ચાર લગ્નો કરી કબીરબેદીને કામ તો મળ્યું પણ નામ ન થયું

કબીર બેદી આમ તો અભિનેતા છે પણ લોકો તેમને વારંવાર લગ્ન કરવા માટે વધારે યાદ કરે છે. પહેલાં પ્રતિમા બેદી, પછી સુસાન, ત્યાર બાદ નિકી બેદી અને 2016 થી આજ સુધી પરવીન ડોસાંજ. વધારે વાર પરણી શકતા પુરુષની અનેક પુરુષો ઇર્ષા કરતા હોય છે અને પછી સામાજિક નીતિ-નિયમો ન પાળવાની ટીકા કરતા હોય છે. કબીર બેદી સ્ત્રી સંબંધો અને સેક્સ બાબતે બહુ બિન્દાસ જીવ્યા છે. તેમની એક શયનસાથી પરવની બાબી પણ હતી. પરંતુ કબીર બેદીની મુખ્ય ઓળખ અભિનેતાની જ છે અને તે યાદ રહેવી જોઇએ. મુંબઇમાં રહેનારા અને અંગ્રેજી નાટકો જોનારાએ તેમને ‘ઓથેલો’, ‘તુઘલક’ જેવા નાટકમાં યાદગાર ભૂમિકા ભજવતા જોયા છે. હિન્દી ફિલ્મોના અભિનેતા તરીકે તેમણે જરૂર કામ કર્યું, પણ તેમણે ઇટાલિયન ટી.વી. શ્રેણી ‘સાંદોકાન’ની ભૂમિકા ભજવી પછી બહુ જાણીતા થયા.

ત્યાર બાદ તો જેમ્સ બોન્ડ શ્રેણીની ‘ઓકટોપસી’ના વિલન તરીકે ય ભારે નામના મેળવી. ‘તાજમહલ: એન ઇટર્નલલવસ્ટોરી’માં તેઓ બાદશાહ શાહજહાંની ભૂમિકામાં હતા. તેમની અંગ્રેજી ફિલ્મો જ યાદ કરવી હોય તો કોલંબિયાની ‘ધ બીસ્ટ ઓફ વોર’ પણ છે. ઇટાલિયન ફિલ્મ ‘એન્ડાટા રિતોનો’ પણ છે. તેમની વિદેશી ભાષાની ટી.વી. શ્રેણીમાં ‘એન વિંગ્સ ઓફ ઇગલ્સ’, ‘ધ લોસ્ટ અમ્પાયર’, ‘ડાયનેસ્ટી મર્ડર’, ‘શી રોટ’, ‘મેગ્નમ’, ‘હન્ટર’, ‘નાઇટ રાઇડર’ સહિતની શ્રેણીઓ છે. તેમણે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું પણ લોકોને વધુ યાદ ન રહ્યું તેનું કારણ એ છે કે તેમને સારી ભૂમિકાઓ મળવા માંડી ત્યારે જ વિદેશમાં વ્યસ્ત થયા. પછી વચ્ચે વચ્ચે કામ કર્યું. બાકી ઠેઠ 1971 માં ઓ.પી. રાલ્હનની ‘હલચલ’થી તેમણે આરંભ કરેલો.

એ ફિલ્મથી જ ઝિન્નત અમાનની કારકિર્દી પણ શરૂ થયેલી. તેમની બીજી જ ફિલ્મ ‘સીમા’ હતી જેમાં સીમી ગરેવાલ, રાકેશ રોશન પણ છે. કબીર બેદી લોકપ્રિય હીરો બની શકે તેમ ન હતા કારણ કે તેમને ડાન્સ-બાન્સ ફાવે નહીં. ચહેરો ય રોમેન્ટીક, ચોકલેટી નહીં. રાજ ખોસલાએ ‘કચ્ચે ધાગે’માં વિનોદ ખન્ના-કબીર બેદીને મુખ્ય ભૂમિકા આપેલી તે પર્ફેકટ હતી. પણ ત્યાર બાદ મહેશ ભટ્ટની ‘મંઝીલે ઔર ભી હે’માં અત્યંત ચર્ચાસ્પદ ભૂમિકા ભજવી. ધીરે ધીરે તેઓ ખલનાયક તરીકે ગોઠવાતા ગયા અને ‘ઇશ્ક ઇશ્ક ઇશ્ક’, ‘નાગીન’, ‘અશાંતિ’ જેવી ફિલ્મોએ તેમને એ રીતે જ વધારે જાણીતા કર્યા. આ ફિલ્મો દરમ્યાન જ તેઓ વિદેશમાં વ્યસ્ત હતા. રાકેશ રોશને તેમને રેખા સામે ‘ખૂન ભરી માંગ’ જેવી ફિલ્મ આપી. કબીર બેદીએ અમુક જ પ્રકારની ભૂમિકાનો આગ્રહ નથી રાખ્યો એટલે તેઓ આજ સુધી પણ ફિલ્મો મેળવે છે. હા, તેમને અફસોસ રહેશે કે હિન્દી ફિલ્મોમાં તેમને કામ મળ્યું પણ નામ ઓછું મળ્યું. બાકી અત્યારે પણ તેઓ ‘શાકુંતલમ્’માં કામ કરી રહ્યા છે.

કબીર બેદી રેડિયો પર પણ જાણીતા રહ્યા છે અને ‘પ્રિન્સ ઓફ પર્સીઆ: ધ સેન્ડસ ઓફ ટાઇમ’ ફિલ્મના હિન્દી વર્ઝનમાં બેન કિંગ્સલેના નિઝામના પાત્રને તેમણે અવાજ આપેલો. ‘ફેન્ટાસ્ટિક ફોર’માં રેજ ઇ. કેથેના પાત્રને પણ તેમણે હિન્દીમાં અવાજ આપેલો. અનેક જાહેરાતોમાં પણ તેમનો અવાજ સંભળાતો રહે છે કારણ કે ફિલ્મો પહેલાં તેઓ મોડલ જ હતા અને એડવર્ટાઇઝિંગ ક્ષેત્રે જાણીતા હતા. કબીર બેદી અભિનય ક્ષેત્રે રઝળુનું જીવન જીવ્યા છે. તેઓ લોસ એંજલસમાં ય રહેતા હતા, લંડનમાં પણ રહેતા હતા.

તેઓ માનતા હતા કે જગત આખું એક રંગમંચ છે. એ કારણે જ દિલ્હીથી મુંબિ અને ત્યાંથી યુરોપ, અમેરિકા, ઇટલી, દિલ્હીમાં હતા ત્યારે તેઓ નાટકોમાં કામ કરતા હતા અને પછી મુંબઇ આવી નાટકો કર્યાં. ‘ઓથેલો’ નાટકના રિહર્સલ દરમ્યાન તેઓ તે નાટકની અભિનેત્રી નિકી વિજયકરને પરણ્યા હતા. પછી સુસાન આવી અને આ બધી જ સ્ત્રીઓ જૂદી જૂદી ટેલેન્ટ ધરાવતી હતી. હમણાં થોડા મહિના પહેલાં જ ‘સ્ટોરીઝ આઇ મસ્ટ ટેલ: ધ ઇમોશનલ લાઇફ ઓફ એન એકટર’ નામની તેમની આત્મકથા પ્રગટ થઇ છે. જેમણે પ્રતિમા બેદીની ‘ટાઇમપાસ’ વાંચી છે તેમણે આ પણ વાંચવી જોઇએ. અલબત્ત, કબીર માટે પ્રતિમા કે પરવીન બાબી તેના જીવનના એક પ્રકરણ પૂરતાં જ મહત્ત્વનાં છે. કબીર બેદીના જીવનને એકથી વધુ દૃષ્ટિકોણથી ઓળખો તો તેમાં એક એકટર અને પુરુષના જીવનને અનેક રીતે ઓળખવા મળશે.

Most Popular

To Top