SURAT

“હર ઘર તિરંગા અભિયાન’’ : બમરોલી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘરો, દુકાનો, લારીઓ પર તિરંગા લગાવ્યા

સુરત: સુરત (Surat) આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે તા.13 થી 15મી ઓગષ્ટ સુધી હર ઘર તિરંગા (Har ghar tiranga) અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના (PM Modi) ‘હર ઘર તિરંગા’ સંકલ્પને આગળ વધારવા માટે સુરત શહેરના બમરોલી વિસ્તારમાં ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના મત વિસ્તારના ઘરો, દુકાનો અને લારીઓ પર જાતે જઇ તિરંગા લગાવી તથા પ્રજાજનોને તિરંગા અર્પણ કરી દેશભક્તિ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોતાના મત વિસ્તારના લોકોને સંબોધન કરી પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષની પૂર્ણતાના અવસરે દેશવાસીઓમાં ફરી એક વાર એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર જાગી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના હજારો ગામડાંઓ અને શહેરોમાં આઝાદીના અનેરા અવસરની ઉજવણી કરાઇ રહી છે. ત્યારે દરેક ઘરો, મહોલ્લાઓ, ઓફિસો પર તિરંગો ફરકાવીને આઝાદી માટે બલિદાન આપનારાઓને યાદ કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

વધુમાં કહ્યું કે, હજારો યુવાનો, ક્રાંતિકારીઓ, આઝાદીના લડવૈયાઓના બલિદાનના પ્રતાપે આજે દેશવાસીઓ મુક્તપણે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. રાષ્ટ્રધ્વજની આચારસંહિતામાં સુગમ બદલાવ કરીને કેન્દ્ર સરકારે કોઈ પણ સ્થળે, રાતદિન રાષ્ટ્રધ્વજ લહેરાવવાની સ્વતંત્રતા આપી છે, ત્યારે વડાપ્રધાનશ્રીના ‘હર ઘર તિરંગા’ અને “મારી માટી, મારો દેશ” અભિયાનમાં ઉત્સાહથી જોડાવાની હિમાયત કરી હતી. આ અવસરે કોપોરેટરો, વિવિધ વોર્ડના પ્રમુખો, વિદ્યાર્થીઓ, નાગરિકો જોડાયા હતા.

ટ્વિટર પર એક પોસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે “ત્રિરંગો સ્વતંત્રતા અને રાષ્ટ્રીય એકતાની ભાવનાનું પ્રતિક છે. દરેક ભારતીયનો ત્રિરંગા સાથે ભાવનાત્મક જોડાણ છે અને તે આપણને રાષ્ટ્રીય પ્રગતિને આગળ વધારવા માટે સખત મહેનત કરવાની પ્રેરણા આપે છે.” હું તમને બધાને વિનંતી કરું છું. 13 થી 15 ઓગસ્ટ સુધી #હરઘર તિરંગા ચળવળમાં ભાગ લો.”

Most Popular

To Top