Gujarat Main

એમેઝોને કેન્દ્રની ભાજપ સરકારને 8546 કરોડની ”લીગલ ફી” ચૂકવી: દિગ્વિજયસિંહ

અમદાવાદ: (Ahmedabad) નાના દુકાનદાર અને વ્યાપારી વિરોધી ભાજપ સરકારની (BJP Government) માનિતા ઉદ્યોગપતિઓને મદદ કરવાની નીતિ-રીતિઓ પર આકરા પ્રહાર કરતાં કોંગ્રેસના દિગ્ગજ નેતા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે, જી.એસ.ટી., આધાર, મનરેગા અને એફ.ડી.આઈ.નો વિરોધ કરતી ભાજપ સરકાર સત્તા મેળવ્યા પછી અણઘડ જી.એસ.ટી., અને ૧૦૦ ટકા એફ.ડી.આઈ. દ્વારા દેશના કરોડો દુકાનદારો, નાના ઉદ્યોગકારો અને યુવાનોની નોકરી ખતમ કરી છે. વૈશ્વિક ઈ-કોમર્સ કંપની ”એમેઝોન”ને (Amazon) દેશમાં લાલઝાઝમ દ્વારા પગપેસારાથી દેશના નાના દુકાનદારો, રીટેલરો અને વેપારીઓના ધંધા – રોજગાર પર મોટી અસર થશે.

તેમણે અમદાવાદમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, માનીતા ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયા ફાયદા કરાવવા, વેપારમાં અમુક ચોક્કસ ઉદ્યોગપતિઓની મોનોપોલી માટે મદદ કરતી ભાજપ સરકારના શાસનમાં વૈશ્વિક ઈ-કોમર્સ કંપની એમેઝોન દ્વારા કેન્દ્રની ભાજપ સરકારને ૮૫૪૬ કરોડ રૂપિયા ”લીગલ ફી” પેટે આપવામાં આવ્યા છે. દેશ જાણવા માંગે છે કે, કાયદો અને ન્યાય મંત્રાલયનું વાર્ષિક બજેટ ૧૧૦૦ કરોડ છે ત્યારે છેલ્લા બે વર્ષમાં એમેઝોન દ્વારા ૮૫૪૬ કરોડ રૂપિયા ભાજપ સરકારને ક્યા અધિકારી કે મંત્રીને આ રકમ લાંચ સ્વરૂપે મેળવી ? નાના વેપારી, દુકાનદારો અને મધ્યમવર્ગના ઉદ્યોગ સાહસિકોની પરવાહ કર્યા વગર કેન્દ્રની ભાજપ સરકારે કયા નિયમોની ફેરબદલી કરી વૈશ્વિક ઈ-કોમર્સ કંપની એમેઝોન દ્વારા કરોડો રૂપિયાની લાંચ લેવામાં આવી ? એમેઝોન કંપની વિરૂદ્ધ ભ્રષ્ટાચાર પ્રતિબંધક ધરા અન્વયે લાંચ લેવા અને આપવા અંગે અમેરિકામાં ગુન્હાહિત કામગીરીની તપાસ ચાલુ કરવામાં આવી છે તો પછી કેમ ભાજપ સરકાર લાંચ – રૂશ્વતની તપાસ કરવા અંગે મૌન છે ? તેના લાભાર્થી કોણ ?

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ”વર્ષ ૨૦૧૪ના ઈલેક્શનમાં વિદેશીઓને દેશ વેચી રહ્યાં છે” જેવા આક્ષેપો કરતી ભાજપ સરકાર સત્તામાં આવ્યા બાદ ૧૦૦ ટકા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ થકી કરોડો વેપારીઓ, ઉદ્યોગ સાહસિકો અને નાના એકમ ચલાવતા યુવાનોની રોજગારી છીનવવાનું કામ કરી રહી છે. વ્યાપારી વિરોધી, ઉદ્યોગ વિરોધી અને યુવાન વિરોધી ભાજપ સરકારના શાસનમાં થયેલા કરોડો રૂપિયાના લાંચ – રૂશ્વત અંગે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં તપાસની માંગ કરતા આટલા મોટા પાયે, કરોડો રૂપિયાની થયેલ લાંચ-રીશ્વત અંગે સુપ્રિમકોર્ટના જજ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે.

Most Popular

To Top