National

રાજસ્થાનના મુખ્યમંત્રી 6 મિનીટ સુધી જૂનું બજેટ વાંચતા રહ્યાં, વિપક્ષે હોબાળો કર્યો ત્યારે…

નવી દિલ્હી: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિધાનસભામાં તેમના ત્રીજા કાર્યકાળનું છેલ્લું બજેટ આજે રજૂ કર્યું. બજેટ સ્પીચની શરૂઆતમાં જ અશોક ગેહલોતે મોટો છબરડો વાળ્યો હતો. બન્યું એમ કે અશોક ગેહલોત ભૂલથી વીતેલા વર્ષનું બજેટ વાંચવા લાગ્યા હતા. અંદાજે 6 મિનીટ સુધી ગેહલોત જૂનું બજેટ વાંચતા રહ્યાં. વિપક્ષે આ મામલે હોબાળો મચાવ્યો ત્યારે ગેહલોતને ખબર પડી. થોડા સમય સુધી ગૃહમાં રમૂજ વ્યાપી ગઈ હતી. વિપક્ષ ભાજપે આ મામલે મુખ્યમંત્રીને ઘેરવાની તક પણ ઝડપી લઈ આક્ષેપબાજી કરી હતી.

તમને જણાવી દઈએ કે બજેટની વાંચતા પહેલા સીએમ અશોક ગેહલોતે વિધાનસભામાં જૂનું બજેટ વાંચ્યું હતું. જો કે મંત્રી મહેશ જોશીએ તેમને અધવચ્ચે જ અટકાવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે અશોક ગેહલોત બજેટ વાંચી રહ્યા હતા ત્યારે આ દરમિયાન તેમણે છેલ્લી ત્રણથી ચાર યોજનાઓ પણ ગણાવી હતી. એટલું જ નહીં, આમાં ગત વર્ષે અમલમાં આવેલ શહેરી વિકાસ યોજના અંગે પણ ગેહલોત બોલતા રહ્યાં હતાં. ત્યારે જ પાણી પુરવઠા મંત્રી મહેશ જોષીએ મુખ્યમંત્રીના કાનમાં કહ્યું હતું. આ પછી તેમણે સોરી કહ્યું હતું. પરંતુ આ પછી વિપક્ષે ગૃહમાં જોરદાર હંગામો શરૂ કર્યો. અને ગૃહની કાર્યવાહી 30 મિનિટ માટે સ્થગતિ કરી દેવામાં આવી હતી.

અશોક ગેહલોતના બજેટ ભાષણની મહત્વની બાબતો
વિધાનસભામાં ઘણી મોટી જાહેરાત કરતા ગેહલોતે કહ્યું કે રાજ્યમાં ખેડૂતોને 2000 યુનિટ સુધી વીજળી મફતમાં આપવામાં આવશે. તેમજ ઘરેલું ગ્રાહકોને 100 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે. રાજ્યમાં ઉજ્જવલા યોજનાનો લાભ લેનારાઓને એલપીજી સિલિન્ડર રિફિલિંગ પર માત્ર 500 રૂપિયામાં મળશે. આ સિવાય કોરોનાકાળમાં જે બાળકોનો માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તેવા બાળકો 18 વર્ષના થશે ત્યારે તેમને સરકારી નોકરી આપવમાં આવીશે. ગેહલોત સરકારે અકસ્માત વીમો 5 લાખ રુપિયાથી વધારેની 10 લાખ રૂપિયા કરવામાં આવ્યો છે.

ગેહલોત સરકારે વિધાનસભામાં કહ્યું કે રાજ્યમાં 15 સ્થળોએ 20 કરોડના ખર્ચે વ્યસન મુક્તિ કેન્દ્રો બનાવવામાં આવશે. પ્રતાપગઢ, રાજસમંદ અને જાલોરમાં મેડિકલ કોલેજો ખોલવામાં આવશે. પેપર લીકને લઈને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે, જે આવી બાબતો પર નજર રાખશે. મહિલાઓ માટે રોડવેઝ બસના ભાડામાં રાહત 30 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવી છે. ખાદ્ય સુરક્ષા હેઠળ, પરિવારોને અન્નપૂર્ણા ફૂડ પેકેટ મફતમાં મળશે. તેમાં દાળ, ખાંડ સહિતની રાશનની વસ્તુઓ હશે. સ્કિન રોગ ફાટી નીકળવાના કારણે પશુઓ ગુમાવનારા પશુપાલકોને રૂ. 50,000નું વળતર આપવામાં આવશે. ગેહલોત સરકારે વિદ્યાર્થીઓ માટે 75 કિલોમીટરની મુસાફરી મફત કરવાની જાહેરાત કરી છે.

વસુંધરાએ અશોક ગેહલોત પર કટાક્ષ કરતા કહ્યું …..
વિધાનસભામાં જ્યારે સીએમ અશોક ગેહલોતે ભૂલથી જૂનું બજેટ વાંચ્યું હતું, ત્યારે વિપક્ષ દ્વારા ગૃહમાં જોરદાર હોબાળ કરવામાં આવ્યો હતો. ત્યારે ભાજપ નેતા વસુંધરા રાજેએ પણ અશોક ગેહલોતની આ ભૂલ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે ઈતિહાલમાં પહેલીવાર આવી ચૂક થઈ છે. હું પણ સીએમ રહી છું, ગૃહમાં બજેટ રજૂ કરવા પહેલા ત્રણ-ચારવાર તેને વાંચવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું કે બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. મુખ્યમંત્રી આઠ મિનિટ સુધી જૂના દસ્તાવેજ વાંચતા રહ્યા. જો કે ગેહલોતને જ્યારે પોતાની ભૂલ સમજાય ત્યારે તેમણે માફી પણ માંગી હતી. પરંતુ ગૃહમાં વિપક્ષના હંગામાના કારણે વિધાનસભાની કાર્યવાહી 30 મિનિટ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

Most Popular

To Top