Madhya Gujarat

આણંદ જિલ્લામાં સરપંચ બાદ હવે ઉપસરપંચ પદ માટે રાજકીય ખેલ શરૂ

આણંદ : આણંદ જિલ્લામાં આઠ તાલુકાઓમાં 210 કરતાં વધુ ગામોમાં સ્થાનિક ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યપદ માટેની ચૂંટણી સંપન્ન થઇ ગઈ છે. હવે આગામી કેટલાક દિવસોમા ‌દરેક પંચાયતોમાં ડેપ્યુટી સરપંચ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેવી રીતે વહીવટી તંત્રની તૈયારીઓ શરૂ કરાઈ છે, સમગ્ર આણંદ જિલ્લામાં 210થી વધુ ગ્રામ પંચાયત પૈકી 200 જેટલી ગ્રામ પંચાયતોમાં ડેપ્યુટી સરપંચ માટેની પ્રક્રિયા સંદર્ભે ભારે ઉતેજના છવાઈ ગઇ છે. આણંદ જિલ્લામાં મહત્તમ ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચ પદ માટે રસાકસી થવાની શક્યતા રહેલી છે. છતાં પણ અંદાજે 50 કરતાં વધુ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ બિનહરીફ થવાની શકયતાથી ચૂંટણી પ્રક્રિયા સરળ બનવાની શક્યતાઓ જોવાઈ રહી છે અન્ય તમામ  પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા થવાની શક્યતા છે.

ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી પૂર્ણ થયા બાદ સમગ્ર આણંદ જિલ્લામાં ઉપસરપંચ માટેનો થનગનાટ શરુ થયો છે. ગ્રામ પંચાયતોમાં મોભાદાર ડે. સરપંચ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં એક એક જ ફોર્મ ભરાશે તેવી તમામ ગ્રામ પંચાયતોમાં ડે. સરપંચ બિનહરીફ જાહેર કરવામાં આવશે. જ્યારે બાકી રહેલી ગ્રામ પંચાયતો પૈકી બે કે તેથી વધુ ઉમેદવાર નોંધાય તેવી ગ્રામ પંચાયતોમાં ડે. સરપંચની ચૂંટણી પ્રક્રિયા યોજાશે. ચૂંટણી પરિણામના 30 દિવસમાં ગ્રામ પંચાયતની સભા બોલાવી ઉપસરપંચની ચૂંટણી સહિત નવીન બોડીને પદભાર સોંપાશે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામ બાદ હવે 17 થી 21 જાન્યુઆરી દરમ્યાન ઉપ સરપંચની ચૂંટણીને લઈ ગ્રામ્ય રાજકારણ ગમાયું છે.રાજકીય આગેવાનો પણ આ ચૂંટણીમાં ખાસ રસ લઈ રહ્યા છે. જ્યાં સરપંચ પોતાનો ન હોય ત્યાં ઉપસરપંચ પોતાનો ચૂંટાય તે માટે અને જ્યાં સરપંચ પોતાનો છે ત્યાં ઉપસરપંચ પણ વિરોધી ન આવે અને પોતાનો માનીતો આવે તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગ્રામ પંચાયતના અધિનિયમ મુજબ પરિણામ જાહેર થયા બાદ 30 દિવસની અંદર ગ્રામ પંચાયતની સભા બોલાવી ઉપસરપંચની ચૂંટણી યોજાય છે. સરપંચ સહિત નવા ચૂંટાયેલ સભ્યોને પદભારનો ચાર્જ સોંપવામાં આવે છે.

આણંદ જિલ્લામાં ડે. સરપંચ માટે ઉમરેઠ તાલુકામાં 17 ,18 અને 19 જાન્યુઆરી, અંકલાવ અને પેટલાદમાં 17 અને 18 જાન્યુઆરી, સોજીત્રામાં 21 જાન્યુઆરી, તારપુરમાં 18 અને 19 જાન્યુઆરી, ખંભાતમાં 17 અને 24 જાન્યુઆરીની ચૂંટણી યોજવાનું નક્કી કરાયું છે. જ્યારે આણંદ અને બોરસદ તાલુકામાં હજુ તારીખ પણ એક બે દિવસમાં નક્કી કરાશે. એ બાબત નોંધનીય છે કે ઉત્તરાયણ બાદ કમુરતા ઉતરતા તમામ ગ્રામ પંચાયતોમાં નવા સરપંચ અને ડે. સરપંચ તેમજ સભ્યો પદભાર સાંભળી લેશે.

Most Popular

To Top