Gujarat

અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનું 14 ડિસેમ્બરે વડાપ્રધાન ઉદ્ધઘાટન કરશે

ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) એસપી રીંગ રોડ ઉપર ભાડજ નજીક 600 એકરના વિશાળ ભૂમિ ઉપર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એક ભવ્ય પ્રમુખસ્વામી નગરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય મહોત્સવનું 14મી ડિસેમ્બરના રોજ સાંજે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ એક મહિના દરમિયાન પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. પ્રમુખસ્વામી મહારાજ નગર મહોત્સવના સ્થળ ઉપર સાત પ્રવેશદ્વારો ઊભા કરવામાં આવ્યા છે .જે પૈકી મુખ્ય પ્રવેશ દ્વાર સંતદ્વાર તરીકે તૈયાર કરાયો છે. આ પ્રવેશ દ્વાર 14 મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી દ્વારા ખુલ્લો મુકાશે. 15મી ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દેશ દુનિયાના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઇન્ટરનેશનલ કન્વેન્શન ફોર બેટર લિવિંગનો પ્રારંભ કરાવશે.

બીએપીએસ સંસ્થાના મહંત અક્ષરવત્સલ્ય સ્વામીએ મહોત્સવ અંગે જણાવ્યું હતું કે 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી એક મહિના દરમિયાન પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિવિધ ધાર્મિક, આધ્યાત્મિક, શૈક્ષણિક, સામાજિક, આર્થિક, પારિવારિક, ગુરુભક્તિ, સમરસતા, વ્યસન મુક્તિ, યુવા સંસ્કાર, બાળ સંસ્કાર જેવા વિષયો ઉપર સત્સંગ અને જ્ઞાન ગોષ્ઠી કરવામાં આવશે. આ ઉપરાંત મનોરંજન અને જ્ઞાન વર્ધક બાળનગરી નયન રમ્ય અને રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, લાઈટ એન્ડ સાઉન્ડ શો, ગ્લો ગાર્ડન જેવા અનેક આકર્ષણો ઊભા કરાયા છે.

એક મહિના સુધી બપોરે બે થી ચાર દરમિયાન નારી ઉત્કર્ષના વિવિધ કાર્યક્રમો યોજાશે .જ્યારે સાંજે 5 થી 7 દરમિયાન નારાયણ સભા ગૃહમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિષયો ઉપર સંવાદ અને ગોષ્ટિ યોજાશે. પ્રમુખસ્વામી નગરમાં ઊભી કરાયેલી દરેક કલાકૃતિ અને સાંસ્કૃતિક ઝાંખીઓમાં કંઈકને કંઈક સંદેશ અને પ્રેરણા જોવા મળશે. આખાયે આ નગરમાં જે કલા સંસ્કૃતિઓ તૈયાર કરાઈ છે. તેમાં દર્શનાર્થીઓને નવીનતમ ઉર્જા અને પ્રેરણાનો અનુભવ થશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં સતત એક મહિના સુધી ગીત, સંગીત, નૃત્ય અને દેશ અને દુનિયાના સંતો મહંતો મહાનુભાવોના વ્યાખ્યાનો વગેરેનો લાભ ભક્તજનો મેળવી શકશે.

Most Popular

To Top