Dakshin Gujarat

બારડોલી: હરીપુરા કોઝવે પાણીમાં ગરક, 12 ગામ સંર્પક વિહોણા

બારડોલી: (Bardoli) ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) પાણી છોડવામાં આવતા તાપી નદીમાં પાણીની આવક દર કલાકે વધી રહી છે. ત્યારે બારડોલી તાલુકાના હરિપુરા ગામે (Haripura Village) તાપી નદી (River) પર આવેલો કોઝવે સિઝનમાં પ્રથમવાર ડૂબી ગયો હતો. મંગળવારે બપોરે 2 વાગ્યાની સ્થિતિએ કોઝવે પર દોઢ ઉપરથી પાણી વહી રહ્યું હતું. જેથી 12 જેટલા ગામોનો બારડોલી અને કડોદ સાથેનો સંપર્ક કપાયો હતો.

  • ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીમાં દર કલાકે પાણીની આવક વધી રહી છે
  • માંડવી તાલુકાનાં 12 જેટલા ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક કપાયો

ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા સલામતી ભાગ રૂપે ગત મોડી સાંજથી પાણી છોડવાનું શરૂ કરાયું હતું. ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 10 ગેટ હાલ 4 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી હાલ 98 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.આ પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાય એટલે આ હરિપુરા કોઝવે પર પાણી ફરી વળે છે. કોઝવે બંધ થવાથી માંડવી તાલુકાનાં 12 જેટલા ગામોનો કડોદ અને બારડોલી સાથેનો સીધો સંપર્ક કપાય ગયો છે. આ ગામના લોકોએ કડોદ કે બારડોલી આવવું હોય તો મોટો ચકરાવો લેવો પડે છે. સામાન્ય રીતે અહીં વર્ષો જૂની આ વિસ્તારની સમસ્યા છે. જેના કારણે નોકરિયાત વર્ગ, આરોગ્ય ને લાગતી સેવાઓને માઠી અસર થાય છે. રસ્તો બંધ કરવાની સાથે કોઝવેની બંને તરફ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

બારડોલીમાં બે કલાકમાં દોઢ ઇંચ પાણી પડ્યું
બારડોલી શહેર સહિત તાલુકામાં સવારે 10થી 12 વાગ્યા દરમ્યાન 40મીમી જેટલો વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદ થતાં રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું. એટલું જ નહીં ખેતરો પણ પાણીની તરબોળ થઈ ગયા હતા. બારડોલીની વાત કરવામાં આવે તો અહી અત્યાર સુધીમાં 1184મીમી એટલે કે 46 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.

પાલિકા કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે ખોડિયાર નગરમાં પાણી ભરાયા
બારડોલીના ગાંધી રોડ પર આવેલી ખોડિયાર નગર સોસાયટીના આંતરિક રસ્તાઓ ફરી એક વખત વરસાદી પાણીથી ઉભરાયા હતા. રસ્તા બનાવનાર એજન્સી સી.વી.પટેલ દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવતા તેમજ હલકી ગુણવત્તાનું મટિરિયલ્સ વાપરતા થોડા વરસાદમાં પણ સોસાયટીના રસ્તાઓ પાણી ફરી વળતાં સોસાયટીના રહીશોને હાલાકી વેઠવી પડી રહી છે. બીજી તરફ પાલિકામાં ફરિયાદ કરવા છતાં હજી સુધી સમસ્યાનો કોઈ નિકાલ કરવામાં આવ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top