Charchapatra

આગના બનાવો અને સુરક્ષાનો અભાવ

આજકાલ અખબારોનાં પાનાં ઉથલાવતાં કોઈ ને કોઈ પેજ ઉપર આગના બનાવો બનવાના સમાચાર અચૂક વાંચવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી તો મોટી મોટી ઈન્ડસ્ટ્રીઝમાં આગની ઝાઝી હોનારતો સર્જાયાના સમાચાર બહોળા પ્રમાણમાં વાંચવા મળેલ છે.ઘણી વખત તો આગ લાગવાનાં સાચાં કારણો બહાર આવતાં નથી અને કેટલીક વખત કંપનીના માલિકો અને અધિકારીઓ જાણીબૂઝીને આગ લાગવાનાં સાચાં કારણો દબાવે છે.પરંતુ આગ લાગવાનાં ઘણાં બધાં કારણો હોય  છે, જેવાં કે સુરક્ષાનાં સાધનોનો અભાવ, જૂના અને આઉટડેટેડ મશીનો, મશીનરીની સમયાંતરે મરામતનો અભાવ, કામદારોનો વધુ પડતો આત્મવિશ્વાસ, કામદારોની ગફલત કે બેદરકારી, કામના સમયે બેધ્યાનપણું, મોબાઇલ ઉપર બિનજરૂરી વાતચીત કરવી, જરૂર કરતાં વધારે ટેમ્પરેચર ઊંચુ થઈ જવું તો ક્યારેક માલિકોની આડોડાઈ, જરૂરી ખર્ચ કરવામાં કંજૂસાઈ વિગેરે.

આવાં જુદાં જુદાં કારણોસર આગ લાગવાના બનાવો બને છે. આકસ્મિક આગ લાગવાને કારણે કામદારોએ પોતાની જિંદગીથી હાથ ધોવા પડે છે અથવા તો ખરાબ રીતે દાઝી જવાના કે શારીરિક ખોડખાંપણ કે વિકલાંગતા થવાના સંજોગો ઊભા થાય છે. આગ જેવા બનાવોને કારણે કારખાનેદારોને પણ ખોટ સહન કરવાનો વારો આવે છે.કારણ કે, કંપનીમાં હોનારત થાય તેથી સરકારી અમલદારો અને પોલીસ પાર્ટી એકદમ એક્શનમાં આવી જાય છે અને તપાસ અને ચેકિંગના બહાને કારખાનેદારો પાસેથી મ્હોં માંગી રકમ વસૂલ કરે છે, તો બીજી તરફ કામદારોનાં પરિવારજનોને પણ યોગ્ય વળતર ચૂકવવું પડે છે.આમ એક નાનકડી ગફલત કે બેદરકારી કે ભૂલને કારણે બંને પક્ષોને શોષવાનું થાય છે.

આગ લાગવાના બનાવોને રોકવા માટે કામદારોએ જાગૃત થવાની તાતી જરૂર છે. સુરક્ષાનાં સાધનો પહેરીને જ કામ કરવાનો આગ્રહ રાખવો જોઇએ. કામના સમયે બેદરકારી કે બિનજરૂરી વાતચીત કરવાનું ટાળવું જોઇએ.માત્રને માત્ર પોતાના કામ તથા પોતાના મશીન ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કારખાનેદારોએ પણ કામદારોના હિતમાં સુરક્ષાનાં સાધનો વસાવવાં જોઈએ, મશીનોની સમયાંતરે મરામત કરાવવી જોઈએ.કામદારોનું અમૂલ્ય જીવન દાવ ઉપર ન લાગે  એ જોવાની માલિકોની જવાબદારી અને ફરજ છે.કારખાનામાં અગ્નિશામકો કે અન્ય પ્રકારના રિસોર્સીસ ઉપલબ્ધ હોય તે વસાવવાં જોઈએ. જેમ એક હાથે તાળી પાડવી શક્ય નથી એ ન્યાયે કામદારો અને કારખાનેદારો બન્ને એકબીજાના સહિયારા પ્રયાસથી આગ લાગવાના બનાવોને રોકી શકે છે.
હાલોલ   – યોગેશ જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top