Columns

જિતેન્દ્ર દેસાઇ (૧૯૩૮-૨૦૧૧)

જીતુભાઇ ‘સેલ્ફ-મેડ’ માણસ હતા. ભણવામાં હોંશિયાર નહીં. થર્ડ સ્ટાન્ડર્ડમાં બબ્બે વખત નાપાસ થયા હતા પણ મનોબળ ભારે, ગુજરાત વિદ્યાપીઠના કુમાર મંદિર તથા વિનય મંદિરમાં 1948થી 1956 સુધી ભણ્યા અને 1957માં મહાદેવ દેસાઇ સમાજસેવા મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા. સામાન્ય વિદ્યાર્થી કેવી રીતે ઘડાય છે અને જીવનમાં આગળ વધે છે તેની આ વાત છે.

માત્ર અંગ્રેજી અને ગુજરાતી ગ્રંથો વાંચવાંચ કરવાથી કે ડિગ્રીઓ પાછળ દોડયા કરવાથી ભલીવાર થતો નથી. પ્રેકિટલ વગરનું જ્ઞાન એકડા વગરનાં મીંડા જેવું છે. તેથી જ અમેરિકા અને બ્રિટનની યુનિવર્સિટીઓ અને કોલેજો પુસ્તકીયા જ્ઞાનને બદલે વ્યવસાયી તાલીમ ઉપર ભાર મૂકે છે. જીતુભાઇ આ વાત પામી ગયા હતા. તેથી તેમણે એકદમ આગળ ભણભણ કરવાને બદલે નવજીવનમાં તાલીમ લીધી. 20 મે વર્ષે 1959માં નવજીવન પ્રકાશન મંદિરમાં જોડાયા અને દસ વર્ષ સુધી વિવિધ વિભાગોમાં કામ કરીને તાલીમ લીધી. કામની કોઇ નાનમ નહીં. બીબાં ગોઠવવાં, ગેલી કાઢવી, પ્રૂફો સુધારવી, મશીનરીઓ ચલાવવી અને તેની સાથે સાથે સહકાર્યકરો સાથે હાથ મીલાવીને કામ કરવું. ભરયુવાનીમાં મૂંગે મોઢે જિતુ દેસાઇએ આ કામ કર્યું. તેમાંથી તેમને નવું નવું જાણવા- શીખવાનું મળ્યું.

જો કે સરકારી આર્ટસ કોલેજોમાં ભણતા લબરમૂછીયાઓ હાથ-પગથી ચાલતા કામને ‘મજૂરીયા’ કામ કહેતા પણ ગાંધીની શિક્ષણવ્યવસ્થામાં માત્ર પુસ્તકીયા જ્ઞાનને સ્થાન નહોતું તેથી ભરયુવાનીમાં જિતેન્દ્રભાઇ ગાંધીવાદી બૌધ્ધિક, શૈક્ષણિક, નૈતિક અને કલ્ચરલ માહોલમાં તૈયાર થયા. તેની સાથે જીતુભાઇએ 1962માં અમદાવાદની લો કોલેજમાંથી ડિગ્રી મેળવી. જીવનમાં તે ખૂબ કામમાં આવી.

આવા બુદ્ધિપૂર્વકના પ્રોફેશનલ નોલેજે યુવાન જીતુ દેસાઇને યારી આપી. મગજમાં ખુમારી હતી, કાળજામાં સેલ્ફ-કોન્ફિડન્સ હતો. આવા બેકગ્રાઉન્ડ ધરાવતા જીતુભાઇ પ્રિન્ટીંગ પબ્લીશીંગનો અભ્યાસ કરવા ઓગસ્ટ 1971માં ઇંગ્લેંડ ગયા અને વિશ્વવિખ્યાત લંડન સ્કૂલ ઓફ પ્રિન્ટીંગમાં વિદ્યાર્થી તેમ જ તાલીમાર્થી તરીકે જોડાયા. આમ તો 2 વર્ષનો કોર્સ હતો પણ પ્રોફેસરોએ વિદ્યાર્થીનું હીર પારખીને તેને એક જ વરસમાં ‘ડીપ્લોમા ઇન બુકસ એન્ડ પીરિયોડિકલ પ્રોડકશન અને મેનેજમેન્ટ’ એનાયત કર્યો. જિતેન્દ્ર દેસાઇએ 1977માં લખેલો અને પ્રસિધ્ધ કરેલો ગ્રંથ ‘વિદેશ વસવાટનાં સંભારણાં’ ગુજરાતી ભાષાના પ્રવાસ સાહિત્યમાં નવી જ ભાત પાડે છે. કોઇ પણ જાતનાં દંભ કે આડંબર વગર એમણે લખેલી આ વાત તે સમયના ઇંગ્લેંડ અને ખાસ કરીને લંડનનાં સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક તેમજ નૈતિક જીવન ઉપર અદ્‌ભુત પ્રકાશ નાંખે છે.

લંડન કોલેજ ઓફ પ્રિન્ટીંગમાંથી શિક્ષણ તેમ જ પ્રકાશન અંગેની નવી નવી ટેક્નિકનો અભ્યાસ કર્યો કે તરત ‘લંડન-રીટર્ન’ જીતુભાઇને દેશભરમાંથી લલચાવનારી ‘ઓફરો’ આવી પણ જીતુભાઇ તો ગાંધીજીના આચાર – વિચારને વરેલા માણસ હતા. તેથી તેઓ નવજીવનમાં દાખલ થયા અને પ્રિન્ટીંગ ટેકનોલોજી તેમ જ ચિત્રકામ તથા પ્રકાશન કાર્યમાં વ્યસ્ત થઇ ગયા. તેમનાં કામની કદર થઇ. ૧૯૭૫ માં તેમની નિમણૂક નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે થઇ. તેમની આવડત, મળતાવડાપણું તથા કામ કરવાની ધગશ પારખીને ભલભલી પ્રતિષ્ઠિત સંસ્થાએ તેમની સેવાઓ પ્રાપ્ત કરી. સર્વોદય ટ્રસ્ટ, બારડોલી, સુરુચિ છાપશાળા ટ્રસ્ટ, અક્ષર મુદ્રા પ્રકાશન, ભિક્ષુ અખંડાનંદ ટ્રસ્ટ, નશાબંધી મંડળ અને ગુજરાત ખાદીગ્રામોદ્યોગ મંડળના ટ્રસ્ટી તરીકે એમણે સેવાઓ આપી. ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર તરીકે પણ એમણે કામગીરી બજાવી.

જીતુભાઇનું સૌથી મોટું અને યાદગાર પ્રદાન એમણે દેશભરમાં ફેલાયેલા ગાંધી આચારવિચાર છે. આજે નવજીવન પ્રકાશન મંદિરનું મેનેજમેન્ટ તેમના પુત્ર વિવેક દેસાઇ, કેતન દેસાઇ અને કિરણ કાપુરે (‘ગુજરાતમિત્ર’ના કટાર લેખક) સંભાળે છે. આ ત્રણ યુવાનોએ નવજીવન, ગાંધી અને ગાંધી સાહિત્યને જે નવી નવી રીતે અપનાવીને નવપલ્લવિત કર્યું છે તે ગુજરાતના વિદ્યાકીય તેમ જ પત્રકારત્વના ઇતિહાસનું એક ઉત્તમ પાનું છે. જો કે આ નવયુવાનોની ‘સકસેસ સ્ટોરી’ના પાયામાં જિતેન્દ્ર દેસાઇની લગની તેમ જ પ્રોફેશનલ સ્કીલ્સ છુપાઇ છે. સંસ્થા કેવી રીતે શરૂ થાય છે અને વિકસે છે, તે કેવા કેવા વિકટ પ્રોબ્લેમ્સનો સામનો કરે છે અને સંસ્થાને ધારે તે માર્ગે દોરે છે તે જાણવું હોય તો ગાંધીજી અને તેમના જમાનાના નવજીવનના સાથીઓથી શરૂ કરીને ઠાકોરભાઇ, જિતુભાઇ અને વિવેક-કેતન – કિરણનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો. ગુજરાતી ભાષાની તમામ નવજીવન એક મૂલ્ય – આધારિત ક્રિએટીવ જર્નલ છે. તેમણે સુધારાવધારા કર્યા છે. નવજીવનના કેસ સ્ટડીમાંથી કાંઇ ને કાંઇ શીખવાનું મળશે. કોઇ પણ પ્રકાશન સંસ્થા છાપું કે મેગેઝિન ઊંચા મૂલ્યો વગર તેમ જ જરૂરી સુધારાવધારા કર્યા વગર લાંબો સમય ટકી ના શકે. જાન્યુઆરી 2013 થી શરૂ કરીને આજ દિન સુધીનું માસિક ‘નવજીવનનો અક્ષરદેહ’ આ કથનને પુરવાર કરે છે. તેના દ્વારા ગાંધીજી નવીનવી રીતે જીવંત બનીને યુવા વર્ગમાં લોકપ્રિય થતા જાય છે.

જિતેન્દ્ર દેસાઇ એક અચ્છા વિચારક, કર્મશીલ અને લેખક હતા. તેમનાં તમામ લખાણોમાંથી ‘કોમન મેન’ અને તેની સમસ્યા પ્રગટ થાય છે. ભલે પછી એ ટેક્નિકલ ગ્રંથ હોય. જિતેન્દ્ર દેસાઇએ મૌલિક ગ્રંથો ઉપરાંત અનુવાદો પણ કર્યા છે. એમના અનુવાદોમાં આર.એલ. સ્ટીવનસનકૃત ‘ડૉ. જેકીલ એન્ડ મી. હાઇડ’નો અનુવાદ ‘દેવ અને દાનવ’, ‘ટોલ્સ્ટોયની 23 વાર્તાઓ’ તેમ જ વોશિંગ્ટન ઇરવીંગની ટૂંકી વાર્તા ‘રિપ વાન વિંકલ’ ખાસ વાંચવા જેવા છે. આ ઉપરાંત તેમણે લખેલા કેટલાક મૌલિક ગ્રંથો પણ મનનીય છે. જેમ કે એમણે લખેલું પિતા ઠાકોરભાઇ દેસાઇનું જીવનચરિત્ર ‘રવિયા દુબળાનાં રખેવાળ’. આ ઉપરાંત જિતેન્દ્ર દેસાઇએ રચેલા નીચેના ગ્રંથો પ્રેરણાદાયક છે – દીવો કરતા પહેલા, કાશ્મીરની કહાણી, જેઓ કંઇ મૂકી ગયા અને વિદેશ વસવાટનાં સંભારણાં.

‘વિદેશ વસવાટનાં સંભારણા’ મઝા પડે તેવું ઇંગ્લેંડનાં પ્રવાસનું વર્ણન છે. જિતેન્દ્ર દેસાઇ પ્રિન્ટીંગ ટેકનોલોજીનો અભ્યાસ કરવા 1971 માં લંડન ગયા હતા અને ત્યાં એક વર્ષ ભણીગણીને તેમજ શહેરમાં ઘૂમી વળીને તથા તમામ જાતના લોકોને મળીને અમદાવાદ પાછા ફર્યા હતા. પોતે પત્ની અને બે બાળકોને અમદાવાદમાં મૂકીને વિદેશ ગયા હતા. પણ 80 વર્ષના એક અંગ્રેજ મહિલા મિસિસ મેથ્યુઝે એમને ઘરની ખોટ સાલવા ના દીધી. મિસિસ મેથ્યુઝની મમતા દ્વારા જીતુભાઇને કુટુંબના જેવી હૂંફ મળી હતી. આમ છતા આ અનાવિલ યુવાનને નવસારી અને દક્ષિણ ગુજરાતના કેળાં, હાફુસ કેરી, ચીકુ અને ફણસ યાદ આવી જતા હતા. ‘મારું મન અંબિકા નદીને કાંઠે આંબા, કેળ, ચીકુ, અને કયાંક કયાંક ફણસની લચકતી વાડીઓવાળા ખાસ મોસાળમાં આવી પહોંચ્યું.

હું નવસારી રહેતો હતો ત્યારે મારા બાળપણના, કિશોરાવસ્થાના એ દિવસોમાં લગભગ દર શનિ – રવિ હું મોસાળ જતો. ત્યાંની વાડીઓમાં ઘૂમતો અને નદીના ભાઠામાં બાળ ગોઠીયાઓ સાથે અવનવી રમતો રમતો.’ આજે મોબાઇલ અને કમ્પ્યુટર યુગની લ્હાયમાં, ઝડપથી પૈસા, સત્તા અને કીર્તિ કમાવાની લાલચમાં આપણે ગુજરાતીઓ આપણું બાળપણ ભૂલી ગયા છીએ. જિતેન્દ્ર દેસાઇએ પ્રસિધ્ધ કરેલું આ પ્રવાસ વર્ણન ‘સાહિત્યિક મોજ’ ખાતર વાંચી જવા જેવું નથી. તે ધ્યાનથી વાંચવા જેવું છે. નાતાલની રાતે ઇંગ્લેંડનાં ‘પ્રેમીપંખીડાંઓ’ ઉપરાંત અજાણ્યા સ્ત્રીપુરુષો એકબીજાને કેવા જોશભેર આલિંગન કરે છે અને ઉષ્માભર્યા ચુંબનો કરે છે તે વાત પણ આ ગાંધીવાદી યુવા કરતા ચૂકયો નથી. એણે યુરોપિયન કલ્ચર અને ભારતીય કલ્ચરને સરખાવતાં મઝાની વાત કહી છે:

મીસ સ્કોચે ૩૪ વર્ષના ગાંધીવાદી યુવાનને કહ્યું: ‘મી.દેસાઇ, તમે મારી સાથે સ્કોટલેન્ડ ચાલો. ત્યાં નવા વરસની ઉજવણી જેવી થાય છે તેવી કયાંય થતી નથી. ઇટ ઇઝ ગ્રેટ!’ જાણે પોતે અજાણ હોય એમ આ વિદ્યાર્થીએ વાતમાં ‘નર્મદ – શૈલીનો વિલાસી ઝોસ્સો’ ઉમેરવા કાલા થઇને પૂછયું: ‘એવું તો શું હોય છે, મીસ સ્કોચ?’ અંગ્રેજ યુવતી: ‘તેનું વર્ણન થાય તેમ નથી, એ તો અનુભવવાની વાત છે. નવા વરસને દિવસે તું રસ્તે ફરવા નીકળીશ તો સામે જે છોકરી મળશે તે તારા ગાલને ચુંબનોથી ભરી દેશે. આ મજાક નથી માટે ચાલ સ્કોટલેન્ડ મારી સાથે.’

પણ 1972 માં પણ જાણે ગાંધીજી ફરીથી સજીવન થયા હોય તેમ ગુજરાત વિદ્યાપીઠના આ સ્નાતકે અંગ્રેજ યુવતીને કહ્યું: ‘‘તારી વાત સાચી હોય તોયે તે મારે માટે તાજય છે. મારા ગાલ ચુંબનો ઝીલવા માટે ફાજલ નથી. તું તો જાણે છે કે મારા લગ્ન થઇ ગયેલા છે અને મારે ભલાંભોળાં બાળકો (7 વર્ષની વિભા અને 5 વર્ષનો વિવેક) છે. તમારે ત્યાં ચુંબનોની જે સ્વાભાવિકતાથી તથા છૂટથી લ્હાણી થાય છે તેવું અમારે ત્યાં નથી.’’ મીસ સ્કોચની સામે તે વખતે મીસ કિમ બેઠી હતી. તેણે કહ્યું: ‘ભોગ તારા! યુ આર એ ટિપિકલ ફેથફુલ ઇન્ડિયન હસબન્ડ!’ જિતેન્દ્ર ‘જિતેન્દ્રીય’ હતો. જીતુભાઇએ જરાક રંગીન રીતે વાતની જમાવટ કરી છે. માત્ર બધું ‘સીરિયસ…. સીરિયસ… ગાંધી ટાઇપ’ વાંચનારના ટેસ્ટને જિતેન્દ્રભાઇએ વારંવાર રીપીટ કરેલ ઇંગ્લેંડની શૈક્ષણિકસંસ્થાઓ, ત્યાંનું ડેમોક્રેટીક કલ્ચર, ફેમિલી લાઇફ, પ્રામાણિકતા, ‘ઇઝી એન્ડ કવોલિટી ઓફ લાઇફ’ અને સ્વદેશી પ્રેમની વાત ખૂંચ્યા કરશે પણ લેખકનો હેતુ કાંઇક જુદો જ છે.

ઇંગ્લેંડ કે કોઇ પણ પારકા પરદેશમાં વસવાટ કરવાનું ઇચ્છનારને મદદરૂપ થવાનો તેમનો આ પ્રયાસ છે. જાણે વાચક સાથે બગીચામાં બેસીને વાતો કરતા હોય એમ આપણને લાગે. આવાં કારણોસર, જાણીતા અર્થશાસ્ત્રી, કવિ, પત્રકાર અને નિબંધકાર વાડીલાલ જેચંદ ડગલીએ આ પુસ્તકની શરૂઆતમાં ‘અંગ્રેજોના દેશમાં’ શીર્ષક હેઠળ જે લખ્યું છે તેમાંથી થોડાંક વાકયો ટાંકીને આ લેખ સમાપ્ત કરીશું: ‘ભાઇશ્રી જિતેન્દ્ર દેસાઇ લંડન કોલેજ ઓફ પ્રિન્ટિંગમાં મુદ્રણકળા શીખવા માટે ઇંગ્લેન્ડ ગયા તે દરમિયાન તેમણે મનની આંખ ઉઘાડી રાખી હતી. આથી તેમની પ્રવાસકથા બુધ્ધિ અને હૃદયને બંનેને સંતોષ પમાડે છે. આ પ્રવાસકથામાં એક પ્રકારની એવી નકકરતા છે કે આપણને લાગે કે કશું પાના ભરવા માટે અહીં લખ્યું નથી. વિલાયતની વાસ્તવિકતા પામવાના ગંભીર પ્રયત્ન અહીં જણાય છે.’

Most Popular

To Top