Business

ઉનાળો, લગ્નગાળો અને ફૂડ પોઈઝન, શું ધ્યાન રાખીશું?

લગ્નની સીઝન ચાલતી હોય અને ખાવા પર કંટ્રોલ રાખવો એ તો શક્ય છે જ નહીં. આજકાલ રોજ OPDમાં કોઈ પણ પ્રકારના ફૂડ પોઈઝનની વાત આવે એટલે સૌથી પહેલી લિંક જે જોડાતી હોય છે એ લગ્નમાં જમેલા! દરરોજ જ્યારે આવા દર્દીઓને જોઈએ કે જેઓને લગ્નમાં જમવાથી ઝાડા-ઊલટી થયા હોય કે પેટમાં દુખ્યું હોય તો સામાન્ય વ્યક્તિને સ્વાભાવિક વિચાર આવે કે સૌની ઇમ્યુનિટી તો ખરાબ નહીં હોય ને! એ સાચું કે લગ્નમાં 200-500 વ્યક્તિઓ જમ્યા હોય એમાંથી અમુકને જ થતું હોય, બધાને ના થતું હોય એટલે દરેકની શરીરની પ્રકૃતિ અલગ હોય અને એના કારણે તમે જે ખોરાક છે.

જે જમણવાર છે એને સંપૂર્ણપણે દોષી ના ઠેરવી શકો પરંતુ આવી વસ્તુ જે થોડા ઘણા લોકોને પણ થાય છે, એ નહીં થાય એના માટે શું ધ્યાન રાખવું જોઈએ? આપણે આજના શીર્ષકમાં ત્રણ શબ્દ લીધા લગ્ન, ઉનાળો અને ફૂડ પોઇઝન.. ત્રણે ત્રણને જો આપણે સાથે સાંકળીએ તો અમુક કોમન વસ્તુઓ શું છે જેનું ખૂબ ધ્યાન રાખવું? આમ તો આજે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ ખૂબ જ સામાન્ય લાગે એવી છે પણ પેલું કહેવાતું હોય છે ને કે જીવનમાં ક્યારેક એક જેન્ટલ રિમાઇન્ડર પણ ખૂબ જરૂરી હોય છે. આજે હેલ્થ ટાઈમમાં આપ સૌને હું કંઈક જેન્ટલ રિમાઇન્ડર આપવા માંગું છું…

સૌથી પહેલાં સમજવું એ જરૂરી છે કે ફૂડ હાઈજીન અર્થાત્ ખોરાક પ્રત્યેની સ્વચ્છતા કેટલી છે? ઘણી વાર મેં જોયું અને અનુભવ્યું છે કે જ્યારે જે રસોઈઘરમાં રસોઈ થતી હોય છે કોઈ પણ પ્રકારના પ્રસંગો દરમિયાન, તો સ્વચ્છતાના નામે લગભગ મીંડું હોય છે. એનું પ્રેઝન્ટેશન તમને જે પ્રમાણે પીરસવામાં આવે છે એ કદાચ ખૂબ જ આહલાદક અને રસપ્રદ લાગતું હોય પરંતુ જ્યારે રસોઈઘર જોવા જાવ તો જૂતા પહેરીને જ અંદર કામ કરનારા લોકો ચાલતા હોય છે અને ત્યાં જ નીચે શાકભાજી મૂકીને સમારવામાં આવતું હોય અને સીધું એ શાક બનવા માટે કે કોઈ પણ પ્રકારના સલાડ માટે જતું હોય છે.

અહીં ધ્યાન રાખવાની બાબત સૌથી પહેલી ખાવાનું બનાવનાર વ્યક્તિ માટે અને ખાવાનું બનાવવાનો ઓર્ડર આપનાર વ્યક્તિ માટે એ છે કે 2-5 રૂપિયા ઉપરનીચે ભલે થતા કે થોડી વસ્તુઓ ઓછી રાખવી, ક્યાં થોડા પૈસા વધારે ખર્ચવા પરંતુ ખાવાની ગુણવત્તા જળવાઈ રહે એનું સૌથી પહેલું ધ્યાન રાખવું એ કોઈ પણ નાગરિકની એક મૂળભૂત ફરજ છે. જ્યારે આટલા બધા મહેમાનોને બોલાવવામાં આવતા હોય છે ત્યારે આનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે. તમામ મહેમાનોને માટે જો નિમ્ન ગુણવત્તાનું ખાવાનું પીરસવામાં આવે તો એ માટે જવાબદાર બનાવનાર તો ખરા જ પરંતુ જેમણે આ ઓર્ડર આપ્યો છે એ પણ. એટલે જ્યાં રસોઈ બને છે એની સ્વચ્છતા જળવાવી ખૂબ જરૂરી છે.

સામાન્ય વ્યક્તિ માટે જણાવું તો ઉનાળો છે એટલે હાઇડ્રેશન જાળવી રાખવું ખૂબ જરૂરી છે અર્થાત પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. હંમેશાં હાથ ધોઈને ખાવાની આદત રાખો. ઘણા સમય પહેલાં સમારી રાખેલું ખુલ્લામાં રાખેલું સલાડ ખાવાનું ટાળો. કોઈ પણ ખાદ્યવસ્તુ જે વ્યવસ્થિત રીતે રંધાયેલી ના હોય, કાચી હોય કે ખુલ્લી રહેલી હોય એને ખાવાનું ટાળો. જે ખાદ્યપદાર્થો પર માખી કે અન્ય જીવજંતુઓ બેસતા હોય એને ખાવાનું ટાળો. રસોઈ કરતી વખતે પહેલા હાથ ધોવાનું રાખો તથા જેતે શાકભાજીને વ્યવસ્થિત રીતે સાદા પાણીથી ધોવાનો આગ્રહ રાખો. બને ત્યાં સુધી ગરમ વસ્તુઓને ખાવાનું રાખો અને ઠંડી ચીજવસ્તુઓને ટાળો. જો ખાવાનું વધ્યું હોય અને એને ફરી પાછું ઉપયોગમાં લેવું હોય તો એને 2 કલાક સુધીમાં ફ્રીજમાં મૂકી દો. આ થઈ વ્યક્તિગત રીતે આપણા આરોગ્ય સાથે સંકળાયેલી વાતો!

એક અલગ દ્રષ્ટિકોણથી વાત કરીએ જેને આપણા શારીરિક આરોગ્ય કરતાં પણ આપણા એક માનસિક આરોગ્ય સાથે વધુ સંબંધ છે એ છે આપણી એક વિચારધારા, એક માનસિકતા, કોઈ પણ વસ્તુને ડિસ્કાઉન્ટ કરી કે ભાવતાલ કરીને ડીલ કરવાની. ક્યારેક કોઈ ₹300 માં જે વસ્તુ બનતી હોય એ જ વસ્તુને જો કોઈ 100 રૂપિયામાં બનાવી આપે તો આજે એ સમજવું જરૂરી છે કે એની અંદર વપરાતું મટીરિયલ, એની અંદર વપરાતો સામાન, એની જ કિંમત ઘણી વાર 150 થી 200 રૂપિયા થતી હોય, તો કોઈ વ્યક્તિ તમને ₹100 માં એ બધી 300 ની વસ્તુ કેવી રીતે બનાવી આપી શકે? આને કારણે ગુણવત્તા ખૂબ જ મોટા પ્રમાણમાં કોમ્પ્રોમાઇઝ થતી હોય છે અને લગ્ન રાખનાર વ્યક્તિ કે પ્રસંગ રાખનાર વ્યક્તિ એમને ત્યાં આમંત્રિત 200, 500, 1000 વ્યક્તિઓના આરોગ્યને જોખમમાં મૂકે છે.

જ્યારે નિમ્ન ગુણવત્તાની વસ્તુઓ બનાવવામાં આવે છે ત્યારે એમાં વપરાતી તમામ વસ્તુઓ પણ નિમ્ન કક્ષાની હોય છે, જેમ કે ખરાબ કે અમુક અંશે સડી ગયેલા ઘઉં કે ચોખા કે શાકભાજીઓ. જ્યારે બનાવવાની વસ્તુઓ જ થોડી ઘણી ખરાબ કે સડી ગયેલી હોય અને એમાંથી જ્યારે ખોરાક બનાવવામાં આવે તો એ તમને કંટેમિનેટ કરવા માટે ખૂબ જ વધારે જોખમી છે એટલે આપણે આપણી એક માનસિકતા પણ બદલવી ખૂબ જરૂરી છે કે ડિસ્કાઉન્ટ કરતાં પણ વધુ આપણું આરોગ્ય મહત્ત્વનું છે અને ફક્ત લગ્ન જ નહીં, કોઈ પણ પ્રકારનું ઓનલાઈન ખાવાનું કે સીધું દુકાનેથી જ્યારે ખાવાનું લાવવામાં આવે તો એ વિશ્વાસપાત્ર જગ્યાએથી લાવવું.

બાકી ભ્રષ્ટાચાર અને ભેળસેળ એટલા થાય છે કે એ આપણું આરોગ્ય જ દાવ પર! કેરીનો રસ 400 કે 500રૂ કિલો પણ મળતો હશે અને 100 રૂપિયા પણ.. આમાં કેટલું ભેળસેળ છે કેરીની જગ્યાએ, અન્ય ફળોનો રસ છે કે શું, કેરીની મીઠાશની જગ્યાએ અન્ય કૃત્રિમ એસન્સ નાખવામાં આવ્યા છે કે શું? આપણને કંઈ ખબર પડતી નથી પરંતુ આ તમામ વસ્તુઓમાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે એટલે એક વ્યક્તિગત રીતે તથા એક આયોજક તરીકે પણ આ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો આ ફૂડ પોઈઝન અને ઝાડા-ઊલટીના કેસોમાં ઘણો ખરો આપણે સુધારો લાવી શકીએ અને એના આંકડાઓ ખરેખર ઘટાડી શકીએ.

Most Popular

To Top