Editorial

એજ્યુકેશન લોનમાં બેંકો CIBILનો સ્કોર નહીં જૂએ, કેરળ હાઈકોર્ટ દુરગામી ચૂકાદો

જેમ જેમ દેશની પ્રગતિ થઈ રહી છે તેમ તેમ ભણતર અંગેની જાગૃતિ પણ વધી રહી છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ડોકટર, ઈજનેર કે પછી બેરિસ્ટર બનનારાઓની સંખ્યા ખૂબ ઓછી હતી પરંતુ સમયાંતરે લોકોમાં જાગૃતિ આવતી રહી અને સાથે સાથે ઉચ્ચ શિક્ષણ માટેની માંગ પણ વધતી રહી. એક સમય હતો કે જ્યારે દેશમાં માત્ર સરકારી કોલેજો જ હતી. આ કારણે જે તે અભ્યાસની ફી પણ ઓછી હતી પરંતુ સમય બદલાતાં સેલ્ફ ફાયનાન્સ કોલેજોને સરકાર દ્વારા મંજૂરીઓ આપવામાં આવી અને શિક્ષણ મોંઘુ થઈ ગયું.

મોંઘુ થયેલું શિક્ષણ એ સામાન્ય પરિવારની પહોંચની બહાર પહોંચી ગયું. જોકે, રિઝર્વ બેંક દ્વારા એજ્યુકેશન લોન માટે બેંકોને સૂચના આપવામાં આવી અને બેંકે પણ જોયું કે એજ્યુકેશન લોનથી બેંકને મોટો ફાયદો થઈ રહ્યો છે ત્યારે એજ્યુકેશન લોનનું ચલણ વધવા માંડ્યું. એજ્યુકેશન લોનમાં જ્યાં સુધી વિદ્યાર્થી નોકરી પર નહી લાગી જાય ત્યાં સુધી માત્ર વ્યાજ જ ભરવાનું હોવાથી મોંઘું શિક્ષણ પણ સામાન્ય પરિવાર માટે ઉપલબ્ધ થઈ શક્યું. આજે ભારતમાં લાખો વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે પોતાના ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન લીધી છે. આમ તો એજ્યુકેશન લોન સરળતાથી મળે છે. કેટલીક બેંક મિલકત મોર્ગેજ કરાવે છે તો કેટલીક બેંકોમાં અનસિક્યોર્ડ એજ્યુકેશન લોન પણ આપવામાં આવે છે. જેની પાસે મિલકત નથી પરંતુ ભણીને લોન ભરવાની દાનત છે તે આ એજ્યુકેશન લોનનો લાભ લઈ શકે છે.

રિઝર્વ બેંક અને દેશની અન્ય બેંકો દ્વારા એજ્યુકેશન લોનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે પરંતુ બીજી તરફ CIBIL સ્કોર ઓછો હોવાને કારણે અનેકને અન્ય લોનની સાથે સાથે એજ્યુકેશન લોન પણ મળી શકતી નથી. પ્રત્યેક લોન માટે બેંકો દ્વારા CIBILનો સ્કોર જોવામાં આવે છે. જે તે લોન લેનાર દ્વારા જો હપ્તા ભરવામાં મોડું કરવામાં આવે કે પછી હપ્તાઓ ભરવામાં નહીં આવે તો તેનો CIBILનો સ્કોર ઓછો થઈ જાય છે. જેને કારણે તેને બાદમાં લોન મળી શકતી નથી. લોન માટે CIBILનો સ્કોર જોવો એ એક રીતે અન્યાયકર્તા છે. કારણ કે જેણે લોન લીધી હોય તેની હપ્તા ભરવાની દાનત હોય પરંતુ જો સ્થિતિ અને સંજોગ એવા બને કે તે હપ્તા નહીં ભરી શકે કે મોડા ભરે તો તેવા સંજોગોમાં તેને ફરી લોન મળે નહીં. ખરેખર બેંકોએ માત્ર CIBILનો સ્કોર જ જોવા કરતાં તે વ્યક્તિ કયા સંજોગમાં લોન ભરવાનું ચૂક્યો કે મોડો પડ્યો તે જોવું જોઈએ. આવો જ એક ચૂકાદો હાલમાં કેરળ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો.

તાજેતરમાં કેરળ હાઈકોર્ટેએ એક કેસની સુનાવણી કરી અને એવો ચૂકાદો આપ્યો કે CIBIL સ્કોર ઓછો હોય તો પણ બેંક કોઈ વિદ્યાર્થીને એજ્યુકેશન લોનન માટે ના પાડી શકે નહીં. હાઈકોર્ટે એજ્યુકેશન લોનની અરજી પર CIBILના સ્કોરના આધારની સાથે સાથે માનવીય દ્રષ્ટિકોણ જોવાનો પણ બેંકને આગ્રહ કર્યો હતો. બેંકને ફટકાર લગાડતા કેરળ હાઈકોર્ટના આ કેસમાં જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણને કહ્યું હતું કે, વિદ્યાર્થી દેશના ભવિષ્યનો નિર્માતા છે. વિદ્યાર્થી જ ભવિષ્યમાં દેશમાં નેતૃત્વ કરવાનો છે. ફક્ત CIBILનો સ્કોર ઓછા હોવાને આધારે તેની એજ્યુકેશન લોનને બેંક નકારી શકે નહીં. આ વિદ્યાર્થીના અગાઉની એક લોનના માત્ર 16667 રૂપિયા ચૂકવવાના બાકી હતા. અને તેને કારણે બેંકએ તેની એજ્યુકેશન લોન નામંજૂર કરી હતી.

હકીકતમાં આ વિદ્યાર્થીને એક મલ્ટિ નેશનલ કંપનીમાં નોકરીની ઓફર મળી હતી. જેને કારણે વિદ્યાર્થીના વકીલો દ્વારા હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી કે જો વિદ્યાર્થીને હાલમાં એજ્યુકેશન લોન આપવામાં નહીં આવે તો તેનું ભવિષ્ય અટકી જશે અને તેને નોકરીની ઓફર મળી છે તે જોતાં તે આગામી દિવસોમાં લોન ચૂકવવા માટે સક્ષમ પણ બની જશે. વિદ્યાર્થીની સ્થિતિ જોઈને કેરળ હાઈકોર્ટ દ્વારા તેની તરફેણમાં ચૂકાદો આપવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીના કેસમાં કેરળ હાઈકોર્ટ દ્વારા અપાયેલા ચૂકાદાથી બેંકોએ એ સમજ કેળવી લેવાની જરૂરીયાત છે કે માત્ર CIBILનો સ્કોર જોવાને બદલે જે તે અરજદારની આર્થિક સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે તે જરૂરી છે. અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓને CIBILના સ્કોરથી લોન નહી મળવાનો મોટો અન્યાય થઈ ચૂક્યો છે. બેંક દ્વારા એજ્યુકેશન લોનના મામલે છુટછાટ મુકવામાં આવે તે જરૂરી છે. જો તેમ થશે તો જ દેશનો વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ મેળવવાની સાથે દેશનું ભવિષ્ય ઘડવામાં નિમિત્ત બની શકશે તે નક્કી છે.

Most Popular

To Top