National

આંધ્રપ્રદેશના કોનાસીમા જિલ્લાનું નામ બદલવા ઉપર મંત્રી અને ધારાસભ્યના ઘર ફૂંકાયા

આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના (Andhrapradesh) કોનાસીમા જિલ્લાનું નામ બદલીને ડૉ. બી.આર. આંબેડકર રાખવામાં આવતા વાતાવરણ ગંભીર બન્યું હતું. સ્થિતિ એટલી હદે બગડી કે વિરોધીઓએ અમલાપુરમમાં મંત્રીના ઘરને આગ લગાડી દીધી હતી. આ ઉપરાંત વિરોધીઓએ ધારાસભ્યનું (MLA) ઘર પણ સળગાવી દીધું હતું. આ ઘટનામાં અનેક પોલીસકર્મીઓ (Police) ઘાયલ થયા હતા. પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસના વાહન તેમજ એક ખાનગી બસને (Bus) આગ ચાંપી હતી.

મળતી માહિતી મુજબ આંધ્ર પ્રદેશમાં ચાર એપ્રિલે પૂર્વી ગોદાવરી જિલ્લાથી અલગ કરી કોનાસીમા જિલ્લાની રચના કરવામાં આવી હતી. ત્યાર પછી પાછલા અઠવાડિયે સરકારે કોનાસીમા જિલ્લાનું નામ બદલી ડો.બી.આર આંબેડકર કરવાનું પ્રારંભિક નોટિફિકેશન જાહેર કર્યું હતું તેમજ જે લોકોને આ અંગે કોઈ તકલીફ હોય તો તેની જાણ કરવા કહ્યું હતું. સરકારના નોટિફિકેશન બાદ કોનાસીમા સાધના સમિતિએ નામ બદલવાનો પ્રસ્તાવ પર વિરોધ નોંધાવ્યો અને જિલ્લાનું નામ કોનાસીમા જ યથાવત રાખવાની માંગ કરી હતી. આ માટે તેઓએ મંગળવારે ચલો કોણાસીમા માર્ચ કાઢી હતી. આ કૂચમાં સાધના સમિતિના સભ્યોએ હાજરી આપી હતી. કૂચ દરમ્યાન તેઓની પોલીસ સાથે અથડામણ થઈ હતી. આ અથડામણમાં પોલીસ અને દેખાવકારો બંને પક્ષના લોકો ઘાયલ થયા હતા. કોનાસીમા જિલ્લાનું નામ બદલીને આંબેડકર જિલ્લા કરવા સામેની વિરોધ રેલીને પોલીસે અચાનક અટકાવી દીધી હતી, જેના કારણે આ હિંસા થઈ હતી. અમલાપુરમમાં વિરોધીઓએ મંત્રીના ઘરને આગ ચાંપી દીધી હતી. આ દરમિયાન તેઓના પરિવારના સભ્યો ઘરની બહાર નીકળી ગયા હતા. જેના કારણે કોઈ જાનહાની થયાની માહિતી મળી આવી નથી.

કોનાસીમા જિલ્લાનું નામ બદલીને આંબેડકર જિલ્લો રાખવાથી પ્રદેશમાં તણાવભર્યો માહોલ સર્જાયો છે. અમલાપુરમમાં ઘંટાઘર કેન્દ્ર, મુમ્મીદીવરમ ગેટ અને અન્ય સ્થળોએ કોનાસીમા જિલ્લા સાધના સમિતિના નેજા હેઠળ સેંકડો લોકોએ આંદોલન કર્યું હતું. અમલાપુરમ વિસ્તારની હોસ્પિટલમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસ અને યુવાનો ઘાયલ થયા હતા. જિલ્લા એસપી ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે તેઓ હાલ સલામત હોવાની જાણકારી મળી રહી છે.

રાજ્યના ગૃહમંત્રી તનેતી વનિતાએ જિલ્લામાં ફાટી નીકળેલી હિંસાના કિસ્સામાં રાજકીય પક્ષો પર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો અને અસામાજિક તત્વોએ મળીને હિંસા ભડકાવી છે. કમનસીબે છે કે આ ઘટનામાં લગભગ 20 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.

Most Popular

To Top