Charchapatra

પરદેશમાં પોતીકાપણું

જુદા જુદા કારણસર માતૃભૂમિથી દૂર કે વિદેશમાં ગયેલાં લોકોને જયારે માતૃભૂમિમાં વીતાવેલા સમયના પરિચિતો મળી જાય  ત્યારે પ્રસન્નતા પ્રસરી જાય છે અને આત્મીયજન જેવો વ્યવહાર પ્રગટે છે. એકબીજાની સસ્મિત પૂછપરછ થાય છે અને પોતે જયાં રહે છે ત્યાં અનુકૂળતાએ મળવા આવવા આમંત્રણ પણ પાઠવી દેવાય છે. કોઇ સગપણ કે અન્ય વ્યવહાર નહીં હોવા છતાં પોતીકાપણાનો ભાવ જન્મે છે. વિચિત્રતા તો એ રહે છે કે માતૃભૂમિમાં વાસ્તવમાં અનેક ભિન્નતા વચ્ચે તેઓ જીવતાં હોય છે, પણ દૂરના પ્રદેશમાં નાતજાત, ધર્મ, ઉચ્ચનીચ કે એવા બીજા ભેદભાવ ગાયબ થઇ જાય છે કે વિસરી જવાય છે.

આમ તો સરેરાશ ભારતીય અનેક ઓળખ સાથે જીવે છે,  દૂર પ્રદેશમાં કે વિદેશમાં પોતાની માતૃભૂમિની વ્યક્તિઓનું ત્યાં ગ્રુપ બની જાય છે. પરાઈ ધરતી પર વધારે એકતા સધાય છે. બ્રિટનમાં આવી પરિસ્થિતિ ખાસ જોવાય છે. ભલે ત્યાં ભારતીય મૂળ વંશના વડાપ્રધાન બિરાજયા હોય, ભારતમાં જે નાગરિકો અલગતાની ભાવના સાથે અન્ય સમુદાયો કે સમાજ સાથે વર્તતા હોય તે બધા પારકી ધરતી પર વધારે દેશપ્રેમી, રાષ્ટ્રવાદી, ધર્મપ્રેમી, સંસ્કૃતિ પ્રેમી બની જાય છે.

તેઓ વતન ઝુરાપો અનુભવે છે અને કંઇક છૂટી ગયું હોવાની પીડા અંતરમાં રહે છે. ત્યાં સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતા રહેતી નથી અને કડક શિસ્તનું કાયદા કાનૂનનું પાલન કરવું પડે છે.આ તકે એવો વિચાર આવે છે કે ભારતીય સમાજમાં લગ્ન બાદ કન્યાએ માતાપિતાને છોડી પતિને ત્યાં જઈને રહેવું પડે છે ત્યારે કન્યાએ પોતીકા ઘરને વિસરી પતિના ઘરને પોતીકું બનાવી દેવું પડે છે ત્યારે માતૃભૂમિ પર આવેલો વસેલો કોઇ પણ ધર્મ કે જાતનો માણસ તેને વહાલ સાથે આકર્ષે છે અને પોતીકો લાગે છે. ભારતીય સંસ્કારની એ જ તો મહાનતા ગણાય.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સીટી બસના ડ્રાઈવરોને અકસ્માતોમાં કડક સજા કરો
આપણે ત્યાં સીટી બસના ડ્રાઈવરો અતિશય સ્પીડે ગાડી ચલાવે છે. તેઓ વારંમવાર અકસ્માત કરતા રહે છે. તા. 05.05.2023ના ગુજરાતમિત્રના સમાચાર મુજબ ખરવર નગર પાસે સીટી બસે બાળકીને અડફેટે લેતા ગંભીર  ઈજા પહોંચી છે. આવા સમાચાર વારંવાર અખબારમાં વાંચવામાં આવે છે. અનેક વ્યકિતઓના મૃત્યુ નીપજાવનાર આવા બસ ડ્રાઈવરોની સામે ગંભીર ગુનો હોવા છતા સખત કાર્યવાહી થતી નથી. તેઓ થોડા સમય માંજ છૂટી જાય છે. ઈનડિયન પીનલ કોડની કલમ મુજબ જો તે ગુનેગાર પુરવાર થાય તો તેને કાયદા મુજબની સખત સજા થવી જ જોઈએ. આવા બેજવાબદાર ડ્રાઈવરો માટે સજાની કોઈ જ જોગવાઈ નથી ? ડ્રાઈવરો માતેલા સાંઢની જેમ ગાડી હંકારે છે અને જીવલેણ અકસ્માત કરતા રહે છે. ગાડી ચલાવનાર કોઈપણ ડ્રાઈવર હોય તેને કાયદા મુજબ સજા થવી જ જોઈએ. સીટીમાં ફુલ સ્પીડે ચાલતી બસોની સ્પીડ લિમિટમાં જ ચાલે તે મુજબની સ્પીડ બસના એન્જિનમાંથી જ ઓછી કરી દેવી જોઈએ. આમ કરવાથી અકસ્માત ચોક્કસ કાબુમાં આવી શકે છે.
સુરત     – વિજય તુઈવાલા  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top