Sports

વેસ્ટ ઈન્ડિઝ સામે પરાજય બાદ હાર્દિક પંડ્યાનું છલકાયું દર્દ, કહ્યું, મારી આ ભૂલના લીધે હાર્યા!

નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ (West Indies) સામે રવિવારે ટી-20 સિરિઝની (T20 Series) પાંચમી અને છેલ્લી મેચ હારવા સાથે ભારતીય ક્રિકેટ ટીમે (IndianCricketTeam) ટી-20 સિરિઝ ગુમાવી છે. મેચ બાદ ભારતીય ટીમ, ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા (HardikPandya) અને કોચ રાહુલ દ્રવિડની (RahulDravid) ખુબ ટીકા થઈ રહી છે, ત્યારે મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાનું દર્દ છલકાયું છે.

પોસ્ટ મેચ સેરેમનીમાં હાર્દિક પંડ્યાએ પરાજય અંગે બોલતા કહ્યું કે, હું સારું રમી શક્યો નહીં. મારી ધીમી રમતના લીધે ટીમે નુકસાન ઉઠાવવું પડ્યું છે. છેલ્લી 10 ઓવરમાં ભારતીય ટીમને સારી રમત દાખવવાની જરૂર હતી. ત્યારે હું ક્રિઝ પર હતો. સેટ થવા માટે મેં સમય લીધો અને પછી ટકી શક્યો નહીં. તેના લીધે સ્કોર ઓછો થયો. પંડ્યાએ 18 બોલમાં 14 જ રન બનાવ્યા હતા.

પંડ્યાએ ધીમી પિચ પર પહેલી બેટિંગ કરવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, મારું માનવું છે કે એક ટીમ તરીકે ખુદને પડકાર આપતા રહેવું જોઈએ. આવી મેચોથી જ શીખવા મળે છે. અંતે એકાદ બે સિરિઝ જીતવી કે હારવી એ મહત્ત્વનું નથી. મોટા લક્ષ્ય પ્રત્યેની કટીબદ્ધતા જ મહત્ત્વપૂર્ણ હોય છે.

હાર સારી હોય છે
પંડ્યાએ કહ્યું કે, કયારેક હારવું પણ સારું હોય છે. હવે અમારે વન ડે વિશ્વકપમાં (ODI World Cup) રમવાનું છે. કોઈ મેચ કે સિરિઝ હારવાથી ઘણું શીખવા મળે છે. અમારા ખેલાડીઓએ જુસ્સો દર્શાવ્યો છે. જીત અને હાર રમતનો ભાગ છે.

તિલક વર્મા અને યશસ્વી જ્યસ્વાલના કેપ્ટને વખાણ કર્યા
ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ યુવાન ખેલાડીઓ યશસ્વી જ્યસ્વાલ (YashshwiJaiswal) અને તિલક વર્માના (TilakVarma) વખાણ કર્યા હતા. પંડ્યાએ કહ્યું કે બંને યુવાન ખેલાડીઓએ જુસ્સો દર્શાવ્યો છે. ટેમ્પરામેન્ટ ઈન્ટનેશનલ ક્રિકેટમાં ખુબ જ મહત્ત્વના હોય છે, જે બંને ખેલાડીઓએ તેમને મળેલી તકમાં દર્શાવ્યો. યુવાન ખેલાડીઓ આત્મવિશ્વાસથી ભરપુર છે. તેઓએ પોતાની જવાબદારી સારી રીતે નિભાવી. હું તેમના પ્રદર્શનથી ખુશ છું.

વેસ્ટ ઈન્ડિઝ સામે 3-2થી ભારત ટી-20 સિરિઝ હાર્યું
રવિવારે તા. 13 ઓગસ્ટના રોજ ટી-20 સિરિઝની પાંચમી અને છેલ્લી મેચ ભારત 8 વિકેટથી હારી ગયું હતું. ભારતે આપેલા 165ના ટાર્ગેટને વેસ્ટઈન્ડિઝે 18મી ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું. આ સાથે જ ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સિરિઝ 3-2થી ગુમાવી છે. પોતાની ધીમી બેટિંગને હાર્દિક પંડ્યાએ પરાજય માટે જવાબદાર ગણાવી છે.

Most Popular

To Top