Columns

નરમ બનો

એક દિવસ ગુરુજી પાસે એક ખૂબ જ હોશિયાર શિષ્ય આવ્યો. આ શિષ્યની બુધ્ધિ અને યાદશક્તિ એકદમ સતેજ હતી અને શારીરિક બળ પણ ઘણું સારું હતું. તે રોજ કસરત કરતો અને કસરત કર્યા બાદ સતત અભ્યાસ પણ કરતો.તેને પોતાની હોશિયારી અને શારીરિક સૌષ્ઠવનું ઘણું અભિમાન હતું.તેણે ગુરુજી પાસે જઈને પૂછ્યું, ‘ગુરુજી, આમ તો આપ જે શીખવાડો છો મને એક વારમાં યાદ થઈ જાય છે; આપના પાઠ હું યાદ કરી લઉં છું…શારીરિક સ્વાસ્થ્યની પણ કાળજી રાખું છું…બળવાન અને બુધ્ધિવાન તો છું જ અને મને ખાતરી છે આગળ જતાં સંપત્તિ પણ મેળવી જ લઈશ.મારી મહેચ્છા છે કે હું ખૂબ જ મોટો માણસ બનું, જ્યાં જાઉં ત્યાં બધા મને સન્માન આપે, હું એવા કામ કરું ,એવી સફળતા મેળવું કે લોકો મને યાદ રાખે.આવા માણસ બનવા માટે મારે હજી વધારે શું કરવું જોઈએ… તમે મને માર્ગદર્શન આપો.’

ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘વત્સ, તું બધું જ જાણે છે ને કરી લઈશ, મેળવી લઈશ તો પછી તને મારા માર્ગદર્શનની શું જરૂર છે? શું સાચે તને મારું માર્ગદર્શન જોઈએ છે?’ શિષ્ય બોલ્યો, ‘આભાર ગુરુજી, આમ તો આપે કહ્યું તેમ હું બધું જાણું છું અને મેં ઘણું બધું વિચારી પણ રાખ્યું છે.પણ ગુરુનું માર્ગદર્શન મળે તો આગળ વધવાનો રસ્તો સહેલો થાય અને જલ્દી મંઝિલ મળી જાય તે પણ હું જાણું છું એટલે તમારું માર્ગદર્શન લેવા આવ્યો છું.’ ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘વત્સ, તારા જ્ઞાન પર રાજી થાઉં કે તારી મનોદશા પર દુઃખી, મને તે જ સમજાતું નથી…તારી પાસે બધું જ છે છતાં બધાનું માન મેળવવા માટે;સાચા અર્થમાં મોટા માણસ બનવા માટે જે જોઈએ તે તારી પાસે નથી…’શિષ્યને જાણે કોઈએ અપમાન કર્યું હોય તેમ લાગ્યું. તે બોલી ઊઠ્યો, ‘ગુરુજી, એ શું છે? મોટા માણસ બનવા શું બનવું પડે તમે મને કહો.

હું તે બનીને બતાવીશ.’ગુરુજી બોલ્યા, ‘મોટા સન્માન માત્ર માણસ બનવા માટે પદ ,પૈસો,પ્રતિષ્ઠા બધું મેળવીને પણ ‘નરમ બનવું પડે’અને તું તો અત્યારથી જ અભિમાનથી અક્કડ છે. સૂકા લોટમાં પાણી નાખી તેને ગુંદવામાં આવે તો તેમાંથી નરમ રોટલી બને અને લોખંડ અગ્નિમાં તપીને નરમ બને પછી તેમાંથી કોઇ પણ ઉપયોગી વસ્તુ બની શકે…સોનાને ગરમ કરી બીજી ધાતુ સાથે ભેળવવામાં આવે ત્યારે તેમાંથી આભૂષણ બને.એટલે તારે પણ તારી બધી આવડતનું અભિમાન છોડી નરમ બનવું પડશે.નરમ બનીશ તો બીજાને ઉપયોગી થઇ શકીશ, નરમ બનીશ તો બીજા સાથે ભળી શકીશ. અને તો તું તને લોકો માન આપે અને યાદ રાખે તેવો મોટો માણસ બની શકીશ સમજ્યો.’શિષ્યને પોતાની ભૂલ સમજાઈ ગઈ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top