Columns

ભોંયરું … ઘરનો ‘બે’નંબરનો રૂમ

ભોંયરાનો સીધોસાદો અર્થ એકદમ સરળ છે. ભોંય એટલે જમીન અને તે ગ્રાઉન્ડ લેવલથી નીચે સંતાયેલો રૂમ એટલે ભોંયરું. જેમ બેંકમાં દેખાતું સફેદ નાણું એક નંબરનું અને ચોરખાનામાં ટેક્સ નહિં ભરીને છુપાવેલું કાળું નાણું બે નંબરનું હોય છે તેમ કેટલાંક ઘરમાં દેખાતા બેઠકખંડ અને ભોજન રૂમને એક નંબરના રૂમ કહેવાય છે અને જમીનની નીચે છુપાયેલા રૂમને ‘બે’ નંબરનો રૂમ કહેવાય છે. અંગ્રેજીમાં તેના માટે એકાદ જ શબ્દ છે ‘સેલર’ કે ‘અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટ’ પણ આપણા શબ્દધનિક ગુજરાતી ભાષામાં ભૂમિગૃહ, તળગૃહ, તળમજલુ, બંધિયારું, ગુફા, ભંડાકીયું, સુરંગરૂમ જેવા ઘણા પર્યાય છે. હિન્દીમાં ‘તયખાના’ અને ઉર્દૂમાં ‘તાખાના’ જેવા કર્ણપ્રિય શબ્દો છે પણ તે ક્યારેક ‘પાયખાના’ જેવા રાયમીંગના અપ્રિય શબ્દના લીધે કર્ણઅપ્રિય પણ લાગે છે. કોઈ પણ મકાનની ડીઝાઈન પેપર ઉપર પ્લાન થતી હોય ત્યારે ઘરમાલિક “યે દિલ માંગે મોર’ મોડમાં જઈને આર્કિટેક્ટને વધુ જગ્યાના લોભમાં એક ભોંયરું રાખવાની રીક્વેસ્ટ કરે છે. તેમના મગજમાં તે વખતે ભવિષ્યમાં ફેમિલીવ્યુઈંગ માટે એક હોમ થીએટર અને મિત્રો સાથે ચીલ થવા એક બારહાઉસનો જ પ્લાન હોય છે, કદાચ એકાદ દીવાલમાં ચોરખાનામાં બે નંબરનું નાણું પણ સંતાડવું હોય!

સદીઓ પહેલા ભોંયરાઓ ગુફા તરીકે ઓળખાતા હતા. ભારતમાં 27 ગુફાઓ દરેકને મળેલા એક જીવનમાં ‘મસ્ટ સી’ જોવાલાયક સ્થળો છે. ઔરંગાબાદની અજંટા ઈલોરાની ગુફા. મુંબઈની એલિફન્ટા કેવ્સ, મધ્યપ્રદેશની ભીમબેટકા કેવ્સ, જમ્મુ કાશ્મીરની અમરનાથ ગુફા તેમાની પ્રમુખ ગુફાઓ છે. અમદાવાદની ‘દોશી હુસેન’ ગુફા એક મોડર્ન આર્ટ ગેલેરી છે જે ધ ગ્રેટ આર્કિટેક્ટ બી.વી.દોશીની સ્કીલનો અદભુત નમૂનો છે. પ્રેમની પરાકાષ્ટીય પ્રતીક જેવા તાજમહેલમાં પણ મુમતાઝની કબર ભોંયરામાં જ છે. 20મી સદીમાં વસ્તી ઓછી અને જમીન વધુ હતી ત્યારે આમ પ્રજામાં આવા ભોંયરાનો કન્સેપ્ટ જ નહોતો. ખાસ પ્રજા જેવા કે રાજામહારાજાના મહેલમાં તેમના દુશ્મન રાજાથી લડાઈ દરમ્યાન તેમનાં હીરાઝવેરાત છુપાવવા માટે ભોંયરા બનાવાતા હતા જે અત્યારના ઘણા પેલેસોમાં જોઈ શકાય છે. યુધ્ધમાં જ્યારે હાર નજીક હોય ત્યારે જીવ બચાવી ભાગવા માટે રાજાઓ જમીનની નીચે મોટી સુરંગ કે બોગદું બનાવતા જે ઘણે દૂર મિત્ર રાજયમાં કે કોઈ સેફ જગ્યામાં ખૂલતા હતા. મુગલ ઈતિહાસ ગવાહ છે.

‘મુગલે આઝમ’ ફિલ્મમાં ‘અનારકલી’ નો અંત આવા જ કોઈ તયખાનામાં દીવાલમાં લેમિનેટ થઈને આવ્યો હતો. તે દીવાલની ઇંટો નસીબદાર હતી કે મધુબાલાનું પરમેનન્ટ હગ મળ્યું. બંને વર્લ્ડ વોર્સ દરમ્યાન દુશ્મન મોટાભાગના હરીફ દેશોના મુખ્ય શહેરોમાં બોમ્બમારાથી બચવા ઈન્ડીવિજ્યુઅલ અથવા કોમ્યુનીટી બન્કર્સ બનાવાતા હતા જેથી જાનહાનિ ઓછી થાય. અત્યારની યુક્રેન-રશિયા વોરમાં પણ આવા સેલર જોવા મળે છે. મોટાભાગના ડેવલપ્ડ કન્ટ્રીસના કરંટ પ્રેસિડેન્ટસ માટે ન્યુક્લીઅર હુમલા પ્રૂફ ઓફિસ કમ બંકર પણ બન્યા જ હશે. અમેરિકાના ફ્લોરીડા પ્રદેશમાં તો આજની કેટલીક વંઠેલ વહુઓની જેમ વાવાઝોડા (જેને તે લોકો સાયક્લોન કે ટોર્નેડો કહે છે) છાશવારે ત્રાટકતા હોય છે. તેનાથી બચવા દરેક ગામમાં કોમ્યુનીટી સેલર હોય છે. જેવી હવામાન ખાતાની જાહેરાત થાય કે તમારે મોર્નિગ કે ઇવનિંગ જોગીંગની જેમ બધું સ્થાવર પડતું મૂકીને પોતાની જ ઘરવાળી અને બાળકોને લઈને (અમેરિકામાં પારકી ઘરવાળી પણ હોઈ શકે !) પોતાના મેન્શનના ભોંયરે-ખાસ કે ગામના ભોંયરે-આમમાં સંતાવું પડે છે. મજાની વાત છે કે ત્યાંની સરકાર સાયક્લોન સ્ટોર્મથી થયેલ નુકસાનનું વળતર પણ આપે છે.

કોઈ પણ મેગાસિટીમાં લગભગ કોઈ પણ 10 માળથી ઉપરના શોપ-ઓફિસ કમ ફલેટ્સ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ લેવલથી નીચે 1 થી 3 માળો ફક્ત સેલર પાર્કિંગ માટે જ રખાય છે. ત્યાં ફક્ત ફ્લેટસના રહેવાસીઓ ગાડી પાર્ક કરે છે. દુકાનના ગ્રાહકો તો ‘હમ જહાં ખડે હોતે હે લાઈન વહાં સે શુરૂ હો જાતી હે !’ ડાયલોગને પાર્કિંગ એન્થમ બનાવીને બિન્દાસ રસ્તા ઉપર જ પાર્ક કરે છે. કામ 2 મિનિટનું હોય તો સેલર પાર્કિંગની 20 મિનિટ કોણ બગાડે?, બીજી બાજુ અમદાવાદની મોટાભાગની મલ્ટીપ્લેક્સ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના આવા સેલરોમાં કેઝયુલટી, પેથોલોજી અને રેડીઓલોજી ડીપાર્ટમેન્ટસ પાર્ક થયેલ જોવા મળે છે. જો થોડી જગ્યા બચે તો ત્યાં કેન્ટીન અને સ્ટોરરૂમ પણ વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે.

ગુજરાત જેવા અને ખાસ તો અમદાવાદ જેવી જગ્યા કે જ્યાં ઉનાળામાં તાપમાન 44 થી 45 ડિગ્રી થઇ જાય છે ત્યાં ભોંય? ઘણી ઠંડક આપે છે. ચાલી શકાય તે માટે ભોંયરૂ મીનીમમ 7 થી 8 ફૂટ જેટલું તો હોવું જોઈએ અને ભેજ ના આવે તે માટે સિમેન્ટ કોન્ક્રીટથી જ બંધાવું જોઈએ. હવાઉજાસ માટે ભોંયરાની છત પાસે એક ફૂટની ઊંચાઈ વાળી વાતાયાન પણ જરૂરી છે. દીવાલમાં કોઈ ગુપ્ત ચોરખાનાની સગવડ પણ થાય છે. રીક્લાઈનર ચેર્સવાળી હોમ થીએટર સિસ્ટમને કુટુંબીજનો અને મિત્રોની સાથે માણવાની મજા જ કંઈ ઔર હોય છે. ભોંયરા ઉપર એક ઇન્ટરેસ્ટીંગ કહેવત પણ છે. “ભોંયરામાં પેસીને નાચીએ તો ય જગત તો જાણે” તેનો અર્થ એટલો જ કે પાપ પીપળે ચડીને પણ પોકારે. નાના મકાનોમાં ભોંયરું સ્પેસની લકઝરી છે તો મોટા બંગલામાં હોમ થીએટરનો વૈભવી શો-ઓફ છે અને બાર કોર્નરનો નશો છે.

Most Popular

To Top