Dakshin Gujarat

લુવારા ગામના પિતા-પુત્ર ધોળકાની ગેંગ સાથે મળી સાયલેન્સરની ચોરી કરતા હતા, ઝડપાયા

ભરૂચ: (Bharuch) જિલ્લા એલસીબી (LCB) પોલીસે ભરૂચ જિલ્લામાં છેલ્લા બે મહિનાથી ઇકોના (EECO) સાયલેન્સરની (Silencer) ચોરીઓ (Theft) કરી હાહાકાર મચાવનાર ગેંગ પૈકીના બે સાગરીતો એવા પિતા-પુત્રની બેલડીની 2.32 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી 21 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

  • ભરૂચ જિલ્લામાં ઇકોમાં સાયલેન્સર ચોરતી ટોળકી પૈકી પિતા-પુત્રની જોડી ઝડપાઈ: 6 વોન્ટેડ
  • ઇકો વાનનાં સાયલેન્સરની ચોરીના બનાવો વધી જતાં પોલીસે વિવિધ ટીમો બનાવી છેલ્લા 10-12 દિવસથી કમર કસી હતી
  • લુવારા ગામના પિતા-પુત્ર ધોળકાની ગેંગ સાથે મળી ચોરી કરતા હતા
  • 21 ગુનાનો ભેદ ઉકેલાયો, 9 સાયલેન્સર તથા મોબાઈલ મળી 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત
  • કોઈને શંકા ન જાય એ માટે ઓરિજિનલના સ્થાને પેલેડિયમ કાઢી નાંખેલું સાયલેન્સર લગાવી દેતા હતા

ભરૂચ, અંકલેશ્વર, દહેજ સહિત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ઇકો વાનનાં સાયલેન્સરની ચોરીના બનાવો વધી જતાં પોલીસે વિવિધ ટીમો બનાવી છેલ્લા 10-12 દિવસથી કમર કસી હતી. બે મહિનાના અંતે અંતે ભરૂચ પોલીસને ઇકો સાયલેન્સર ગેંગને પકડી પાડવામાં સફળતા મળી છે. આ બનાવમાં લુવારા ગામના સીમરખા હનીફ ઉંમર સિંધી દિવાન અને તેના ટેન્કરચાલક પુત્ર મુસીર ઉર્ફે ગુલોની ધરપકડ કરાઈ છે. પિતા-પુત્ર પાસેથી પેલેડિયમ કાઢી લીધેલાં ચોરીનાં 9 સાયલેન્સર, પાનાં-પેચિયાં તથા અન્ય સાધનો સહિત રૂ.2.32 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ સાથે ભરૂચ જિલ્લા અને કોસંબાનાં સાયલેન્સર ચોરીના 21 ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

બે મહિના પહેલા લુવારાના પિતા-પુત્રને ત્યાં ધોળકાનો સંબંધી મુન્નો આવ્યો હતો. અને ઇકો સાયલેન્સર ચોરીમાં વધુ આર્થિક લાભ હોવાનું જણાવી પોતાની ગેંગમાં ભેળવી લીધા હતા. મુન્નો અમદાવાદ ધોળકાથી કાર લઈ તેના અન્ય સાગરીતો સલીમ, બબલુ, રઇશ, મુલ્લો સહિત 6 લોકો સાથે આવતો હતો. લુવારાના પિતા-પુત્ર જિલ્લાની ભૌગોલિક સ્થિતિથી વાકેફ હોય તેઓને પોતાની સાથે રાખી ભરૂચ જિલ્લાની બે નંબર પ્લેટ પોતાની કાર ઉપર લગાડી સાયલેન્સર ચોરીને અંજામ અપાતો. ઓરિજિનલ સાયલેન્સરના સ્થાને પેલેડિયમ કાઢી નાંખેલું સાયલેન્સર લગાવી દેવાતું હતું. હાઇવે ઉપર આવેલા ગુરુદ્વારા પાછળ ઝાડી-ઝાંખરામાં સંતાડેલાં ચોરીનાં સાયલેન્સરો, સાધનો અને બોગસ બે નંબર પ્લેટ સહિતનો મુદ્દામાલ કબજે કરી ટોળકીના અન્ય 6 સાગરીતની ધરપકડ કરવા વધુ તપાસ હાથ ધરાઈ છે.

Most Popular

To Top