Columns

ઈશ્વરનો જ બીજો અવતાર આદિ શંકરાચાર્ય

હિન્દુધર્મ પર વિવિધ આક્રમણો થયાં તેની પ્રગાઢ અસર લોકો પર થઇ. હિન્દુ ધર્મ છિન્નભિન્ન થઇ જતે તે સમયે દક્ષિણ ભારતમાં શંકરનો જન્મ થયો. તેમણે ભારત દર્શન કર્યું અને માતાને કહ્યું કે, હું સંસારમાં પ્રવેશ કરવાનો નથી તમે જો આશીર્વાદ આપો તો હું સન્યસ્ત ધારણ કરું. માતાએ કહ્યું પરંતુ મારું મૃત્યુ થાય ત્યારે મારો પુત્ર મને મુખ્યાગ્નિ આપે તે કોણ કરશે? શંકરે કહ્યું કે, એ પણ સન્યસ્ત લીધું હોવા છતાં હું કરીશ. માતાની આજ્ઞા મળવાથી તેમણે ગૃહત્યાગ કર્યો અને ભારતભરમાં અટન કર્યું.

જે સમયે રસ્તાઓ બરાબર ન હતા; નદીઓ પર સેતુ ન હતા તે સમયે તેમણે કેરાલાથી લઇ હિમાલય સુધી પ્રવાસ કર્યો. ગુજરાતમાં નર્મદા તટે તેમણે યોગ્ય આચાર્ય મળી ગયા તેથી વિધિવત્‌ સન્યસ્ત ધારણ કરી યૈવ ઔપનિષદિક વિચારોના પ્રચાર માટે સતત પ્રયત્ન કર્યો. ઉપનિષદો તો સંસાર છોડવાનું કહેતાં નથી પરંતુ અહીં રહીને જ જ્ઞાન પ્રાપ્ત કરો અને તેજ સાચી મુકિત છે. તેમના પ્રયાસથી વિશાળ ભારતમાં ચારે ય ખૂણામાં આશ્રમોની સ્થાપના કરી અને એ આશ્રમોએ જ પ્રજામાં વૈચારિક ચેતનાનો ફેલાવો કર્યો.

હિન્દુ વિચારધારાને અનુપ્રાણિત કરવામાં આ બધાએ મોટો ભાગ ભજવ્યો. તે પછી તો વિવેકાનંદ જેવી પ્રતિભાઓ પ્રગટી અને વૈશ્વિકસ્તરે હિન્દુધર્મની વિશિષ્ટતાએ માન્યતા મેળવી. આમ આદિ શ્રી શંકરાચાર્યે શાસ્ત્રોનાં નૂતન અર્થઘટનો આપ્યાં તેથી એ ધર્મસહજ બની ગયો. આપણે ગમે તે સ્થિતિમાં હોઇએ પરંતુ અંતરનો આનંદ મળતા થાય તો તે જ પરબ્રહ્મ છે. આ બધું લોકો સમક્ષ શંકરાચાર્યે મૂકયું. આશ્રમો જયાં જયાં સ્થાપ્યા ત્યાં ત્યાં  પોતાના એક એક શિષ્યને તેમણે હિન્દુધર્મના પ્રચાર માટે નિયુકત કર્યા.

આમ એક વિરાટ કામ આદિશંકરાચાર્ય કરવાના નિમિત્ત બન્યા. મંદિરો, મૂર્તિઓ, એ બધાંના આધુનિક અર્થો તેમણે સમાજ સમક્ષ મૂકયા તથા ભારતીય વિચારધારાને વધુ જીવંત બનાવી. તેમણે પોતાનાં મા ને વચન આપેલું કે હું તમારી અંતિમ અવસ્થામાં હાજર રહીશ. તેમને થયું કે, હવે મારે સ્વગૃહે જવું જોઇએ એમ વિચારી તેઓ ફરીથી કેરાલા ગયા અને તેમનાં માતૃશ્રીએ દેહ છોડયો ત્યારે જાતે જઇને સ્મશાનમાં મુખાગ્નિ આપ્યો. જેમણે સન્યસ્ત લીધું છે તેઓ આવો ગૃહસ્થીધર્મ ન અપનાવે પરંતુ તેમણે હિન્દુ વિચારધારાને અદ્યતન બનાવી જેથી આજે પણ હિન્દુ ધર્મમાં વૈચારિક છૂટછાટ જોવા મળે છે. આવી વિભૂતિ ઇશ્વરનો જ અવતાર છે.

Most Popular

To Top