Gujarat Election - 2022

અનુરાગ ઠાકુર: એક એવા નેતા જે 6 વાર સુરત આવ્યા છતાં ‘લોચો’ ચાખ્યો નથી!

અનુરાગ ઠાકુર અત્યાર સુધીમાં છ-છ વાર સૂરત આવી ગયા છે પણ, હજુ સુધી એમણે સૂરતનો લોચો ખાવાનું તો બાજુએ પરંતુ, ‘લોચો’ એવું નામ પણ સાંભળ્યું નથી. હમણાં એમની સૂરતની મુલાકાત દરમ્યાન મેં એમને પૂછ્યું કે, તમે સૂરત આવો છો તો ‘લોચો’ શું તે ખબર છે ?…હજુ સુધી કોઈએ તમને ખવડાવ્યો જ નહિ ? કારમાં અમારી જોડે ડ્રાઈવર ઉપરાંત, સૂરતનાં મેયર હેમાલિબહેન પણ હતાં ! હેમાલિબહેન અનુરાગ ઠાકુરની બાજુમાં બેઠાં હતા, એમણે કહ્યું કે હમ ખિલાયેંગે અબ !!! આમ તો, તેઓ ખાવા-પીવાના શોખીન નથી પણ, મેં એમને એમ પણ પૂછ્યું કે તમે પ્યોર વેજ છો કે મિક્ષ્ડ ? તો, પૂરી તાકાત સાથે કહેવા લાગ્યા કે…મૈ પ્યોર નોન-વેજ હૂં !

હિમાચલ પ્રદેશના એક સમયના સીએમ પ્રેમ કુમાર ધુમલ. આપણે વાતચીતમાં એમની અટક ધુમિલ બોલી દઈએ તો તરત જ અનુરાગ આપણને ટોકે અને કહે કે, ધુમિલ નહીં-ધુમલ હૈ ! એ પ્રેમ કુમાર ધુમલનાં બે દીકરાઓ પૈકી નાનો દીકરો તે અનુરાગ. એમનો મોટો દીકરો અરુણ હાલમાં જ આઈપીએલનો ચેરમેન બન્યો છે. અનુરાગ પિતાની પાછળ-પાછળ રાજકારણમાં ચાલતા રહ્યા…એમને પૂછીએ કે, તમારો આદર્શ નેતા-પ્રિય નેતા કોણ ? તો, જવાબ આપે: ‘મેરે પિતા પ્રેમ કુમાર ધુમલ’

અનુરાગના પિતા પ્રેમ કુમાર ધુમલ ૨૦૧૭માં હિમાચલની ચૂંટણીમાં ઊભા રહેલા અને ભાજપાએ એમને જ સીએમ તરીકે જાહેર પણ કરી દીધેલા પણ, હાય રે તકદીર !! હાય રે હિમાચલની જનતા ! મતગણતરીમાં પ્રેમ કુમાર પરાજિત ઉમેદવાર તરીકે પ્રતિષ્ઠિત થયા અને, બબ્બે વાર સીએમની જે ખુરશી રમતાં રમતાં મેળવી લીધેલી તે ૨૦૧૭માં દૂર ખસી ગઈ. અનુરાગના પિતાની અટક ધુમલ પણ, અનુરાગે પિતાની એ અટક છોડી દઈ ‘ઠાકુર’ અટક અપનાવી છે…ઠાકુર અટક તેમના સાસરાની અટક છે. શેફાલી ઠાકુર એટલે, હિમાચલના એક સમયના મંત્રી ગુલાબ સિંહ ઠાકુરની પુત્રી. અનુરાગ ઠાકુરનો પ્રિય અભિનેતા કોઈ નહિ અને, કદાચ પ્રિય અભિનેત્રી પણ કોઈ નહિ.

અનુરાગ ઠાકુર કોઈ ફિલ્મી હીરો નથી તેમ, મહાન ક્રિકેટર પણ નથી.તો પણ, હિમાચલ લો કે ઉત્તર પ્રદેશ લો કે આ આપણું ગુજરાત લો…ચૂંટણીની સભાઓમાં અનુરાગ આવવાના હોય તો ભીડ દોઢ ગણી રહેવાની અચૂક ખાતરી આપી શકાય. તમે ભલે ગમે તે સમજો પણ, પ્રજા અનુરાગની અંદર કોઈ ક્રિકેટર કે દેશનેતા કે ફૌજી નહિ પણ, યંગ-યંગ મસ્ત મસ્ત “હીરો” જ ખોજી રહી છે !  મેં એમને પૂછેલું કે, તમે નેતા પણ નહિ બની શક્યા હોત અને ક્રિકેટર પણ નહિ બની શક્યા હોત તો તમે જીવનમાં શું હોત ? તો, પળના ય વિલંબ વગર કહેવા લાગ્યા કે “ફૌજી” !  અનુરાગ ઠાકુરને તમે આજકાલ ગુજરાત વિધાન સભાની ચૂંટણી ટાણે વિવિધ રેલીઓ-સભાઓમાં પ્રત્યક્ષ અથવા ટીવી પર જોઈ રહ્યા હશો…તે કહે છે કે, ગુજરાત આજે રમખાણ-મુક્ત છે તે નરેન્દ્ર મોદીને આભારી છે !  અનુરાગ ઠાકુર એક સમયે બીસીસીઆઈના અધ્યક્ષ પણ હતા એ તો ખ્યાલ છે જ ને તમને ?

તમે કદાચ એ વાત ભૂલી ગયા હશો કે…સુપ્રીમ કોર્ટના એક ચૂકાદાએ અનુરાગને બીસીસીઆઈના અધ્યક્ષપદેથી દૂર કરી દીધેલા ! એ ચીફ જસ્ટીસ પણ ઠાકુર જ હતા !! અને, ત્યારે દેશના તેમજ દેશ બહારનાં અનેક અખબારોએ “અનુરાગ ઠાકુર ક્લીન બોલ્ડ !” એવા મથાળા હેઠળ સમાચારો છાપ્યા હતા… અનુરાગને મેં પૂછ્યું કે તમને બોલિંગ વધુ ગમે કે બેટિંગ ? તો જવાબમાં કહે, બેટિંગ !! મારે આ સવાલ એટલા માટે પૂછવો પડ્યો હતો કે, થોડાક દિવસો પહેલાં કોઈ અલગ હેતુથી અલગ જગાએ મેં એમને બાસ્કેટ-બોલ રમતાં પણ જોયેલા!

Most Popular

To Top