક્ષક સને ૧૯૨૪ના વર્ષમાં શાળામાં જોડાયા, દર વર્ષે મહાશિવરાત્રિની મહાપૂજા સહિત શિવરાત્રિ ભજનમંડળની સ્થાપના કરીને એમણે ગામ લોકો અને યુવાનોમાં સેવા ભક્તિ સાથે સુસંસ્કારોનું સિંચન કર્યું અને ધાર્મિક અને ભક્તિભાવની ભૂમિકા તૈયાર થઈ. ત્યારબાદ સને-૧૯૩૦ના વર્ષમાં ભરૂચ મિયાગામ કરજણના પૂ.સંત મહારાજ શ્રી બહેચરરામ શર્મા ભાદોલ ગામે પધાર્યા.

તેઓએ ગામના પાદરે શિવાલયમાં ધૂણી ધખાવી અને નિજાનંદમાં મસ્ત રહેતા, સંતના ગાઢ સંપર્કમાં આવેલા દુલ્લભ બાપાએ એમની વાડીની જમીન ગુરુ દક્ષિણા તરીકે એમના ચરણે ધરી. જાગૃત થયેલી આ ભૂમિમાં ગોબરના લીપણવાળી વાંસપાલાની ઝૂંપડીમાં આનંદાશ્રમનાં બીજ રોપાયાં, એમાં રાત-દિવસ સત્સંગ સાથે સંતવાણીની સરવાણી વહેતી થઈ. સને-૧૯૫૨ના વર્ષમાં પૂ.મહારાજશ્રી બહેચરરામ-શર્મા બ્રહ્મલીન થયા, પછી દુલ્લભબાપાએ આવનારા સંત મહાત્માઓની સેવા સાથે આશ્રમની પ્રણાલીઓ જાળવી રાખીને આશ્રમનું જતન કર્યું. અભ્યાસગતો માટે ભંડારો ચાલુ રાખતાં દુલ્લભબાપાને બાળકોને જમાડવામાં ખૂબ આનંદ આવે. ગુરુ જન્મ જયંતીના ઉત્સવ વખતે ભોજન આપે, ભણવા માટે સ્ટેલ-પેન અચૂક અર્પણ કરે.

આશ્રમના સદનસીબે સને-૧૯૫૩ના વર્ષમાં ઓલપાડના સ્વ.ભાનુશંકર વૈદ્યના પ્રયત્નોથી મહાવિદ્વાન પૂ.સ્વામીશ્રી કૃષ્ણાનંદજીની પધરામણી થઈ. જિજ્ઞાસુઓને વહેલી સવારે ગીતા, વેદ, વેદાંતનો સરળ ભાષામાં અભ્યાસ કરાવે. ભજન-કીર્તન અને એમના વિદ્વતાભર્યા પ્રવચનોથી આશ્રમમાં નવી ચેતના જાગી. એમના સને-૧૯૯૮ના વર્ષમાં બ્રહ્મલીન થયા પછી આશ્રમની પ્રણાલિકાઓ જાળવી રાખવાની અને એનો વિકાસ કરવાની જવાબદારી એમના શિરે આવી. જો કે, સને ૧૯૭૨ના વર્ષમાં દુર્લભ બાપાના અવસાન બાદ પ્રવૃત્તિઓમાં આવેલી ઓટ આવી એ એક દુઃખદ સંસ્મરણ છે.

જો કે, આજે પણ આશ્રમમાં પૂ.દલ્લભબાપાની પૂણ્યતિથિ સહ ગુરુપૂર્ણિમા, કૃષ્ણાનંદજીની જન્મજયંતી, બહેચરરામ શર્માની જન્મજયંતીની ઉજવણીનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ ઉપરાંત સ્વાધ્યાય પરિવાર તેમજ ગાયત્રી પરિવાર પોતાનાં સુસંસ્કાર કાર્યક્રમ યોજે છે. ગુરુ ગીતાના સુંદર સમૂહગાનથી શરૂ થયેલો ઉત્સવ સંત ગુરુ-પ્રવચન, તેમના પૂજન અને ભોજન સાથે પૂર્ણ થાય છે. ભાવિક ભક્ત પરિવારના સહયોગથી પૂનમની ઉજવણીની રાત્રિએ ભક્તજનો ભજન અને ધૂનથી આશ્રમના વાતાવરણને ભક્તિમય બનાવે છે.

ભાદોલ ગામેથી વહેતી કીમ નદી શિયાળા-ઉનાળામાં આશીર્વાદરૂપ અને ચોમાસામાં વિનાશક
નદીઓના તટે વસેલા ગામડાં કે શહેરોનો હંમેશાં વિકાસ તો થયો જ છે. પરંતુ ચોમાસામાં રૌદ્ર સ્વરૂપે વહેતી નદીઓ આફત નોતરે છે. ભાદોલ ગામેથી વહેતી કીમ નદી ખેડૂતો માટે શિયાળા-ઉનાળામાં આશીર્વાદરૂપ બને છે. આઠ મહિના ખેડૂતોને સિંચાઇનું ભરપૂર પાણી મળે છે. જેથી ભાદોલ ગામના ખેડૂતો ખેતીપાકોમાં મબલક ઉત્પાદન મેળવે છે. પરંતુ જ્યારે ચોમાસામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડે ત્યારે કીમ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. જેના કારણે રેલ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને નદી કાંઠા વિસ્તારમાં રેલના પાણી ખેતરોમાં ઘૂસી જતાં હોવાથી ખેતી પાકોમાં ભારે વિનાશ વેરે છે. અને કિનારાનાં ખેતરોનું પણ મોટા પાયે ધોવાણ થાય છે.

સંસ્કાર ભારતી વિદ્યાલયે તાલુકાની અગ્રગણ્ય માધ્યમિક શાળાઓમાં સ્થાન મેળવ્યું
આનંદ આશ્રમના ટ્રસ્ટી દ્વારા સંચાલિત સંસ્કાર ભારતી વિદ્યાલય, ભાદોલ ગામના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. ગામમાં આવેલી સંસ્કાર ભારતી માધ્યમિક શાળાએ તાલુકાની અગ્રગણ્ય શાળાઓમાં સ્થાન મેળવ્યું છે. શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ લઇ રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં અનેક વખત તાલુકામાં ધોરણ-૧૦ની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય ક્રમે આવી ચૂક્યા છે. શાળાનાં બાળકો બિરલા સલ્યુલોઝ ખરચ દ્વારા થતી ત્રણ તાલુકાની શાળાઓની ક્વીઝ સ્પર્ધામાં પણ વિજેતા બની હતી. શાળાના વિદ્યાર્થીઓ ‘દિલ્હી દર્શન” અને સ્વાતંત્ર દિન પરેડ’માં જઈ આવ્યા છે.

ગ્રામજનો જણાવે છે કે, આશ્રમની બાજુમાં ઈ.સ.૧૯૮૪માં સ્થપાયેલી સંસ્કાર ભારતી માધ્યમિક શાળા ગામની દીકરીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કારણ કે, ગામથી ઓલપાડ તાલુકા મથક અને કીમનું અંતર ઘણું દૂર હોવાથી મોટા ભાગે વાલીઓ દીકરીઓને માધ્યમિક શાળા છોડાવી દેતા હતા. જો કે, ગામમાં માધ્યમિક શાળાની સ્થાપના થતાં વિદ્યાર્થિનીઓ ઉચ્ચ અભ્યાસ કરી રહી છે. ગામના વડીલોએ માધ્યમિક શાળા બનાવવા પ્રેરણા આપનાર ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને યાદ કરી જણાવ્યું હતું કે, ૧૯૫૫-૫૬નાં વર્ષમાં કોંગ્રેસનું એક વિશાળ અધિવેશન મોરારજી દેસાઈની આગેવાનીમાં આશ્રમ સ્થળે ભરાયેલું.

ત્યારે મોરારજીભાઈ દેસાઈએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભાદોલ ગામમાં આશ્રમ હોય તો શાળા કેમ નહીં? ત્યારે એ જ વાત ગામના ટ્રસ્ટીમંડળે અને ખાસ કરી પરભુભાઈએ ગંભીરતાથી લીધી હતી. તથા ગામલોકોએ અથાક પ્રયત્નોથી ૧૯૮૪માં આશ્રમની બિલકુલ બાજુમાં માધ્યમિક શાળાની સ્થાપના કરી અને સંસ્કાર ભારતી માધ્યમિક શાળાનો ઉદય થયો. જે આજે ઉત્તરોત્તર પ્રગતિ સાધી તાલુકાની અગ્રણ્ય શાળા પૈકીની એક બની છે. ગામના અને આજુબાજુનાં ગામડાંના વિદ્યાર્થીઓ માટે આ શાળા આશીર્વાદરૂપ બની છે.

ભારતમાં મશહૂર થયેલી ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ના નિર્માણનો નાનકડો હિસ્સો બનવાનું ગૌરવ
આઝાદી પછીના સમયગાળામાં ભારતીય સિનેમા દ્વારા નિર્માણ થયેલી ફિલ્મોમાં તત્કાલીન સમયના પ્રશ્નોને વાચા આપતી મહદઅંશે ફિલ્મો બનાવવામાં આવી હતી. અને જે-તે સમયની વાસ્તવિક સ્થિતિ લોકો સમક્ષ મૂકીને જનતામાં જાગૃતિ લાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો હતો. આવી ફિલ્મોને હંમેશાં ભારતીય સમુદાય પસંદ કરી છે, સ્વીકારી છે અને તેની ભરપૂર સરાહના પણ કરી છે. દેશની આઝાદી પછી શરૂઆતના દાયકામાં વર્ષ-૧૯૫૭માં નિર્માણ થયેલી ‘મધર ઈન્ડિયા’ ફિલ્મ રજૂ થઈ હતી. જે સામાજિક લોકજીવન ઉપર આધારિત ફિલ્મ હતી.

આઝાદી પછી પણ દેશના શાહુકારો મૂડીપતિઓએ ગરીબ અને અભણ પ્રજાને લૂંટવાનું અને યેનકેન પ્રકારે ગરીબ ખેડૂતોની જમીન પોતાને હસ્તક કરી લેવી, તેમની પાસે વેઠ-મજૂરી કરાવી અને ખેડૂતોને એમની મહેનતું પૂરતું વળતર ના મળે તેવી સ્થિતિ નિર્માણ કરી હતી. આ તમામ બાબતોનું ડાયરેક્ટર મહેબૂબ ખાને તેમની ફિલ્મમાં ચરિત્ર ચિત્રણ રજૂ કર્યું હતું. ‘મધર ઈન્ડિયા’ ફિલ્મમાં મહેબૂબ ખાને ફિલ્મના ઘણા બધા અંશોનું શૂટિંગ દક્ષિણ ગુજરાતમાં કર્યું હતું, જેમાં મહુવા તાલુકાના અનાવલ વિસ્તાર અને ઓલપાડ તાલુકાના ભાદોલ-કદરામા ગામોમાં કેટલાક સીન ફિલ્માવ્યા હતા.

ફિલ્મની નાયિકા નરગીસ અને હીરો રાજકુમારનાં લગ્ન અને તેની જાનનાં દૃશ્યો અહીં ફિલ્માવ્યા હોવાની ગામના વડીલો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી. અને આ ફિલ્મી જાનમાં ગામના લોકો પણ જાનૈયા તરીકે સામેલ થઈ તેમનાં બળદ ગાડાં પણ શૂટિંગ માટે ઉપલબ્ધ કરાવ્યાં હતાં અને ઘણા દિવસો સુધી ગામના અને આજુબાજુના લોકોમાં શૂટિંગ જોવાના કુતૂહલ સાથે મેળાવડો જામેલો રહ્યો હતો. ગામના વડીલોના જણાવ્યા અનુસાર તત્કાલીન સમયે અસનાડ કોટન મંડળી સેક્રેટરી અને ભાદોલ ગામના સહકારી આગેવાન મહાદેવભાઈ પટેલે ફિલ્મના કલાકારો નરગીસ, રાજકુમાર સહિત અન્ય કલાકારોને રહેવા માટે મંડળીના રૂમો પણ આપ્યા હતા. સમગ્ર ભારતમાં મશહૂર થયેલી ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ના નિર્માણનો નાનકડો હિસ્સો બનવાનું ગૌરવ ભાદોલ ગામ ધરાવે છે.

આનંદ આશ્રમની મહાત્મા ગાંધીજી સહિત મહાનુભાવો મુલાકાત લઈ ચૂક્યા છે
આનંદ આશ્રમ ખાતે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, તેમની પુત્રી મણિબહેન, મોરારજીભાઈ દેસાઈ અને હાલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. ભાદોલ ગામે આવેલો આનંદ આશ્રમ માત્ર સંતોની તપોભૂમિના તપ વડે ગામ ભક્તિમય સંસ્કારનું કેન્દ્ર બનવાની સાથે સાથે સ્વાતંત્ર્ય ચળવળ સમયે દેશભક્તોની વિશેષ મુલાકાતનું સ્થળ પણ બની રહ્યું હતું.

સને ૧૯૨૯-૩૦ના વર્ષમાં ભરૂચ મિયાગામ કરજણના પૂ.સંત મહારાજ શ્રી બહેચરરામ શર્મા ભાદોલ ગામે પધાર્યા હતા. તેઓ ગામના પાદરે શિવાલયમાં ધૂણી ધખાવી અને નિજાનંદમાં મસ્ત રહેતા, સંતના ગાઢ સંપર્કમાં આવેલા દુલ્લભ બાપાએ એમની વાડીની જમીન ગુરુદક્ષિણા તરીકે એમના ચરણે ધરી. અને આ ભૂમિમાં આનંદાશ્રમના બીજ રોપાયા. ૧૯૩૦માં અંગ્રેજોએ હિન્દુસ્તાની પ્રજાના ભોજનનું અભિન્ન અંગ એવું ‘મીઠું’ ઉપર કર નાંખતાં મહાત્મા ગાંધીજીએ આ કાળા કાયદાનો વિરોધ કર્યો અને મહાત્મા ગાંધીજીએ અંગ્રેજ શાસન સામે અહિંસક સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરી. જે ૧૨ માર્ચ-૧૯૩૦થી સાબરમતી આશ્રમથી શરૂ થઈ નવસારી નજીક દરિયા કિનારે આવેલા દાંડી ગામે પૂરી કરવામાં આવી હતી.

આ યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીએ તા.૨૮/૩/૧૯૩૦ ને શનિવારે ભરૂચ જિલ્લામાંથી કીમ નદીને પાર કરી અને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે તેમનું આગમન થયું. ત્યારબાદ વડોલી થઈ તેઓ ભાદોલ ગામે આનંદ આશ્રમ ખાતે પધાર્યા હતા. જ્યાં મહાત્મા ગાંધીજીએ ભાદોલ તેમજ આજુબાજુના ગ્રામજનોની સભાને સંબોધી હતી. ઉપરાંત અખંડ ભારતના શિલ્પી અને દેશના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પણ તેમની દક્ષિણ ગુજરાતની યાત્રા સમયે આનંદ આશ્રમની મુલાકાત લીધી હતી. તેમની સાથે તેમની પુત્રી મણિબહેન પણ પધાર્યા હતા. ૧૯૬૦માં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ પણ મુલાકાત લીધી હતી. એ સમયે એમણે ગ્રામજનોને આશ્રમની બાજુમાં માધ્યમિક શિક્ષણ માટે શાળા શરૂ કરવા સૂચન કર્યું હતું. હાલ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ જ્યારે તેઓ આરએસએસના સંઘ પ્રચારક હતા ત્યારે તેમણે આનંદ આશ્રમની મુલાકાત લીધી હતી.

ભાદોલ ગામના ગૌરાંગ પટેલે PHDની ઉપાધિ મેળવી સફળતા પ્રાપ્ત કરી, પરંતુ કોરોના એ નવયુવાનને ભરખી ગયો
ભાદોલ ગામના એક યુવાન ગૌરાંગ શિવાભાઈ પટેલની જેણે ફિઝિક્સ વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી ડોક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત કરી પોતાનું ગામ-તળપદા કોળી પટેલ સમાજ અને ઓલપાડ તાલુકાનું નામ રોશન કર્યું. શિક્ષક દંપતીનો પુત્ર ગૌરાંગ નાનપણથી અભ્યાસમાં ખૂબ જ રુચિ ધરાવતો હતો. તેણે ૧થી ૩ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ભાદોલની શાળામાં લીધું. ત્યારબાદ આગળનું શિક્ષણ ભાદોલ ગામની સંસ્કાર ભારતી માધ્યમિક શાળામાં લીધું અને ધોરણ-10માં ૯૦.૮૬ % સાથે ઉત્તીર્ણ થયો.

ધોરણ-૧૧માં સાયન્સ સાથે અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં પ્રવેશ મેળવી ધોરણ-૧૨માં ૬૯.૫૩ % સાથે પાસ કરી, ફિઝિક્સ વિષય સાથે સર પી.ટી.સાયન્સ કોલેજમાંથી નર્મદ યુનિવર્સિટીમાંથી ૭૩.૨૦ % સાથે ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યારબાદ એમ.એસ યુનિવર્સિટી બરોડાથી ૬૮.૧૩ % સાથે એમ.એસ.સી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. અને ત્યાંજ ડો.એમ.બી.સિંગાપોરેના માર્ગદર્શન હેઠળ ફિઝિક્સ વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી.

તેઓ જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી સુરત ખાતે ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા. તેમણે એક વિશેષજ્ઞ તરીકે અમદાવાદમાં ૨૦ ફેબ્રુઆરી-૨૦૧૦, ICMST-ISRO, ત્રિવેન્દ્રમ ૨૯ ઓક્ટોબર-૨૦૧૦, PVC/PAM Polymer blend-મનીપાલ યુનિવર્સિટી, કર્ણાટક ૨૪ ડિસેમ્બર-૨૦૧૦, BARC, મુંબઇ ખાતે ૭ ડિસેમ્બર-૨૦૧૦, ICMST-2010 કુઆલમ્પુર, મલેશિયા ૨૬, નવેમ્બર-૨૦૧૦, ICMAT–2011 સિંગાપોર ૨૭ જૂન-૨૦૧૧ સહિતની વિવિધ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જો કે, શિક્ષણ ક્ષેત્રે અનેક સફળતા પ્રાપ્ત કરનાર ગૌરાંગ આખરે કોરોના કાળમાં જીવન હારી ગયો. અને પરિવાર પોતાનો તેજસ્વી પુત્ર ગુમાવવાનું દુઃખ હજીયે ભૂલ્યો નથી.

રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત ભાદોલ ગામના રિટાયર્ડ એ.એસ.આઈ. મનુભાઈ પટેલ
પોલીસમાં સામાન્ય કર્મચારી તરીકેની પોસ્ટ પર રહી મોટા અને ગંભીર ગુના ઉકેલવાની કુનેહ સાથે મહત્ત્વની કામગીરી કરનાર તળપદા કોળી પટેલ સમાજના પોલીસ જમાદાર મનુભાઈ પટેલ કે પોતાની નોકરીના સમયગાળા કરતા વિશિષ્ટ સેવા અને પ્રસંશનીય કામગીરી કરી ઇનામથી સન્માનિત થયેલા પોલીસ કર્મચારી છે. 38 વર્ષ સુધી સુરત શહેર પોલીસમાં સરાહનીય કામગીરી કરનાર ભાદોલ ગામના મનુભાઈ તળપદા કોળી પટેલ સમાજના મધ્યમવર્ગીય ખેડૂત પરિવારમાં જન્મેલા અને અંક્લેશ્વર તાલુકાના ઈદ્રીશ પારડી ગામમાં ધોરણ-10 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ગુજરાત પોલીસ ભરતી થયા હતા.

સાથે 1980માં કોન્સ્ટેબલ તરીકે સુરત પોલીસમાં નિમણૂક પામ્યા બાદ વફાદારી સાથે પબ્લિક સાથેનો સંપર્ક અને અનેક વિસ્તારમાં વફાદાર બાતમીદારોની મદદગારીએ ગંભીર પ્રકારના ગુના ઉકેલવામાં સફળતા મેળવી હતી. સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માનીતા થયેલા મનુભાઈ હરિભાઈ પટેલે સુરત પોલીસના મહત્ત્વના ક્રાઈમ બ્રાન્ચમાં પોસ્ટિંગ મેળવી તેમણે અપહરણ, ફાયરિંગ, હત્યા, ચોરી અને લૂંટ સાથે નાર્કોટિક્સના અનેક ગંભીર ગુના ઉકેલવામાં સફળતા મેળવી હતી. તેમણે ફરજ દરમિયાન યાદગાર પ્રસંગો વાગોળતાં કહ્યું કે, મારા પર આજદિન સુધી ખાતાકીય તપાસ કે ભ્રષ્ટાચાર સહિત કોઈ કલંક નથી.

અત્યાર સુધી મેં અનેકવાર મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના વિવિધ કાર્યક્રમોની પણ ગંભીરતાથી જવાબદારી નિભાવી છે. 1980થી 2018 આમ 38 વર્ષ પોલીસમાં નોકરી કરી હાલ એ.એસ.આઈ. તરીકે રીટાયર્ડ થયા છે. મનુભાઈ પટેલે સુરત પોલીસમા 456 મહિનાની નોકરીમાં વિશિષ્ટ સેવા તેમજ પ્રશંસનીય કામગીરી કરવા બદલ કુલ 663 ઇનામ મેળવ્યાં છે. આટલું જ નહીં અપહરણ, ફાયરિંગ, હત્યા, ચોરી અને લૂંટ સાથે નાર્કોટિક્સના અનેક ગંભીર ગુના ઉકેલવામાં સફળતા મેળવવા બદલ વર્ષ-2015માં રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલ તેઓ દક્ષિણ ગુજરાતની નામાંકિત સાયણ સુગર ફેક્ટરીમાં ઉપપ્રમુખ પદે સફળતાપૂર્વક કામગીરી બજાવી રહ્યા છે. સાથે સાથે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સેવા બજાવી રહ્યા છે.

ભાદોલ ગામના ખેતરાડી માર્ગો હજીયે ગાડાના ગરેડવાળા ધૂળિયા
ઓલપાડ તાલુકાનું ભાદોલ ગામ આઝાદીનાં 75 વર્ષ પછી પણ વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યું છે. હજુયે ગામમાં માળખાકીય સુવિધા સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થઈ નથી. આ ઉપરાંત ગામના સીમાડાનાં ખેતરોમાં જવા માટે કોઈ પાકા રસ્તા ઉપલબ્ધ નથી. આજે પણ ગામના ખેતરાડી રસ્તા ગાડાના ગરેડિયા ધૂળિયા જોવા મળે છે. ગ્રામજનોની વખતોવખત રજૂઆત બાદ ભાદોલ-કણભી ગામને જોડતો ખેતરાડી રસ્તો ઓલપાડના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા કિસાન પથ યોજનામાં 1.30 કરોડ મંજૂર કરવામાં આવ્યો છે. હાલ કદરામા વિભાગને જોડતો પછવાડા વગરનો રસ્તો, વચલી રાહવાળો રસ્તો સહિત અન્ય રસ્તા નવનિર્માણ માટે હજી બાકી રહ્યા છે.

ભાદોલ ગામના આગેવાનોનું વિવિધ ક્ષેત્રે પ્રદાન
ભાદોલ ગામે અનેક મહાનુભાવોએ ગામને તેમનું યોગદાન આપી ગામને વિકાસના પંથે લઈ જવા માટે મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. ભાદોલ ગામના દાનવીર તરીકે ઓળખાતા સ્વ.દુર્લભ બાપાએ તેમનું જીવન સંત સેવા, ભક્તિ અને પરોપકારીતામાં વ્યતીત કર્યું હતું. દુલ્લભબાપાએ વાડીની જમીન દાન આપતાં આનંદાશ્રમનો પ્રારંભ થયો હતો. તેમણે બહેચરરામ શર્માના બ્રહ્મલીન કાળ બાદ જીવનપર્યંત આશ્રમનું જતન કર્યું. તેમણે શિક્ષણ પ્રત્યે ખૂબ ભાર આપી બાળકોને શિક્ષણ સહાય કિટનું પણ દાન કર્યુ હતું. ગામમાં શૈક્ષણિક ક્ષેત્રે આગવું પ્રદાન કરનારા સ્વાતંત્ર્યસેનાની સ્વ.પરભુભાઈ લાલાભાઈ પટેલ ગામના પ્રથમ સ્નાતક તરીકે અભ્યાસ પૂર્ણ કરી ઇલાવ ગામે આર.કે.વકીલ શાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે જોડાયા અને ત્યારબાદ આચાર્યનો કાર્યભાર સંભાળ્યો, તેઓ આનંદ આશ્રમના મુખ્ય ટ્રસ્ટી તેમજ ૧૯૮૪માં ભાદોલ સંસ્કાર ભારતી સ્કૂલની સ્થાપના કરી અને આજીવન શાળાના પ્રમુખ તરીકે સેવા બજાવી હતી.

તેઓ અસનાડ કોટન મંડળીમાં ડિરેક્ટર પદે, આઝાદ કેળવણીમંડળમાં સભ્ય તરીકે તેમજ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં પણ શિક્ષક તરીકે સેવા આપી હતી. ભાદોલ ગામના સહકારી અને રાજકીય આગેવાન નિમેષભાઈ હસમુખભાઈ પટેલ હાલ ટકારમા વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીના પ્રમુખ પદે સેવા આપી રહ્યા છે. તેમણે ગામમાં ભૂતપૂર્વ ડેપ્યુટી સરપંચ તરીકે પણ સફળ કામગીરી બજાવી હતી અને હાલ ભાજપના કિસાન મોરચાના ઉપપ્રમુખ તરીકે પણ કામગીરી બજાવી રહ્યા છે. ગામના રમેશભાઇ ગોમાનભાઈ પટેલ ભાદોલ સેવા સહકારી મંડળી લિ.ના પ્રમુખ પદે સેવા આપી રહ્યા છે. ગામના જિલ્લા પંચાયતનાં માજી સભ્ય ભાનુબેન ગોવિંદભાઇ પટેલ અને જેલીબેન રવજીભાઈ રાઠોડે માજી તાલુકા પંચાયત સભ્ય તરીકે સેવા બજાવી હતી. આ ઉપરાંત ભૂતકાળમાં ગોવિંદભાઇ ભાણાભાઈ પટેલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વર્ષો સુધી સેવા બજાવી હતી.

Most Popular

To Top