Sports

રોહિત શર્માએ મેસેજ મોકલ્યા બાદ પુજારાએ આવું કરતા પ્રેક્ષકો ખુશીથી ઝૂમી ઉઠ્યા

ઈન્દોર: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ઈન્દોરના સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ બીજા દિવસે જ રોમાંચક બની ગઈ છે. પહેલી ઈનિંગમાં ભારતના 109 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 197 રન બનાવી 88 રનની લીડ મેળવી હતી, તેના જવાબમાં બીજી ઈનિંગમાં મેદાન પર ઉતરેલા ભારતીય બેટ્સમેનો ઝાઝુ ટકી શક્યા નહોતા. ઓસ્ટ્રેલિયન સ્પીન આક્રમણ સામે ભારતીય બેટ્સમેનો પણ ભરતનાટ્યમ કરતા જ જોવા મળ્યા હતા. એકમાત્ર ચેતેશ્વર પુજારાએ ઓસ્ટ્રેલિયન બોલરોને બરોબરની ટક્કર આપી હતી. પુજારાએ ફિફ્ટી ફટકારી હતી. ભારતીય ટીમ 163 પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાને માત્ર 75 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ નેથન લાયને 8 વિકેટ ઝડપી હતી.

રોહિત શર્માએ ઈશાંત શર્મા સાથે મેસેજ મોકલ્યા બાદ પુજારાએ છગ્ગો માર્યો
સામાન્ય રીતે ચેતેશ્વર પુજારા સ્લો બેટિંગ માટે જાણીતો છે. તે હવાઈ શોટ મારતો નથી, પરંતુ ઈન્દોર ટેસ્ટના બીજા દિવસે મેદાનમાં પુજારા અનોખો અંદાજમાં જોવા મળ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ ઈશાંત શર્મા સાથે મેદાનમાં મેસેજ મોકલ્યો હતો. આ મેસેજ મળ્યા બાદ બીજી ઓવરમાં ચેતેશ્વર પુજારાએ એક સિક્સ ફટકાર્યો હતો. પુજારાના આ શોટના લીધે પેવેલિયનમાં ભારતીય ખેલાડીઓ અને સ્ટેડિયમમાં પ્રેક્ષકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. રોહિત શર્માના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાય હતી.

ઓસ્ટ્રેલિયા પહેલી ઈનિંગમાં 197 રન પર ઓલઆઉટ થઈ
ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચેની અહીં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા તેની પહેલી ઈનિંગમાં 197 રન પર ઓલઆઉટ થઈ હતી. ઓસ્ટ્રેલિયાની છેલ્લી છ વિકેટ માત્ર 11 રનમાં પડી ગઈ હતી. રમતના બીજા દિવસે અશ્વિન અને ઉમેશે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 88 રનની મૂલ્યવાન લીડ મેળવી હતી. આ લીડ સાથે બીજી ઈનિંગમાં ભારતીય ટીમ મેદાનમાં ઉતરી હતી. ભારતની પહેલી વિકેટ લંચ બાદ સસ્તામાં પડી ગઈ હતી. શુભમન ગિલ આઉટ થઈ ગયો હતો. નાથન લિયોને શુભમન ગિલને આઉટ કર્યો હતો. ભારતની પહેલી વિકેટ 16 રન પર પડી ગઈ હતી.

પહેલી ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ બુધવારથી ઈન્દોરમાં શરૂ થઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા માત્ર 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તે જ સમયે, તેના જવાબમાં બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ દિવસની રમતના અંત સુધી 156 રન બનાવીને ટીમ ઈન્ડિયા પર 47 રનની લીડ મેળવી લીધી છે. જોકે, પહેલા દિવસે ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે બેટથી 13 બોલમાં 2 સિક્સરની મદદથી 17 રનની ઇનિંગ રમી હતી. તેની ઈનિંગ્સ તેના માટે ખૂબ જ ખાસ હતી કારણ કે તેણે વિરાટ કોહલીના એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

ઉમેશ યાદવે સિક્સર મારી કોહલીની બરાબરી કરી
ઉમેશ યાદવે ત્રીજી ટેસ્ટમાં બેટિંગ કરતાં વિરાટ કોહલીની સિક્સરની બરાબરી કરી હતી , તેણે બે શાનદાર સિક્સર ફટકારી હતી. તેની શાનદાર સિક્સરની મદદથી તેણે યુવરાજ સિંહ અને ભૂતપૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડીને રન મશીન કોહલીના રેકોર્ડની બરાબરી કરી. ઉમેશે બે છગ્ગા ફટકારતા જ તેના નામે ટેસ્ટ ક્રિકેટમાં 24 છગ્ગા થઈ ગયા. વિરાટ કોહલીએ પણ ટેસ્ટમાં ભારત માટે એટલી જ સિક્સર ફટકારી છે. બીજી તરફ, ઉમેશે યુવરાજ સિંહ અને રવિ શાસ્ત્રીને પાછળ છોડી દીધા છે, જેમના નામ અનુક્રમે 22-22 સિક્સર છે.

Most Popular

To Top