Dakshin Gujarat

માંડવીના હરિયાલ ગામના તળાવમાં ખુલ્લેઆમ પાઈપ નાંખી પાણીની ચોરીનું ધમધમતું કૌભાંડ

સુરત: સુરત જિલ્લાના માંડવી તાલુકાના હરિયાલ(કરંજ) ગામમાં આવેલા તળાવમાં ગેરકાયદે પાઈપલાઈનનું નેટવર્ક ગોઠવી આચરવામાં આવી રહેલા પાણી ચોરી કૌભાંડને લઈ સહકારી અને ખેડૂત આગેવાન દર્શન નાયકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,રાજ્યના સિંચાઈ સચિવ (નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ) અને કાર્યપાલક ઈજનેર (કા.પા.જ.કા.વિભાગ,સિંચાઈ ભવન સુરત)ને લેખિત ફરિયાદ મોકલી જાણીતી સોલાર કંપનીનાં પાણી ચોરી કૌભાંડમાં વિજિલન્સ તપાસ સોંપી ગેરકાયદે પાણીનું નેટવર્ક ઉખેડી સામગ્રી જપ્ત કરવામાં આવે, એટલુંજ નહીં ભૂતકાળમાં સચિન જીઆઇડીસીમાં નર્મદા કંપનીના સંચાલકો સામે જેમ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી એ તર્જ પર સોલાર કંપનીના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે.

દર્શન નાયકે વધુમાં જણાવ્યું હતું કે, હરિયાલ(કરંજ) ગામનાં ખેડૂતો છેલ્લા 3 મહિનાથી ફરિયાદ કરી રહ્યાં હોવા છતાં રાજકીય વગ ધરાવતા કંપનીના સંચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં થતાં મુખ્યમંત્રીનાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં ફરિયાદ કરવી પડી હતી. એ પછી આજે તંત્ર દોડતું થયું હતું.

સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં હરિયાલ ગામ ખાતે આવેલા તળાવનાં પાણીનો ઉપયોગ ખેડૂતો સિંચાઇ અને પશુઓ પીવા માટે કરતા આવ્યા છે. આ તળાવ માંથી ખાનગી સોલાર કંપની દ્વારા પાણીની પાઇપલાઇન નાખી ગેરકાયદેસર પાણીનો વપરાશ કરવામાં આવી રહ્યો છે.

મને ફરિયાદ મળી હતી કે, ફેક્ટરીનાં સંચાલકો દ્વારા સિંચાઇ વિભાગની નહેરમાંથી ગેરકાયદે પંપ થકી પાણી ઉલેચી હરિયાલ ગામના તળાવમાં નાખવામાં આવે છે અને તળાવમાંથી પાઇપલાઇન નાખી મોટર પંપ દ્વારા પાણી ખેંચીને પોતાના અંગત વ્યવસાયિક હેતુ માટે ઉપયોગ કરી રહ્યાં છે. જેને કારણે ખેતીના સિંચાઇ તેમજ ગાય-ભેંસ સહિતના પ્રાણીઓ ને પીવાના પાણીની તકલીફ થઈ રહી છે.

ફેક્ટરીને હરિયાલ ગામમાં તળવામાંથી પાણી લેવા માટે કઈ શરતે કોણે મંજૂરી આપી, પાણીનો વપરાશ છેલ્લા કેટલા વર્ષથી થઈ રહ્યો હતો,એ રકમ વ્યાજ પેનલ્ટી સાથે વસુલ કરવામાં આવે તથા જવાબદાર કંપનીના માલિકો અને સિંચાઈ વિભાગનાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

Most Popular

To Top