Entertainment

અક્ષયકુમારની ફિલ્મ સામે ફરી જોખમ ઊભું થયું છે!

અક્ષયકુમારની ‘પૃથ્વીરાજ’ સામે ૩ જૂને દક્ષિણના અભિનેતા અદિવિ શેષની ‘મેજર’ ની જાહેરાત પછી એમ કહેવામાં આવી રહ્યું છે કે અદિવિની ફિલ્મ વધુ સફળ રહી શકે છે. તેનું મુખ્ય કારણ એ છે કે બંને ફિલ્મોના ટ્રેલર રજૂ થયા પછી મેજરની ભૂમિકા માટે અદિવિ વધુ પ્રશંસા મેળવી રહ્યો છે. જ્યારે અક્ષયકુમાર પૃથ્વીરાજ તરીકે બહુ પ્રભાવ પાડી શક્યો ન હોવાનો મત વ્યક્ત થયો છે. અક્ષયકુમારે ઐતિહાસિક પાત્ર માટે જે મહેનત કરવી જોઇએ એ કરી ન હોવાનું દેખાય છે. તેની સંવાદ અદાયગી અને વ્યક્તિત્વ પૃથ્વીરાજ જેવું લાગતું નથી. અદિવિ પડદા પર જાણે મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન જ લાગે છે. અક્ષયકુમારે પૃથ્વીરાજના જીવનનો ગહન અભ્યાસ કર્યો હતો એવું ક્યાંય કહ્યું નથી.

જ્યારે અદિવિએ પોતાની ભૂમિકા ભજવતા પહેલાં સંદીપનાં માતા-પિતા સાથે સાત વખત બેઠક કરી હતી. અક્ષયકુમાર એના પાત્રને જીવંત કરતો લાગતો નથી. ‘પૃથ્વીરાજ’ ને નાના પડદે સીરિયલમાં જેમણે જોયા છે એમને અક્ષયકુમાર યોગ્ય લાગ્યો નથી. અક્ષયકુમાર એક સાથે અનેક ફિલ્મો કરતો હોવાથી આવી ખાસ ભૂમિકાઓ માટે પણ વધુ સમય ફાળવી શકતો ન હોવાનું સાબિત થયું છે. ઐતિહાસિક પાત્ર પૃથ્વીરાજને અન્ય ભૂમિકાઓની જેમ જ સામાન્ય રીતે ભજવી છે. એ વાતની ટીકા ‘મેજર’ ના ટ્રેલર પહેલાંથી જ શરૂ થઇ ગઇ હતી. અદિવિની ‘મેજર’ નું ટ્રેલર ‘પૃથ્વીરાજ’ ની સામે બધી રીતે ચઢિયાતું સાબિત થયું છે. અભિનેતા મહેશ બાબુએ પહેલી વખત પેન ઇન્ડિયા માટે ફિલ્મનું નિર્માણ કર્યું છે અને પૂરતો ખર્ચ કર્યો છે. ફિલ્મને હિન્દી અને તેલુગુમાં બનાવવામાં આવી છે.

જ્યારે અન્ય ભાષાઓમાં ડબ કરી છે. ‘મેજર’ ના ટ્રેલરના એક-એક દ્રશ્ય અને ઊંડા અર્થવાળા સંવાદ રુંવાડા ઊભા કરી દે એવા છે. ત્રણ કલાકની ફિલ્મમાં દર્શકો જેટલા ઇમોશનનો અનુભવ કરતા હોતા નથી એનાથી અનેકગણો નિર્દેશક શશીકિરણ ટિક્કાની ‘મેજર’ ના ત્રણ મિનિટના ટ્રેલરમાં કરે છે. બાયોપિક બનાવવાનું પડકારભર્યું કામ કરવામાં તે સફળ થતા દેખાય છે. મહેશ બાબુએ હમણાં એમ કહીને બોલિવૂડને આંચકો આપ્યો હતો કે તેની સાથે ફિલ્મ બનાવવાની હિન્દી ફિલ્મોના નિર્માતાઓની શક્તિ નથી. મહેશ બાબુએ અદિવિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો એ ટ્રેલરમાં તો સાચો સાબિત થાય છે. તેના ચહેરા પર સંવાદ જેટલા બોલકા ભાવ છે અને મેજર સંદીપના જીવન પર આધારિત અને મુંબઇની 26/11 ની ઘટનાને આવરી લેતી દેશભક્તિના વિષયની ફિલ્મ હોવાથી અક્ષયકુમારને બોક્સ ઓફિસ પર સ્પર્ધા પૂરી પાડશે. અક્ષયકુમારની ‘બચ્ચન પાંડે’ સામે રજૂ થયેલી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અનેક રેકોર્ડ બનાવી ગઇ હતી. આ વખતે ‘પૃથ્વીરાજ’ સામે એ કામ ‘મેજર’ કરે એવી શક્યતા છે.

Most Popular

To Top