SURAT

કોલસા-ડાઇઝ-કેમિકલના ભાવ 30 ટકા સુધી વધી જતાં પ્રોસેસર્સ મહિનામાં બીજીવાર ભાવ વધારશે

સુરત: (Surat) પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં રો-મટીરીયલના ભાવો સતત વધી રહ્યાં હોવાથી સુરતના ટેક્સટાઇલ (Textile) ક્લસ્ટરની ડાઇંગ પ્રોસેસિંગ મિલો (Processing Mill) ભીંસમા મુકાઇ છે છેલ્લા એક મહિના દરમિયાન પ્રિન્ટીંગ ગમમાં 25 ટકા ઓક્ઝિલરીમાં 18થી 25 ટકા, હાઇડ્રોમાં 30 ટકા અને કોલસામાં 30 ટકાનો વધારો નોંધાયો છે. કોલસાના ભાવો છેલ્લા એક પખવાડિયામાં ટન દીઠ 8 હજારથી વધી 10500 રૂપિયા થઇ ગયા છે. મિલ માલિકોને નુકસાન જતા સ્થિતિની સમીક્ષા માટે SGTPAની તાકિદની બેઠક બોલાવવામાં આવી હતી.

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું હતું કે રો-મટીરીયલના ભાવો વોલેટાઇલ રહેતા ભાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તેને લીધે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની કોસ્ટીંગ ઊંચી આવી રહી છે. સભ્યોની રજુઆતને પગલે આગામી બુધવારે SGTPAની તાકિદની બેઠક બોલાવામાં આવી હતી.

પાંડેસરા એસોસિએશનના પ્રમુખ કમલ વિજય તુલસ્યાને જણાવ્યું હતું કે કોલસા સહિત રો-મટીરીયલના ભાવો સતત વધી રહ્યાં છે. ખાસ કરીને ચીનથી ઇમ્પોર્ટ થતાં કેમિકલના ભાવ પણ ખુબ વધ્યા છે તે સ્થિતિમાં નિયમોનું પાલન કરનાર અને પ્રમાણિકતાથી મિલ ચલાવનાર સંચાલકો જો જોબચાર્જમાં વધારો નહીં કરે તો પ્રોસેસ હાઉસને તાળા મારવાની સ્થિતિ ઉભી થઇ છે. પ્રોસેસર્સ વર્ષો જુના વેપારીઓ સાથે સંબંધો ધરાવે છે તેઓ પણ આ સ્થિતિથી વાકેફ છે તે જોતા પ્રોસેસર્સને નવો જોબચાર્જ વધારો કરવો પડશે જે ટ્રેડર્સે સ્વિકારવો પડશે.

ગેરકાયદે ઇંધણ બાળી મંજૂરી વિના ધમધમતી સ્ટેન્ટર ડાઇંગ મિલોના ઓછા જોબચાર્જને લીધે પણ પ્રોસેસ હાઉસ ભીંસમાં મુકાયા
કાયદેસરનું પ્રોસેસ હાઉસ ચલાવવા માટે પાલિકા, લેબર, ફેક્ટરી, બોઇલર, જીપીસીબી, પીએફ, ઇએસઆઇ, જીએમડીસી, જીએસટી સહિતના 17 વિભાગની મંજૂરી લેવી પડતી હોય છે. પરંતુ સુરત શહેર અને જિલ્લામાં આવેલી જીઆઇડીસીઓની બહાર કોઇપણ પ્રકારની મંજૂરી લીધા વિના 150થી વધુ ગેરકાયદે સ્ટેન્ટર સાથેની ડાઇંગ મિલો ધમધમી રહી છે.

આ મિલોને 17 સરકારી વિભાગોમાં કોઇપણ પ્રકારનો ખર્ચ કરવો પડતો નથી. તેને લીધે આ મિલો પાંડેસરા, સચિન, એકે રોડ, ઉધના, પલસાણા અને કડોદરાની કાયદેસરની મિલો કરતા ઓછા દરે જોબચાર્જ પર કામ કરી રહ્યા છે તેને લીધે પણ તમામ પ્રકારનો ટેક્સ અને વેરો ભરતા કાયદેસરના પ્રોસેસિંગ એકમોને આવા ગેરકાયદે પ્રોસેસ હાઉસ સામે સ્પર્ધામાં ઉતરવું પડી રહ્યું છે. એવી જ રીતે નિયમનું પાલન કરનાર મિલો મોંઘા ભાવનો કોલસો વાપરી રહી છે તેની સામે કેટલીક મિલો ભાવો તોડવા માટે ચીન્ધી અને ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટનો ઉપયોગ ઇંધણ તરીકે કરી રહ્યા છે. તે અંગે પણ સભ્યોએ એસજીટીપીએને ફરિયાદ કરતા બુધવારની બેઠકમાં આ મુદ્દા પર પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

Most Popular

To Top