Dakshin Gujarat

બારડોલીમાં સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં કાર સાઇડના પાઇપ ઉપર ચઢી જતાં અફરાતફરી મચી ગઈ

બારડોલી: બારડોલી-નવસારી રોડ (Bardoli Navsari Road) ઉપર આવેલા ગોજી ગામના વળાંક પાસે બારડોલીથી સરભોણ તરફ જઇ રહેલી એક i20 કારના (Car) ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં કાર ખેંચાઇને રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં પાથરેલા પાણીના પાઇપ ઉપર ચડી જતાં મોડી સાંજે ભારે અફરાતફરી મચી ગઈ હતી.

સરભોણ ગામ નજીક આવેલા કાની ગામના રહીશ અને પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા સતુભાઈ નામની વ્યક્તિ પોતાની i20 કારમાં બારડોલીથી પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. તેવા સમયે રસ્તામાં આવતા ગોજી ગામના વળાંક પાસે અગમ્ય સંજોગોમાં તેમણે સ્ટીયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાં તેમનું વાહન રોડ ઉપરથી નીચે ઊતરી બાજુમાં આવેલા ખાડામાં પાથરેલી મોટા ભૂંગળા ધરાવતી પાણીની પાઈપલાઈન ઉપર ઉછળીને પટકાઈ હતી.

જો કે, અકસ્માતમાં કારચાલકનો નજીવી ઇજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. અકસ્માતના કારણે થયેલા લોકોમાં ચર્ચાતી વાતો પ્રમાણે હાલમાં નવસારી વાઘેચ સુધીના માર્ગ ઉપર પાણીના પાઇપલાઇનના મોટા ભૂંગળા નાંખવાની કામગીરી ચાલી રહી છે. જે પાઇપલાઇન મુખ્ય માર્ગની લગોલગ નાંખતાં રાત્રિના સમયે લાઇટના અભાવે અકસ્માત થવાની સંભાવના જણાઈ રહી છે. આ બાબતે સરકારી પ્રશાસન હસ્તક્ષેપ કરી કોન્ટ્રાક્ટર સાથે યોગ્ય મસલત કરી અકસ્માતો નિવારવા યોગ્ય કામગીરી કરે તેવી લાગણી જણાઈ રહી છે.

વ્યારાના ડોલારા ગામે ટ્રેક્ટર પાછળ બાઇક અથડાતાં એકનું મોત, બે મહિલા ઘાયલ
વ્યારા: વ્યારાના ઝાંખરી ગામ તરફ જતા રોડ ઉપર ડોલારા ગામે ડુંગરી ફળિયામાં પાર્ક કરેલા ટ્રેક્ટર સાથે બાઇક અથડાતાં એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બે મહિલા ઘવાઇ હતી. ડોલારાથી ઝાંખરી ગામ તરફ જતાં રોડ ઉપર તા.૬/૯/૨૦૨૨ના રોજ સવારે ૮:૧૫ વાગ્યાના અરસામાં ટ્રેક્ટર, ટ્રોલીના ચાલકે બીજાની જિંદગી જોખમમાં મુકાય એ રીતે રસ્તા પર પોતાનું ટ્રેક્ટર ઊભું રાખી તેમાં કોઇ સિગ્નલ લાઇટ કે, બીજા કોઇ આડસ કે સૂચક ચિન્હો પણ મૂક્યાં ન હતાં. એ અરસામાં સ્પ્લેન્ડર મો.સા.નં.(GJ 26 F 7146) ઉપર પેરવડથી વ્યારા તરફ આવતા સુરેશ બાબુ ગામીત અને તેમની સાથે સંગીતા સુરેશ બાબુ ગામીત, સંજના સુરેશ ગામીતની બાઇક રોડ ઉપર ઊભેલા આ ટ્રેક્ટરની પાછળ ધડાકાભેર અથડાઇ હતી.

આ અકસ્માતમાં ત્રણેય રોડ ઉપર ફેંકાઈ ગયા હતા, જેમાં મો.સા. ચાલક સુરેશ બાબુ ગામીતને માથામાં ગંભીર ઇજા થતાં નાક-કાનમાંથી લોહી નીકળતા યોગ્ય સારવાર મળે એ પહેલાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે સંગીતા સુરેશ ગામીત, સંજના સુરેશ ગામીતને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

સાદડવેલમાં કાર સાથેના અકસ્માતમાં બાઇક સવારનું મોત
ઘેજ : સાદડવેલ ગામે કાર સાથેના અકસ્માતમાં બાઇક સવાર સ્થાનિક વ્યક્તિનું મોત નીપજ્તા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચીખલી તાલુકાના સાદડવેલ ગામના વાવ ફળીયા ખાતે રહેતા દીપકભાઈ રમણભાઈ પટેલ સ્પેલન્ડર મો.સા નં. જીજે-૨૧-કયું-૬૦૨૯ ઉપર દીકરી જૈમીનીબેનની તબિયત સારી નહીં હોવાથી તેને લઈને સવારે રાનકુવાની હોસ્પિટલમાં જઇ રહ્યા હતા. દરમ્યાન સાદડવેલ ચોક્કસર ફળિયા પાસે સ્કોડા રેપીડ કાર નં. જીજે-૨૧-સીએ-૨૦૮૬ ના ચાલકે કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સામેથી આવતી બાઇકને ટક્કર મારતા અકસ્માતમાં દિપક પટેલને માથામાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.

જ્યારે બાઇકની પાછળ બેસેલી તેમની પુત્રી જૈમીનીબેનને બંને પગમાં ફેક્ચર થતા ચીખલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગેની ફરિયાદ વિભાશું દીપકભાઈ પટેલે આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ રાનકુવા ચોકીના પીએસઆઇ-પી.વી.વસાવા કરી રહ્યા છે.

Most Popular

To Top