Columns

પોલીસપર્સનના શરીર પર કેમેરા બાંધવાના કોઇ ફાયદા ખરા કે નહીં?

હમણા મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લાનાં ઇગતપુરી અને ઘોટી નગરો વચ્ચે, હાઇવે પણ બેરહમપણે બકરા ચોરવાની ઘટનાનો વિડિયો ખૂબ વાયરલ થયો હતો. એ બકરાં ભરેલી અને ખુલ્લી ટ્રકની પાછળ પાછળ એક લકઝરી કાર ચાલે છે. કાર ટ્રકનું પૂછડું દબાવીને જ આગળ વધે છે. આગળ ચાલતી ટ્રકના પાછળના વજન ભરવાના હિસ્સામાં એક યુવાન અગાઉ કયાંકથી ચડી ગયો હશે કે કારના બોનેટ પરથી ચડયો હશે તે સ્પષ્ટ થયું નથી, પરંતુ કાર ચલાવતો યુવક અને બકરા ચોરતો યુવક બન્ને એક જ કામ માટે નીકળ્યા હતા. એકમેકના સાગરીતો હતા.

એક યુવાન ટ્રકમાં ચડયા પછી દોડતી ટ્રેનમાંથી બકરા પકડી એક પછી એક રોડ પર ફેંકવા માંડયો. પાછળ આવતી લકઝરી કાર એ બકરા ફેંકવાની પ્રવૃત્તિને કવર આપી રહ્યો હતો જેથી કોઇ બીજું વાહન ત્યાં આવી ન શકે અને મામલો બગડે નહીં. અમુક બકરાઓ નિર્દયપણે હાઇવે પર ફેંકયા બાદ એ યુવાન ટ્રકના પાછળના ભાગેથી થોડો નીચે ઉતરી, મોટરકારના બોનેટ પર આવી જાય છે અને ‘અમે આવી રીતે બકરાં ચોરીએ છીએ’ એવી શેખી મારવાની સાથે કારની બારીમાંથી કારમાં ઘૂસી જાય છે. એ કારની પાછળ દોડતા વાહનોનાં ડેશબોર્ડ પર ગોઠવાયેલા કેમેરાઓમાં એ ઘટના રેકર્ડ થઇ જાય છે.

બકરા ચોરનારા જરૂર કસાઇ હશે, કારણ કે એ રીતે ફેંકેલા બકરા જીવતાં રહે તેવી કોઇ ખાસ શકયતા રહેતી નથી. કદાચ જીવી જાય તો પણ તૂટેલા હાડકાં સાથે હેરફેર કરવાને લાયક ન રહે. ચોરનારા તેનું મટન વેચતા હશે. રસ્તા પર ફેંકાયેલા બકરાં બીજા વાહનો તળે ચગદાઇ જવાની શકયતા વધુ છે, કારણ કે આ માર્ગ હાઇવે હતો અને બીજા અનેક વાહનો આગળ પાછળ દોડતાં જોવા મળે છે. આ રીતે ચગદાયેલા જાનવરોનું મટન ખાનારા લોકો છે અને વેચનારા પણ છે તે જાણવાનું આજની અદ્યતન કેમેરા ટેકનોલોજીથી શકય બન્યું.

અમેરિકામાં એવા ઘણા કિસ્સાઓ બન્યા હતા જેમાં પોલીસે બેકસૂર અથવા હળવો ગુનો આચરનાર વ્યકિતને ગોળી મારીને ઉડાવી દીધો હોય. આવા પ્રસંગોએ શ્વેત અને અશ્વેતો વચ્ચેની તકરારોને મોટું સ્વરૂપ આપી દીધું. અમેરિકાના મિનેસોટ ખાતે એક ગોરા પોલીસ અધિકારીએ જયોર્જ ફલોઇડ નામના અશ્વેત જણ પર પગ વડે ગળું દબાવી દીધું એ ઘટના ત્રણેક વરસ અગાઉ ઘટી. ન્યુયોર્કના મેનહટ્ટનમાં અશ્વેત લોકોએ વિરોધ દર્શાવવા માટે અબજો ડોલરની સંપત્તિઓ જલાવી દીધી હતી. એ ખૂબ મોટું નુકશાન હતું.

દરમિયાન એ ચર્ચા ચાલી જ રહી હતી કે પોલીસ કોઇની ધરપકડ કરવા જાય ત્યારે શરીર પર બોડી કેમ અર્થાત બોડી કેમેરા ધારણ કરે, જેથી ખબર પડે કે હકીકતમાં શું બન્યું હતું? હમણા ભારતની સર્વોચ્ચ અદાલતે પણ આદેશ આપ્યો હતો કે અતીક અહેમદને એક જેલમાંથી બીજી જેલમાં કે અદાલતમાં લઈ જતી વેળાએ પોલીસે શરીર પર કેમેરા લટકાવી રાખવા. આ માટેના ખાસ બોડી કેમ તૈયાર કરાયા છે. જો અતીકનું ખોટેખોટું એન્કાઉન્ટર કરાય તો એ ઘટના કેમેરામાં પકડાઇ જાય. તો પણ અતીકના પુત્ર અસદ અને અસદના સાથી ગુલામનું એન્કાઉન્ટર થઇ ગયું.

અખિલેશ યાદવ બાહુબલીઓના સમર્થનમાં આવી ગયા હતા અને ચેતવણી પર ચેતવણી આપી રહ્યા હતા કે, ‘એન્કાઉન્ટર કરવાની ભૂલ ન કરતાં. ઉપર ગૂગલના સેટેલાઇટ કેમેરાઓ બધુ જોઇ રહ્યા છે!પકડાઇ જશો.’ એ ચેતવણીની ઐસી તૈસી. ઉત્તર પ્રદેશની પોલીસમાં અખિલેશ કરતા વધુ ડિજિટલ નિપૂણતા ધરાવતા અનેક અધિકારીઓ છે. શું તેઓને સલાહ આપવી પડે? ઘોળીને પી ગયા અને કોઇક આવીને અતીક અને એના નાનાભાઇનો ઢગલો વાળીને જતા રહ્યા. ટુંકમાં બોડી કેમેરાની ટેકનોલોજી સારી છે જો પોલીસ પોતાની નિર્દોષતા અને તટસ્થતા જાહેર કરવા માગતી હોય તો. પણ જો એવો ઇરાદો ન હોય અને કોઇને ખતમ જ કરવાનો હોય તો પણ પોલીસ પાસે બીજા માર્ગો હોય છે.

ટુંકમાં બોડી કેમેરાના ઉપયોગમાં લૂપ હોલ્સ ઘણા છે. નવા ઊભા કરી શકાય છે. નવો નવો અમલ છે તેથી વધુ ફાયદો ન મળે, પણ શું ભવિષ્યમાં તેને ચોક્કસ અને અસરકારક બનાવી શકાશે? તે માટે અસરદાર કાનૂન અને કાનૂનના પાલનની જરૂર પડશે. અમેરિકાએ બોડી કેમેરાનો વ્યાપકપણે ઉપયોગ વધાર્યો પરંતુ તેમાં ધાર્યા પરિણામો હજી આવ્યા નથી. અમેરિકાના વકીલોનો દાવો છે કે પોલીસ પોતાના શરીર પર ગોઠવેલા કેમેરાની વચ્ચે, ખાસ કટોકટીની ક્ષણોમાં મફલર ગોઠવી દે છે અથવા કોઇ આડશ પેદા કરે છે, જે આકસ્મિક રીતે પેદા થઇ હોય તેવું જણાય.

ઘણી વખત અદાલત માટે જે અતિ મહત્વની પુરવાર થાય, જેના આધારે પાકો નિર્ણય લઇ શકાય એવી ઘડીમાં જ કેમેરાનું ફોકસ બદલાઇ જાય, વચ્ચે આડશ આવી જાય તેથી કોર્ટને મહત્વના મદદરૂપ પુરાવા જ મળતાં નથી. વકીલોનું કહેવું છે કે, આ બધી ઘટનાઓનો ઇલાજ માત્ર કેમેરા છે એવું નથી, પરંતુ સરકાર તેના માટે કડક અને કારગર નિયમો બનાવે તો ન્યાયની પ્રક્રિયાને ઘણો ફાયદો થાય. ઘણી વખત કેમેરા બંધ કરી દેવાય છે અને તે શરીર પર રાખવાનો હેતુ જ માર્યો જાય છે. પોલીસની દલીલ છે કે ટેકનોલોજીનો આ નવો નવો ઉપયોગ છે. જે અનુભવો થશે તેના આધારે જરૂરી સુધારા વધારા કરાશે. હજી તો આ નવી વિકસતી પધ્ધતિ છે અને પરિપકવ થવામાં સમય લાગશે.

હાલમાં અમેરિકાની પોલીસ માટે જે ગાઇડલાઇન્સ ઇસ્યુ કરવામાં આવી છે તે મુજબ તેઓએ કેમેરાને શરીર પર એવી રીતે ન ગોઠવવો જેથી એના લેન્સ સામે અડચણ ઊભી થાય. વસ્ત્રો પણ એ સાવધાની સાથે ધારણ કરવા. કેમેરા એવી રીતે ગોઠવવા કે જેથી સામેના લોકો તેની રેન્જમાં આવી જાય. કેમેરાની વિડિયો (દૃશ્ય) રેકોર્ડિંગ સુવિધા બંધ થઇ જાય અને માત્ર ઓડિયો (શ્રવણ) વ્યવસ્થા ચાલુ રહે તેવી રીતે કેમેરાનો ઉપયોગ કરવા પર કડક પ્રતિબંધ અનુભવો બાદ મૂકવામાં આવ્યો છે. પોલીસના અધિકારીઓનો દાવો છે કે જે અધિકારીઓએ ગાઇડલાઇન્સનો ભંગ કર્યો છે તેઓને ઠપકો આપવાથી માંડીને નોકરીમાંથી બરખાસ્ત કરવા સુધીની શિક્ષાઓ કરવામાં આવી છે.

વરસ 2021ની એક ઘટનામાં બે પોલીસમેને એક વાહન ચાલકે શરાબ પીછો હોવાની શંકાના આધારે વાહનને ઊભું રખાવ્યું હતું. બંને પોલીસમેને પ્રથમ આપસમાં વાતચીત કરી અને ત્યારે પોતાના કેમેરાના માઇક્રોફોન્સ ઢાંકી દીધા હતા. એ દરમિયાન તેઓ વાતચીત કરી રહ્યા હતા અને હસી રહ્યા હતા તે ઘટના પોલીસના વાહન પરના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ત્યાર બાદ તેઓએ પોતપોતાનાં માઇક્રોફોન્સ પરના આવરણો હટાવ્યા હતા અને ડ્રાઇવરને એરેસ્ટ કરવાની વિધિ શરૂ કરી હતી.

ઉપરના અધિકારીઓએ એ કેમેરાનો વિડિયો જોયો ત્યારે સ્વાભાવિકપણે જ શંકા અને કુતુહલ જાગ્યા કે બંને પોલીસમેન આપસમાં કઇ ગુપ્ત વાતચીત કરી રહ્યા હતા. જો કે પોલીસ ડિપાર્ટમેન્ટની પોલીસી પોલીસમેનો કે પોલીસપર્સનો આપસમાં વાતચીત કરી રહ્યા હોય ત્યારે કેમેરા બંધ કરવાની ઇજાજત આપે છે. પરંતુ હવે પોલીસ વિભાગને જણાયું છે કે આ નીતિનો દુરૂપયોગ પોલીસપર્સનો દ્વારા થઇ શકે છે.

આ પ્રકારની છૂટછાટ કરપ્શનને પણ તક આપે છે. જો કે અમેરિકામાં કરપ્શન છે, પણ અપવાદરૂપ કિસ્સાઓમાં. સાવ નથી એવું પણ નથી. કોર્ટને અને વકીલોને પોલીસ દ્વારા વિડિયોની કિલપિંગ પૂરી પાડવા બાબતે અમેરિકામાં સ્પષ્ટ કાનૂન નથી. ઘણી વખત અદાલતમાં કાર્યવાહી શરૂ થાય ત્યાર બાદ પાર્ટીને જાણ થાય છે કે પ્રસંગની વિડિયો પોલીસ પાસે છે. ડિસ્ટ્રીકટ વોર્ચેસ્ટરમાં અમુક વિડિયો બહાર આવતા ડ્રગ્સને લગતા 28 કેસ બંધ કર્યા પછી પણ નવેસરથી ખોલવામાં આવ્યા છે અને તેમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવી શકયતાઓ છે. મેસેચ્યુસેટ્‌સ એસોસીએશન ઓફ ક્રિમિનલ ડિફેન્સ લોયર્સ દ્વારા કેમેરાના વ્યાપાક વપરાશને સમર્થન અપાયું છે. રાજયની બોડી કેમેરા ટાસ્ક ફોર્સ સાથે મળીને એક નવો બોડી કેમેરા પ્રોગ્રામ લોન્ચ કરી રહ્યા છે.

અમેરિકામાં જરૂર છે એટલી જ જરૂર ભારતમાં પણ છે. અમેરિકાની પોલીસને કોઇકને ઉડાડી દેવાની સત્તા છે, ભારતમાં નથી. છતાં ભારતમાં નાગરિકોની મોટી ફરિયાદ હોય છે કે પોલીસે અથવા કાં તો ટ્રાફિક પોલીસે અલગ લઇ જઇને દંડ વસૂલવાના નામે ખંખેરી નાંખ્યા. ઘણા ખાનગી લોકો મોબાઇલ પર વિડિયો ઉતારી લે છે, જેમ બકરા ફેંકવાનો ઊતાર્યો તેમ એક વખત એક મહિલા પોલીસ અધિકારીની સૂચના પ્રમાણે એક મહિલાએ એ અધિકારીના પેન્ટના પાછળના ખિસ્સામાં રૂપિયાની નોટો ખોસી દીધી હતી. એ વિડિયો વાઇરલ થયો હતો અને આ તમામ વિડિયો લોકોને મનોરંજન પૂરાં પાડે છે, પણ જો ભ્રષ્ટાચાર અટકાવવો હોય તો કેમેરા અને કડક કાનૂન બંનેની જરૂર પડે. જરૂર તો ખૂબ છે, પણ બિલાડીઓ પોતે જ થોડી પોતાના ગળે ઘંટ બાંધશે?

Most Popular

To Top