SURAT

બે વર્ષ બાદ સુરતીઓનો ફરવાનો શોખ હવે થશે પૂરો, કાશ્મીરથી નોર્વે સુધી પેકેજ ફૂલ

સુરત: કોવિડ-19 કોરોના સંક્રમણના બે વર્ષ સૌથી કપરા રહ્યાં પછી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી(Tours & Travels Industry) માટે 2022 નું ઉનાળુ વેકેશન(Summer vacation) બ્લાસ્ટિંગ મોડ પર જોવા મળ્યું છે. સુરતીઓ સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓએ નોર્થ(North) અને નોર્થ-ઇસ્ટ(North-East)ના રાજ્યોના પ્રવાસન સ્થળો(Tourist destinations) પર ધસારો કરી રહ્યાં છે. ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ પાન ઇન્ડિયા(Travel Agents Association of Pan India)ના પ્રમુખ વિનેશ શાહ કહે છે કે,કાશ્મીરમાં નોરૂમની સ્થિતિ સર્જાઈ છે. અહીં જુલાઈ સુધીનું પેકેજ બુક થઈ ગયું છે. એ ઉપરાંત લેહ-લદાખ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ચારધામ યાત્રાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યોં છે. સેવન સિસ્ટર સ્ટેટમાં સિક્કિમ જવાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યોં છે.

  • કોરોનાના બે વર્ષ પછી ઉનાળુ વેકેશનમાં પ્રવાસ માટે સુરતીઓનો ધસારો
  • કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, ચાર ધામયાત્રા હોટ ફેવરીટ
  • વિદેશમાં થાઈલેન્ડ, સિંગાપોર ઓલટાઇમ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું
  • બેંગકોક, પટાયા, કોહસમોઇ, કાબ્રિ, ફુકેટ નજીકના આઇલેન્ડ સુરતીઓમાં લોકપ્રિય પ્રવાસન કેન્દ્ર બન્યા

ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનમાં થાઈલેન્ડ, સિંગાપોર ઓલટાઇમ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. બેંગકોક, પટ્ટાયા, કોહસમોઇ, ફિફી આઇલેન્ડ ,કાબ્રિ, ફુકેટ નજીકના આઇલેન્ડ સુરતીઓમાં લોકપ્રિય પ્રવાસન કેન્દ્રો બન્યા છે. દુબઇ અને બાલી પણ પ્રવાસન માટે ઓપન છે. શાહ કહે છે કે કોરોનાનાં બે વર્ષ દરમ્યાન સુરતીઓ અંકુશોને લીધે હરીફરી શક્યા ન હતા. હવે આ અકુંશો ઉઠી જવા સાથે વેપાર – ઉદ્યોગ પણ ધમધમતા થતાં લોકો પાસે એક્સેસ મનીની સુવિધા ઊભી થઈ છે. એનો ઉપયોગ લોકો પોતાના પરિવારને ફેરવવા કરી રહ્યાં છે.

યુરોપના આ ડેસ્ટિનેશન ગુજરાતીઓના ફેવરિટ બની રહ્યાં છે
ટ્રાવેલિંગ ઇન્ડસ્ટ્રીના જાણકારો કહે છે કે, જે ગુજરાતી પરિવારો પાસે વધુ નાણાંની સવલત છે. તેઓ scandinavian કન્ટ્રી જેવા કે, નોર્વે, ફિનલેન્ડ અને આઇલેન્ડનો પ્રવાસ કરી રહ્યાં છે. અહીં આકાશમાં નોર્ધન લાઇટ્સનો રંગબેરંગી નઝારો જોવા ક્રેઝી બન્યા છે. વિનેશ શાહ કહે છે કે નોર્વેમાં રાતે 12 વાગ્યે પણ સૂર્ય જોઈ શકાય છે. સ્વીડન પણ નવા ડેસ્ટિનેશન તરીકે ઉમેરાયું છે પરંતુ લોકો હજી રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ડરી રહ્યાં છે. યુરોપમાં રોમથી પેરિસ, નેધરલેન્ડ, બુડાપેસ્ટ, ઓસ્ટ્રીયા, ચેક રિપબ્લિક, હંગેરી સુરતીઓ સાથે ગુજરાતીઓના ફેવરિટ બની રહ્યાં છે. કોરોનાને લીધે ઠપ્પ થયેલી ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ફરી બેઠી થઇ રહી છે.

આર્થિક કટોકટીને લીધે ટૂર ઓપરેટર શ્રીલંકાના બુકીંગ લેતા નથી
શ્રીલંકન સરકારે નાદારી નોંધાવતા આર્થિક કટોકટીને લીધે ટૂર ઓપરેટર શ્રીલંકાના કોલંબો પ્રવાસનું બુકિંગ ટાળી રહ્યાં છે. ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સાઉથ ગુજરાત ચેપ્ટરના પ્રમુખ માલકમ પંડોળ કહે છે કે, શ્રીલંકાની રાજકીય અને આર્થિક કટોકટીને લીધે ટ્રાવેલ એજન્ટ કોલંબો સહિતના ડેસ્ટિનેશનનું બુકિંગ લઈ રહ્યાં નથી. સરકારની એડવાઇઝરી પણ ત્યાંનો પ્રવાસ ટાળવાની છે. ટ્રાઈના 600 પ્રતિનિધિ કન્વેનશનમાં ભાગ લેવા જવાના હતાં પણ સરકારની સૂચના મળતાં આ ટુર રદ કરી દેવામાં આવી હતી.

ડોમેસ્ટિક લેવલે સારો પ્રતિસાદ છે, યુરોપમાં વિઝાની એપોઇન્ટમેન્ટ મળી રહી નથી : આનંદ શાહ
રાઈઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ પ્રા.લિ. ના આનંદ શાહ કહે છે કે, આ વર્ષે સમર વેકેશનમાં નોર્થ ઇન્ડિયા અને નોર્થ-ઇસ્ટમાં ડોમેસ્ટિક ટુરિઝમની સારી ડિમાન્ડ છે. કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ,ગેંગટોક, દાર્જિલિંગ, ચાર ધામ યાત્રા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જઈ રહ્યાં છે. થાઈલેન્ડ અને દુબઇ એવરગ્રીન ડેસ્ટિનેશન છે. યુદ્ધને લીધે રશિયા અને તેની આસપાસના દેશોના પ્રવાસન કેન્દ્રોને વ્યાપક નુકશાન થશે. અહીં પ્રવાસીઓની ઇન્કવાયરી પણ નથી. યુરોપના દેશો માટે મોટી સમસ્યા વિઝાની એપોઇન્ટમેન્ટની છે. ગુજરાતીઓ અહીં જવા માંગે છે પણ વિઝા મળી રહ્યાં નથી. અહીં કોરોનાનો ભય હજી વ્યાપેલો જોવા મળી રહ્યો છે. એશિયામાં બેંગકોક, સિંગાપોર માટે પણ સારી ઇન્કવાયરીઓ મળી છે.

ડોમેસ્ટિક ટુરિઝમમાં ક્રુઝનો ક્રેઝ વધ્યો
આનંદ શાહ કહે છે કે, ડોમેસ્ટિક ટુરિઝમમાં ક્રુઝનો ક્રેઝ પણ વધ્યો છે. મુંબઈથી કોચીન, કોચીનથી લક્ષદ્વિપ અને લક્ષદ્વિપથી મુંબઇ સમરમાં ફરવાનો લહાવો અનેરો હોય છે. ક્રુઝ માટે પણ સુરતીઓ અને ગુજરાતીઓ ક્રેઝી જણાઈ રહ્યાં છે.

2020 કરતાં 2022 માં ટુરિઝમ પેકેજ 15 ટકા મોંઘા થયાં છતાં સુરતીઓ ફરવા જઈ રહ્યાં છે: માલકમ પંડોળ
ટ્રાઈના સાઉથ ગુજરાત ચેપ્ટરના પ્રમુખ માલકમ પંડોળ કહે છે કે, 2020 કરતાં 2022માં ટુરિઝમ પેકેજ 15 ટકા મોંઘા થયાં છતાં સુરતીઓ ફરવા જઈ રહ્યાં છે. કાશ્મીર, હિમાચલ, દાર્જિલિંગ, સિક્કિમ અને ચારધામ યાત્રાની ખૂબ ડિમાન્ડ છે. થાઈલેન્ડ, સિંગાપોરની પણ ડિમાન્ડ છે એટલે અહીંના પેકેજ 15 ટકા મોંઘા થયા છે. દુબઇ, બાલી, માલદિવ માટે પણ બુકિંગ ચાલી રહ્યાં છે. અહીં પેકેજના ભાવો કોઈ ખાસ વધ્યા નથી. ડોમેસ્ટિકમાં ગોવા અને કેરળ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. વરસાદ પડશે તો આ બે ડેસ્ટિનેશન પણ ઊંચકાશે.

Most Popular

To Top