Columns

સર, ‘‘શુભ મુહૂર્ત’’ કઢાવું?

રાષ્ટ્રના મિસાઈલ મેન તરીકે ઓળખાતા પ્રખ્યાત વિજ્ઞાની માનનીય એ.પી.જે. અબ્દુલ કલામની રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક થવાની હતી તે સમયનો એક પ્રસંગ છે.એક ખરા હ્રદયથી ભારતીય અને મગજથી સાચા વિજ્ઞાનીના જીવનની આ નાનકડી વાત સરળ સમજ આપે છે. દરેક પક્ષ દ્વારા રાષ્ટ્રપતિ તરીકે માનનીય એ.પી.જે. અબ્દુલ કલામના નામ પર સહમતી સધાઈ ગઈ હતી. તેમની રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક થઇ ત્યારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમને અભિનંદન આપતા સંસદીય પ્રધાન પ્રમોદ મહાજને તેમને પૂછ્યું, ‘માનનીય રાષ્ટ્રપતિજી, આપ ક્યા શુભ દિવસે, ક્યા શુભ મુહૂર્તમાં રાષ્ટ્રપતિ ભવનમાં પહેલી વાર પ્રવેશ કરવાના છો?’

વિજ્ઞાની કલામ સર જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવતા ન હતા.તેમણે હસીને કહ્યું, ‘મેં એવું કોઈ મુહૂર્ત કઢાવ્યું નથી.’ તેમના સેક્રેટરીએ કહ્યું, ‘સર, શુભ મુહૂર્ત કઢાવું?’ તેઓ હસ્યા અને ના પાડતાં બોલ્યા, ‘ના, ના, મુહૂર્ત કઢાવવાની કોઈ જરૂર નથી.’ આ વાત સાંભળનાર કોઈ બોલ્યું, ‘અરે, સર, આટલા મહત્ત્વના દિન માટે મુહૂર્ત કઢાવવું જરૂરી છે. તમે કહેતા હો તો હું મારા જ્યોતિષને હમણાં શુભ દિવસ પૂછી લઉં.’
એ.પી.જે. અબ્દુલ કલામ આ સાંભળી બોલ્યા, ‘જ્યાં સુધી આ આપણી પૃથ્વી તેની ધરી પર ફરે છે અને તેને કારણે વારાફરતી રાત દિવસ થાય છે.તેવી જ રીતે આ પૃથ્વી અને બીજા બધા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે અને પૃથ્વીને સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતાં એક વર્ષ લાગે છે અને ઋતુઓ બદલાય છે.

આ મારી આપણી પૃથ્વી અને ગ્રહો વિશેની સમજ છે.હું નથી માનતો કે અન્ય કોઈ ગ્રહ પૃથ્વી પર રહેતા કોઈ પણ માણસના જીવન પર અસર કરી શકે અને મારા માટે તો આ ખગોળશાસ્ત્રીય ઘટનાઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી પૃથ્વીની ધરીની આસપાસ ફરવાથી અને સૂર્યની આસપાસ ફરવાથી સર્જાતા દરેક દિવસ અને દરેક રાત શુભ જ છે અને રહેશે.’ આટલું બોલી તેઓ હસી પડ્યા.અને પછી અન્ય સ્ટાફને મળવા લાગ્યા.તેમણે રાષ્ટ્રપતિ ભવનના બધા સ્ટાફને મળી પરિચય કેળવ્યો. તેમણે મજાકમાં પૂછ્યું, ‘એક નવા મેમ્બર તરીકે હું અહીં તમારી સાથે ક્યારથી રહેવા આવી શકું?’ અને માત્ર થોડાં કપડાં અને ઘણાં બધાં પુસ્તકો સાથે તેમણે કોઈ મુહૂર્ત વિના રાષ્ટ્રપતિ ભવનમાં કોઈ ધામધૂમ વિના પહેલી વાર પ્રવેશ કર્યો અને બધાના એકદમ પ્રિય બની રહી દેશને પોતાના જ્ઞાન અને સમજ દ્વારા માર્ગદર્શન આપ્યું.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top