અસ્થમા અર્થાત્ દમ

રોજિંદા જીવનમાં આપણે ઘણાંને શ્વાસની તકલીફ સાથે જોતા હોઈશું કે એ અંગે સાંભળતા હોઈશું. સાથે સાથે અસ્થમા એટલે કે દમની બીમારી વિશે પણ થોડું જાણતા હોઈશું. જ્યારે આ લખું છું ત્યારે સૌથી પહેલાં તો આ કેમ થાય, કેવી રીતે થાય, મેડિકલ સાયન્સ શું કહે છે એ બધી જ વાતો કરાય પણ આજે એવું બધું ઓછું અને જેમને આ રોગ છે તેઓ માટે કે અન્ય જેઓને જોખમ છે એ લોકો શું કાળજી લઈ શકે? તથા આ રોગના ટ્રિગરીંગ ફેક્ટર (રોગને વધુ અને જલ્દીથી ઉત્તેજિત કરતાં પરિબળ) શું છે કે જેને ટાળી શકાય એ વિષય પર વધુ જાણીશું.

અસ્થમા શું છે?

અસ્થમા એ લાંબાગાળાનો ફેફસાની શ્વાસનળીને લગતો રોગ છે. જે શ્વાસનળીને સાંકડી કરે છે અને તેના પર સોજો લાવે  છે અને ક્યારેક વધારાનું મ્યુકસ પેદા કરે છે. આના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, ઉધરસ આવે છે અને જ્યારે શ્વાસ બહાર કાઢો છો ત્યારે ક્યારેક સીટીનો અવાજ આવે છે.

કયાં કારણો છે, ક્યાં ટ્રિગરીંગ પરિબળો અગત્યનો ભાગ ભજવે છે?

કારણોની વાત કરીએ તો અસ્થમા અમુક લોકોને જ કેમ થાય છે અને અમુક લોકોને કેમ નહીં તે અંગે ચિત્ર અસ્પષ્ટ છે. મોટાભાગે જીનેટિક એટલે કે આનુવંશિક અને પર્યાવરણીય પરિબળોના સંયોજનને લીધે થાય છે. ટ્રિગરીંગ પરિબળોની વાત કરું તો એવા પદાર્થો જે બળતરા કે એલર્જી ઉત્પન્ન કરતા હોય એને ટાળવા, જેમ કે હવામાં રહેલા એલર્જન(એલર્જીક પદાર્થો), પોલન (વૃક્ષ, ફૂલ, ઘાસ વગેરેમાંથી બનતો અને નીકળતો એક પ્રકારનો પાવડર), ધૂળમાં રહેલી જીવાત, વંદાનો કચરો, પાલતુ પ્રાણીઓના વાળ કે ફરમાંથી નીકળતા કે ફેલાતા કણો/ ફ્લેક્, વગેરે… આ ઉપરાંત જે પરિબળોનો સમાવેશ થાય છે એમાં સામાન્ય શરદી, ઠંડી, ધુમાડો, હવાનું પ્રદૂષણ, અમુક દવાઓ, સલ્ફાઇટસ્, પ્રિઝર્વેટિવ વગેરે સામેલ છે. ઘણા કિસ્સામાં એસીડીટી ગળા સુધી આવે છે અને બળતરા સર્જે છે ત્યારે એ ટ્રિગરીંગ પરિબળ સાબિત થઈ શકે છે.

ચિહ્નો કે લક્ષણો શું છે?

શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો કે જકડન, શ્વાસ બહાર કાઢતી વખતે છીંક આવવી, શ્વાસમાં તકલીફ કે ખાંસી કે  છીંકને લીધે ઊંઘવામાં તકલીફ, વગેરે… અસ્થમાનાં ચિહ્નો હંમેશાં સૌ કોઈને એક સમાન નથી હોતા. કોઈકને કાયમ આ તકલીફોનો સામનો કરવો પડે છે તો અમુકને ક્યારેક જ તકલીફ ઊભી થાય છે તથા કોઈકને કસરત કરતી વખતે, હવામાં પ્રદૂષણને લીધે કે કામ કરવાની જગ્યાએ ઉદભવતા વાયુ, ધૂળ કે જ્વાળાઓને લીધે અસ્થમાના હુમલા આવી શકે છે.

કોને જોખમ વધુ છે?

જેમનાં માતા-પિતા કે ભાઈબહેનને અસ્થમા હોય તેમને, જેઓને પહેલેથી જ ચોક્કસ પ્રકારની એલર્જીક સ્થિતિ હોય કે જેના લીધે નાક બંધ રહેતું હોય કે શરદી રહેતી હોય, જેઓનું વજન વધુ છે, જે ધૂમ્રપાન કરે છે તેઓને, આ ઉપરાંત પરોક્ષ રીતે ધુમાડાના સંપર્કમાં આવવું કે અન્ય પ્રદૂષણ કે ટ્રિગરીંગ ફેક્ટરના સંપર્કમાં આવનાર વ્યક્તિઓને જોખમ વધુ રહે છે.

શું સાવચેતી રાખવી જોઇએ?

  • જેઓને અસ્થમા છે તેમણે નિયમિત મોનિટરીંગ અને સારવાર કરવી જોઈએ. નિયમિત સારવારથી તમે તમારી જિંદગી પર નિયંત્રણ લાવી શકો છો. એ સમજવું જરૂરી છે કે અસ્થમાને રોકવાનો કોઈ રસ્તો નથી પણ જેઓને અસ્થમા છે તેઓ સાવચેતી રાખી શકે. જેથી જીવન વધુ સારું બની શકે તેમજ અસ્થમાના અટેકને રોકી શકે.
  • ઈન્ફ્લુએન્ઝા, ન્યુમોનિયા વગેરેની રસી લેવી. જેથી આ રોગોને રોકી અસ્થમાને ટ્રિગર થતો અટકાવી શકાય.
  • તમારા શ્વાસોચ્છવાસને મોનિટર કરતા રહો. સમય જતા ટ્રિગરીંગ ફેક્ટર ક્યાં છે અને ચેતવી જતાં ચિહ્નો કયાં છે, એ તમે શીખતા જશો અને આ અસ્થમાના અટેકને ઓળખવા અને સમયસર સારવાર કરવામાં મદદરૂપ થશે.
  • તમારા તબીબ દ્વારા સૂચવેલી દવાઓ નિયમિત લો અને ત્વરિત રાહત આપતા ઇનહેલરના વધુ પડતા ઉપયોગ પર ધ્યાન આપો. જરૂર કરતાં વધુ ઇનહેલર વારંવાર વાપરવું પડે તો અસ્થમા અનિયંત્રિત છે અને નિષ્ણાત તબીબનો પરામર્શ આ તબક્કે લેવાનું ટાળવું નહીં.
  • આ ઉપરાંત અસ્થમાના ટ્રિગરીંગ ફેક્ટર જે છે એનું એક્સપોઝર ઘટાડવા શક્ય હોય તો એરકન્ડિશનનો ઉપયોગ કરો.
  • ઘરનું રાચરચીલું સ્વચ્છ રાખો, તેના પર ધૂળ જમા ન થવા દો.
  • જો ભીના વાતાવરણમાં રહો છો તો ડીહ્યુમીડીફાયરનો ઉપયોગ કરો અથવા આ અંગે તમારા તબીબ જોડે વાત કરો.
  • વધુ પડતી ઠંડીમાં જતા પહેલાં નાક અને મોઢું કવર કરો.
  • નિયમિત કસરત કરો અને એસીડીટીની સમસ્યા હોય તો તેને નિયંત્રિત રાખો.

એ સમજવું જરૂરી છે કે તમામ સાવચેતી કે વૈકલ્પિક ઉપચાર એ મેડિકલ ટ્રીટમેન્ટનો વિકલ્પ બિલકુલ નથી, પરંતુ વિવિધ રીતે તમારા આ ચિહ્નોને હળવા કરવા મદદરૂપ થઈ શકે.

ઇત્તેફાક્:

અનેક રાગ છે કંઠસ્થ- રજૂઆત નથી,

તૂટી ફૂટેલું ભલે હોય એક રબાબ તો દે.

                – મરીઝ

Most Popular

To Top