SURAT

ક્યાં છે સ્વચ્છતા ? : સુરતના આ વિસ્તારની હાલત તો ‘નર્ક’ જેવી, ગંદકીના ઢગલા વચ્ચે જીવે છે લોકો..

સુરત(Surat) : એક બાજુ સુરત સ્વચ્છતા સરવેમાં સતત બે વર્ષથી દેશમાં બીજો નંબર લાવી રહ્યું છે. આ વખતે તો પ્રથમ નંબરે આવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. પરંતુ વાસ્તિવકતા એ છે કે માત્ર કાગળ પર ઘોડા દોડાવીને નંબર ગેમમાં આગળ સુરતના ઘણા વિસ્તારો એવા છે જેની સ્થિતિ સાક્ષાત ‘નર્કાગાર’ જેવી છે. સફાઇના અભાવે આવા વિસ્તારોમાં ગંદકીના ગંજ ખડકાઇ રહ્યા છે અને બાળકો બીમારીની ચપેટમાં આવી રહ્યા છે. નહેરૂ બ્રિજના સામા કાંઠે રાંદેર ઝોનમાં સમાવિષ્ટ શીતલ ચાર રસ્તા નજીકની વસાહતમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં આંગણવાડીની ચારે બાજુ પારાવાર ગંદકીનું સામ્રાજ્ય હોવાથી બાળકોનાં આરોગ્ય પર જોખમ ઝળુંબી રહ્યું છે અને લોકો હાલાકીમાં મુકાઇ રહ્યા છે.

  • બાપુનગરમાં ઊભરાતી ગટર અને ગંદકીના ઢગલા વચ્ચે જ લોકો જીવી રહ્યા છે
  • દિવસો સુધી કચરાના ઢગલા ઊંચકાતા નહીં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

નહેરુ બ્રિજના સામા છેડા પર શીતલ ચાર રસ્તા નજીક બોરડીથી ઓળખાતા વિસ્તારમાં સફાઇના નામે ‘શૂન્ય’ હોવાની ફરિયાદ સ્થાનિક લોકો કરી રહ્યા છે. અહી દિવસોના દિવસો સુધી કચરાના ઢગલા થઇ રહ્યા છે. વળી, આ કચરામાં ઊભરાતી ગટરના ગંદા પાણી ભળી જતાં પારાવાર ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. આ ગંદકીની બાજુમાં જ મનપા સંચાલિત આંગણવાડી છે. ગંદકી એટલી છે કે, અહીં આંગણવાડીમાં બાળકો પણ આવતાં નથી. જો સમયસર અહીંની ગંદકીના નિકાલ માટે કાયમી ઉકેલ નહીં આવે તો ચોમાસામાં વધુ ખરાબ હાલત થશે તેવી આશંકા સેવાઇ રહી છે.

દિવસો સુધી મનપા દ્વારા કચરો ઉઠાવાતો નથી : સલીમભાઇ (સ્થાનિક)
અહીં રહેતા સલીમભાઇએ જણાવ્યું હતું કે, આ કચરાના ઢગલા અને ઊભરાતી ગટરો બાબતે મનપાના તંત્રને અનેક વખત ફરિયાદ કરવા છતાં કોઇ કાયમી ઉકેલ આવતો નથી. દિવસો સુધી કોઇ કચરો ઉઠાવવા આવતું નથી. આજુબાજુના લોકો અહીં કચરો નાંખે છે એટલે નજીકમાં રહેતા લોકોના આરોગ્ય પર જોખમ છે. અહીં કચરો ના ફેંકાય તેવી કાયમી ધોરણે મનપા દ્વારા વ્યવસ્થા થવી જોઇએ.

અહીં અસામાજિક તત્ત્વોએ સફાઈકર્મી પર હુમલો કર્યો હતો : આરોગ્ય અધિકારી
રાંદેર ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો.કેતન ગરાસીયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પણ શહેરના અન્ય વિસ્તારની જેમ જ સફાઇ માટે વ્યવસ્થા છે. પરંતુ અહીં અમુક અસામાજિક તત્ત્વો મનપાના સફાઇકર્મીઓને હેરાન કરે છે. અગાઉ હુમલો પણ કર્યો હતો.

Most Popular

To Top