Columns

કેવું છે સત્યજિત રાયનું ફિલ્મકલા વિશ્વ…

જન્મથી કોલેજ અભ્યાસ સુધી હું કોલકાતા (અમારા સમયનું ક્લકત્તા)માં રહ્યો છું. ગુજરાતી ઓછો અને બંગાળી માહોલમાં વધુ ઉછર્યો છું . અહીંના બંગાળીમૉશાયોની એક ખાસિયત નોંધવા જેવી છે. એમની તાસીર છે કે રોજિંદા જીવનમાં એ ડગલે ને પગલે સરખામણી કરતાં રહે. આમ જુઓ તો સરખામણી કરવી, એકબીજા સાથે તુલના કરવી કંઈ ખોટું નથી પણ બંગાળીઓમાં ઘણી વાર આવી તુલનાનો અતિરેક પણ થઈ જાય. અમુક વાર તો એમની ચર્ચા સાવ ક્ષુલ્લક- સામાન્ય કક્ષાએ પણ પહોંચી જાય.

ઉદાહરણ તરીકે, તમારા પાડા (વિસ્તાર) કરતાં અમારા પાડાના જાલમૂડી (મસાલા મમરા) વધુ સારા! અહીંના ઉચ્ચ અભ્યાસુ લોકો પણ કૉફીહાઉસમાં કૉફીના એક પ્યાલા પર સ્થાનિક રાજકારણથી લઈને ઈન્ટરનેશનલ પોલિટિક્સ અને લોકલ ફૂટબૉલ ટીમ મોહનબાગાનથી માંડીને ફૂટબૉલ વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલ સુધીની તુલનામાં કલાકો કાઢી નાખે ત્યારે એમની દલીલોમાં એક હીરો અને એક વિલન ન હોય પણ એક ગમતી અને વધુ ગમતી વ્યક્તિ વચ્ચેની વાત હોય -તુલના હોય. ‘મને તો મારો આ ગમે છે…તમને તમારો મુબારક!’એવો ભાવ- પ્રતિભાવ પણ ચોક્કસ આપે!

જેમ રવી ઠાકુર એટલે કે કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો પરિચય આપવાનો ન હોય એવું જ ફિલ્મસર્જક સત્યજિત રાયનું છે. આમ છતાં બંગાળીઓની તાસીર મુ઼જબ સત્યજિત રાય- ઋત્વિક ઘટક અને મૃણાલ સેન જેવા સમકાલીન સર્જકો વચ્ચે અવારનવાર સરખામણી અગાઉ થતી ને હજુ આજે પણ થાય છે.તાજેતરમાં આ 2જી મેના જેમના 102મા જન્મદિનની ઉજ્વણી થઈ એવા વિશ્વવિખ્યાત સિનેસર્જક સત્યજિત રે (બંગાળીમાં ‘રાય’) નું હુલામણું નામ ‘માનિકદા.’ માનિકદા જેવા અવ્વલ સર્જકને દેશ-વિદેશના ફિલ્મોત્સવમાં વાર-તહેવારે યાદ કરવામાં આવે છે. ગયા વર્ષે કાન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફૅસ્ટિવલમાં એમને સન્માનપૂર્વક યાદ કરવા 1970માં રજૂ થયેલી એમની બહુચર્ચિત ફિલ્મ ‘પ્રતિદ્વંદ્વી’ પણ રજૂ થઈ હતી.

માનિકદાની સ્મૃતિમાં એમની એક ટૂંકી વાર્તા પરથી ‘સ્ટોરીટેલર’નામની ફિલ્મ પણ બની છે. ગયા વર્ષે દક્ષિણ કોરિયામાં યોજાયેલા ‘બુસાન ઈન્ટરનેશનલ ફેસ્ટિવલ’માં ખાસ પ્રદર્શિત થયેલી પરેશ રાવલ અભિનીત આ ફિલ્મની કથાવસ્તુ બડી રસપ્રદ છે. એક શ્રીમંતને વર્ષોથી અનિદ્રાની બીમારી પજવે છે. આના ઉપાયરૂપે એ એક એવી વ્યક્તિને નોકરીએ રાખે છે, જે એને રોજ રાતે કોઈ વાર્તા સંભળાવે. અહીં આડકતરી રીત મૌલિક વિરુદ્ધ તફડંચીની ચર્ચા કરતી આ ફિલ્મમાં દર્શકોને પ્રશ્ન પૂછવામાં આવે છે : મહત્ત્વ કોનું વધુ વાર્તા કે વાર્તાકારનું?આમ તો માનિકદાના ફિલ્મસર્જન વિશે વિશ્વભરમાં અઢળક લખાયું છે – ચર્ચાયું છે અને હજુય લખાતું-ચર્ચાતું રહેશે. આમ છતાં, આપણે ત્યાં ગુજરાતી ભાષામાં સત્યજિત રાય વિશે છૂટાછવાયા લેખો સિવાય ભાગ્યે જ કંઈ લખાયું છે.

આવા માહોલમાં ભારતીય તેમજ વિશ્વ સિનેમાના વિશેષ ખબર-અંતર રાખતા મુંબઈના અગ્રણી અભ્યાસુ અને સમીક્ષક એવા અમૃત ગંગર સત્યજિત રાય વિશે એક દળદાર પુસ્તક લઈને આવ્યા છે. તાજેતરમાં પ્રગટ થયેલું આ પુસ્તક ‘દ્રષ્ટિ ભીતરની..સત્યજિત રાયનું કલાવિશ્વ’ની પ્રસ્તાવના વિદ્વાન ફિલ્મ- થિયેટર સમીક્ષક સમીક બંધોપાધ્યાયે લખી છે. સત્યજિત રાયના પુત્ર સંદીપ રાય તેમજ આપણા વરિષ્ઠ ક્લમકાર ભાગ્યેશ જહાએ પણ પુસ્તકનો ‘આવકાર’ લખ્યો છે.  અમૃત ગંગરનું આ પુસ્તક અનેક રીતે સ-વિશેષ બન્યું છે કારણ કે અમૃતભાઈ પાસે ફિલ્મ સમીક્ષાથી લઈને – ફિલ્મ સોસાયટીની પ્રવૃત્તિઓ અને ફિલ્મ મ્યુઝિયમના ક્યૂરેટર તરીકેનો અડધી સદીથી વધુનો બહોળો અનુભવ છે. સિનેમાને લગતાં એમનાં 2 પુસ્તક ‘સિનેમાવિમર્શ’તથા ‘ચલચિત્ર..છલચિત્ર’ પણ પ્રગટ થયાં છે. આમ આવા અનેકવિધ ક્ષેત્રોમાં અનન્ય પ્રદાન માટે એમને દેશ-વિદેશમાં અનેક પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં પણ આવ્યા છે.

આ પુસ્તક -હકીકતમાં તો મારી દ્રષ્ટિએ એ એવો દળદાર ગ્રંથ છે, જેમાં સત્યજિત રાયના સમગ્ર ફિલ્મસર્જનને બહુ આગવી રીતે અહીં સાંકળીને એ રીતે રીતે રજૂ કરવામાં આવ્યું છે, જે માત્ર સત્યજિતના ચાહકો જ નહીં, ફિલ્મકળાના અભ્યાસુઓ-વિદ્યાર્થીઓ અને અન્ય ચાહકોને પણ પ્ર્ભાવિત કરી જાય છે. ગુજરાતી ભાષાનું પ્રથમ અને આજે તો આ એક માત્ર પુસ્તક છે, જેમાં સત્યજિત રાયની ફિલ્મો વિશે-એની સર્જનકથા પાછળની અ-જાણી વાતો વિશે અવનવી માહિતી રજૂ કરવામાં આવી છે. માત્ર ફિલ્મો જ નહીં, સંગીત-ચિત્રક્ળામાં પણ એમની પ્રભુતા વિશે આ અગાઉ આટલું વિસ્તારથી ક્યારેય કોઈ ગુજરાતી પુસ્તકમાં લખાયું નથી.

બંગ ફિલ્મસર્જકોની એક વિશેષતા એ રહી છે કે એ મોટાભાગે એમની ફિલ્મની કથાવસ્તુ કોઈ ટૂંકી વાર્તા કે પછી નવલ પર આધારિત હોય છે. એ દ્રષ્ટિએ માણેકદા હંમેશાં બીજા કરતાં બે ડગ આગળ જ રહ્યા છે. એમની કઈ ફિલ્મ કયા લેખકની કઈ સાહિત્યિક કૃતિ પર આધારિત છે અને એ વાત પણ અમૃતભાઈ અહીં લઈ આવ્યા છે. તમને શું મોટાભાગના ફિલ્મરસિકોને પણ જાણ નહીં હોય કે સત્યજિત રાયે લેખક ‘વિભૂતિભૂષણ બંદોપાધ્યાયની’ 2 નવલકથા પરથી 3 ફિલ્મ ‘પથેર પાંચાલી’- ‘અપરાજિતા’ અને ‘અપુર સંસાર’ સર્જી જે ‘અપુ ટ્રાયોલોજી’તરીકે જગભરમાં ખ્યાતિ પામી. આવી તો એમની બીજી ફિલ્મોને લગતી પણ ઘણી બધી રસપ્રદ વાત વાચકોને જાણવા મળે છે.આ જ રીતે, સત્યજિતબાબુની જીવનકથાથી લઈને એમના ફિલ્મસર્જન દરમિયાનની દુર્લભ તસવીરો પણ અહીં જોવાં મળે છે.આપણને સત્યજિત રાયની ફિલ્મો, ઈત્યાદિની સઘન માહિતી તો અહીં વાંચવા મળે પણ આ પુસ્તકનું એક અફલાતૂન પાસું એ છે કે અહીં પ્રગટ કરવામાં આવેલાં QR Code સ્કેન કરો તો ‘જલસાઘર’-‘આગંતુક’- ‘ચારુલતા’, ઈત્યાદિ જેવી 18 જેટલી ફિલ્મોના અમુક યાદગાર ગીત- દ્રશ્યો પણ આપણી સમક્ષ તાદૃશ્ય થાય…!

આ ઉપરાંત, જેને આપણે ‘સમગ્ર સત્યજિત’ કહી શકીએ એવા આ પુસ્તકની બીજી અનેક વિશેષતા એના વાંચન વખતે તમને માણવા મળશે. પુસ્તકવાંચન આજે જે ઝડપે ઘટી રહ્યું છે એવા ડિજિટલના આ યુગમાં QR Code જેવી આધુનિક ટેક્નિક આ પુસ્તકમાં વાપરવાની જે સૂઝ અમૃત ગંગરે વાપરી છે એને તમારે દાદ દેવી જ પડે.  અનેક વર્ષોની સતત જબરી જહેમત પછી તૈયાર થયેલું અમૃત ગંગરનું ‘દ્રષ્ટિ ભીતરની..સત્યજિત રાયનું કલાવિશ્વ’ પુસ્તક ‘ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર’ દ્વારા પ્રકાશિત થયું છે. (મૂલ્ય : 580/-).
આવતા અંકે જરૂર વાંચો…
આ ગ્રંથ જેવું પુસ્તક તૈયાર કરવા પાછળની કેટલીક વાત ખરેખર જાણવા જેવી છે. એ વિશે પ્રશ્નોત્તરીરૂપે થયેલી અમૃત ગંગરની વિશેષ મુલાકાત વાંચો આવતા અંકે.

Most Popular

To Top