Madhya Gujarat

ઓનલાઇન શિક્ષણમાં શાળાની આડોડાઇ

નડિયાદ: નડિયાદ શહેરમાં કોરોના વિસ્ફોટની સ્થિતી જોવા મળી રહી છે. યુવાઓ અને વૃધ્ધોની સાથે સાથે હવે બાળકો પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપેટમાં આવ્યા છે. રોજના બે થી વધુ બાળકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવી રહ્યો છે. શાળામાં સંક્રમણની પરિસ્થિતી ગંભીર બનતી જઇ રહી છે, ત્યારે શહેરની કેટલીક શાળાઓએ ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું છે. નડિયાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતી ગંભીર છે. સંક્રમણ ખૂબજ ઝડપથી વધી રહ્યું છે. શાળામાં ઓફલાઇન શિક્ષણને લઇને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. યુવાઓ અને વૃધ્ધો બાદ હવે મોટી સંખ્યામાં બાળકો પણ કોવિડ સંક્રમણનો ભોગ બન્યા છે. જેને લઇને વાલીઓમાં ભય જોવા મળી રહ્યો છે. હાલ સરકારે ધો.1થી 8નો અભ્યાસ બંધ કરાવ્યો છે.

પરંતુ ઉચ્ચતર માધ્યમિક શાળામાં હજુ સ્થિતિ લોલમલોલ ચાલી રહી છે. જેને લઇને હાલમાં આવી શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીના વાલીઓ રોષે ભરાયા છે. શહેરની શાળાઓમાં કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થતું ન હોવાનું પણ જોવા મળી રહ્યું છે. શરદી-ખાંસી-તાવ જેવા લક્ષણ હોય તેવા બાળકોને પણ શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. સેનિટાઇઝરનો ઉપયોગ કેટલીક શાળાઓમાં થાય છે, પરંતુ થર્મલ ગનનો ઉપયોગ કરવામાં આવતો નથી. જેને લઇને અન્ય બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકાઇ રહ્યું છે. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, એસએનવી સ્કુલમાં વિદ્યાર્થીનો કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તે ધોરણના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. ભવન્સ સ્કુલ દ્વારા ઓફલાઇન શિક્ષક બંધ કરીને ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય શાળાઓમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે. શહેરની તમામ શાળાઓને ઓનલાઇન શિક્ષણની સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top