સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે ચર્ચામાં રહેલી “Cockroach Janta Party (CJP)”ના સ્થાપક અભિજીત દિપકે શનિવારે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી પહોંચતા જ તેમણે પોતાના સમર્થકો, વિદ્યાર્થીઓ અને યુવાનોને ખાસ અપીલ કરતાં કહ્યું કે પ્રદર્શન દરમિયાન “એક પુસ્તક અને તિરંગો સાથે લાવવાનું ભૂલશો નહીં.” તેમના આ નિવેદન બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની ગઈ છે.
અભિજીત દિપકના નેતૃત્વમાં યોજાનાર આ પ્રદર્શનનું કેન્દ્રબિંદુ દેશની શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષા સંબંધિત વિવાદો અને વિદ્યાર્થીઓના પ્રશ્નો છે. દિપક અને તેમના સમર્થકોનું કહેવું છે કે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાઓમાં ગેરરીતિ, પેપર લીક, પરિણામોની ભૂલો અને બેરોજગારી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેમની સમસ્યાઓને યોગ્ય રીતે સાંભળવામાં આવતી નથી.
કોણ છે અભિજીત દિપકે?
અભિજીત દિપક છેલ્લા કેટલાક મહિનાઓમાં સોશિયલ મીડિયા પર એક ચર્ચિત ચહેરા તરીકે સામે આવ્યા છે.”Cockroach Janta Party” નામનું એક યુવા આંદોલન શરૂ કર્યું, જે શરૂઆતમાં વ્યંગાત્મક અભિયાન તરીકે જોવામાં આવતું હતું. જોકે થોડા જ સમયમાં આ અભિયાન લાખો યુવાનો સાથે જોડાઈ ગયું અને તે શિક્ષણ તથા રોજગારના મુદ્દાઓ પર અવાજ ઉઠાવતું એક મોટું યુવા પ્લેટફોર્મ બની ગયું.અહેવાલો અનુસાર, CJPના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કરોડો લોકો જોડાયેલા છે અને હજારો વિદ્યાર્થીઓ સતત આ અભિયાન સાથે સંકળાઈ રહ્યા છે.
દિલ્હી પહોંચતા જ શું કહ્યું?
દિલ્હી પહોંચતા પહેલાં અને પહોંચ્યા બાદ અભિજીત દિપકે અનેક વીડિયો સંદેશો જાહેર કર્યા હતા. તેમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે અને દરેક વ્યક્તિએ બંધારણીય અને લોકશાહી માર્ગ અપનાવવો જોઈએ. તેમણે પોતાના સમર્થકોને અપીલ કરી હતી કે તેઓ તિરંગો અને એક પુસ્તક સાથે આવે જેથી આંદોલનનો સંદેશ સ્પષ્ટ રીતે દેશ સુધી પહોંચે.દિપકેના જણાવ્યા મુજબ તિરંગો દેશપ્રેમ અને બંધારણીય મૂલ્યોનું પ્રતિક છે, જ્યારે પુસ્તક શિક્ષણ અને જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી બંને વસ્તુઓ આ અભિયાનના મુખ્ય પ્રતીક તરીકે પસંદ કરવામાં આવી છે.
એરપોર્ટ પર ન આવવાની પણ અપીલ
રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં અભિજીત દિપકએ સમર્થકોને એરપોર્ટ પર આવવા કહ્યું હતું, પરંતુ બાદમાં તેમણે નવી અપીલ કરીને લોકોને દિલ્હી એરપોર્ટ પર ન આવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકો સીધા કાર્યક્રમ સ્થળે પહોંચે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં સહકાર આપે.તેમણે પોતાના સમર્થકોને જણાવ્યું હતું કે આંદોલનનો ઉદ્દેશ કોઈ પ્રકારનો તણાવ ઊભો કરવાનો નથી, લોકશાહી રીતે પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવાનો છે.
જંતર-મંતર કેમ પસંદ કરાયું?
દિલ્હીનું જંતર-મંતર વર્ષોથી દેશભરના વિવિધ આંદોલનો અને વિરોધ પ્રદર્શનોનું કેન્દ્ર રહ્યું છે. અહીં અનેક સામાજિક, રાજકીય અને વિદ્યાર્થી સંગઠનો પોતાની માંગણીઓ લઈને પ્રદર્શન કરતા આવ્યા છે.CJP દ્વારા પણ જંતર-મંતરને પ્રદર્શન માટે પસંદ કરવામાં આવ્યું છે. દિપકનું કહેવું છે કે અહીંથી દેશના યુવાનોનો અવાજ સરકાર સુધી પહોંચાડી શકાય છે અને વિદ્યાર્થીઓની સમસ્યાઓને રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બનાવી શકાય છે.
શું છે મુખ્ય માંગણીઓ?
અભિજીત દિપકે અને CJPની મુખ્ય માંગણીઓમાં શિક્ષણ ક્ષેત્રમાં સુધારા, પરીક્ષાઓમાં પારદર્શિતા અને જવાબદારી નિર્ધારિત કરવાની બાબતો સામેલ છે.સંગઠનનું કહેવું છે કે તાજેતરના વર્ષોમાં વિવિધ પરીક્ષાઓને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે. પેપર લીક, મૂલ્યાંકનમાં ભૂલો અને પરીક્ષા વ્યવસ્થાની ખામીઓના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પ્રભાવિત થયું છે. આ મુદ્દાઓ માટે જવાબદારી નક્કી થવી જોઈએ અને જરૂરી સુધારા લાવવામાં આવવા જોઈએ.
કેટલાક અહેવાલો મુજબ, CJP કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ પણ કરી રહી છે.
“મારું ભવિષ્ય બંધારણના હાથમાં”
ભારત પરત ફરતા પહેલાં અભિજીત દિપકએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાનું ભવિષ્ય ભારતીય બંધારણના હાથમાં સોંપી રહ્યા છે અને તેમને વિશ્વાસ છે કે લોકશાહી દેશમાં દરેક નાગરિકને પોતાની વાત શાંતિપૂર્ણ રીતે રજૂ કરવાનો અધિકાર છે.તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે કેટલાક લોકોને આશંકા છે કે તેમને અટકાયતનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તેમ છતાં તેઓ પોતાના અભિયાનને આગળ વધારવા માટે ભારત આવ્યા છે.
સોશિયલ મીડિયા પર જબરદસ્ત સમર્થન
Cockroach Janta Partyને સોશિયલ મીડિયા પર ભારે સમર્થન મળી રહ્યું છે. ખાસ કરીને Gen-Z અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં આ અભિયાન ઝડપથી લોકપ્રિય બન્યું છે.લાખો લોકો દ્વારા ઓનલાઈન અરજી પત્રો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને અનેક શહેરોમાં વિદ્યાર્થીઓએ સમર્થન દર્શાવ્યું છે. સોશિયલ મીડિયા પર #CJP, #AbhijeetDipke અને #JantarMantarProtest જેવા હેશટેગ્સ સતત ટ્રેન્ડ થઈ રહ્યા છે.
પોલીસ અને પ્રશાસનની નજર
પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને પ્રશાસન પણ સતર્ક બન્યા છે. જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
યુવાનો માટે આપ્યો ખાસ સંદેશ
અભિજીત દિપકએ પોતાના અંતિમ સંદેશમાં કહ્યું કે આંદોલન કોઈ વ્યક્તિ કે પક્ષ વિરુદ્ધ નહીં પરંતુ શિક્ષણ અને યુવાનોના ભવિષ્ય માટે છે. તેમણે યુવાનોને શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરવા અને લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખવા અપીલ કરી છે. સાથે જ તેમણે ફરી એકવાર યાદ અપાવ્યું કે પ્રદર્શન દરમિયાન “તિરંગો અને એક પુસ્તક સાથે લાવવાનું ભૂલશો નહીં.”