Dakshin Gujarat

અંકલેશ્વર GIDCમાં ગોડાઉનમાંથી વિદેશી દારૂ મળી આવ્યો, કંબોડિયાનો કુખ્યાત બુટલેગર વોન્ટેડ

ભરૂચ, અંકલેશ્વર: (Bharuch) અંકલેશ્વર GIDCમાં આવેલા એક ગોડાઉનમાંથી ભરૂચ LCB પોલીસે રૂ.૧૯.૨૩ લાખનો વિદેશી દારૂનો (Alcohol) મસમોટો જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે કંબોડિયાના કુખ્યાત બુટલેગર (Bootlegger) સહિત બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે વિદેશી દારૂ અને ટેમ્પો મળી કુલ રૂ.૩૪.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  • અંકલેશ્વર GIDCમાં ગોડાઉનમાંથી રૂ.૧૯.૨૩ લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
  • કંબોડિયાના કુખ્યાત બુટલેગર સહિત બે વોન્ટેડ, દારૂ અને ટેમ્પો મળી રૂ.૩૪.૨૩ લાખનો મુદ્દામાલ કબજે

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત કેટલાંક ગોડાઉનો ગેરકાયદે દારૂ સંતાડવાનું આશ્રયસ્થાન બની ગઈ હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. કુખ્યાત બુટલેગરો ગોડાઉનો ભાડે રાખીને વિદેશી દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરતા હોય છે. ત્યારે ભરૂચ LCB પોલીસની ટીમને અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન નેત્રંગ-કંબોડિયાના કુખ્યાત બુટલેગર અશોક કેશરીમલ માલી તથા લખીરામ ગીરીરાજ ગૌતમે વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી અંકલેશ્વર જીઆઇડીસીમાં ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલા પ્લોટ નં.૪૫૦૪ ખાતે ગોડાઉનમાં કટિંગ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી માહિતી મળી હતી. જે માહિતીના આધારે LCB પોલીસે ગોડાઉનમાં દરોડા પાડતાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો ગોડાઉન ઝડપી પાડ્યો હતો.

પોલીસે ગોડાઉન તથા આઇસર ટેમ્પોમાંથી રૂ.૧૯.૨૩ લાખનો વિદેશી દારૂનો જથ્થો તેમજ ૧૫ લાખનો ટેમ્પો નં.(MH-૦૫,EL-૬૦૧૨) મળી કુલ રૂ.૩૪.૨૩ લાખનો મુદ્દામાલ કબજે કરીને રામદાસ રમણભાઈ વસાવા (રહે.,પ્લોટ નં-૪૫૦૪, ક્રિસ્ટલ છોકરી પાસે, GIDC અંકલેશ્વર, મૂળ રહે., ખાડી ફળિયું, ચોટલિયા, તા.વાલિયા, જિ.ભરૂચ)ની ધરપકડ કરી હતી. જ્યારે કંબોડિયાનો કુખ્યાત બુટલેગર અશોક માલી અને લખીરામ ગીરીરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કર્યો હતો. GIDC અંકલેશ્વર પોલીસમથકમાં ગુનો નોંધીને વોન્ટેડ બે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

Most Popular

To Top