Comments

સુરતે ફરી રાજકીય પવન બદલવાની શરૂઆત કરી છે!

‘સુરત’ આ શબ્દ સાથે અને શહેર સાથે મોટો ઇતિહાસ સંકળાયેલો છે. આ શબ્દને લઇ ભૂતકાળમાં થોડું ડોકિયું કરો તો ખ્યાલ આવશે કે એક વખત અહીં 84 બંદરો હતાં, જેની પર 84 દેશોના વાવટા ફરકતા, ડચ,વલંદા, અરમેનિયામ, મુઘલ, અકબર બાદશાહ શાસન હતું.

કહેવાય છે કે અંગ્રેજોએ પણ ભારતમાં એમની સૌથી પહેલી ઓફિસ ( કોઠી) સુરતમાં જ સ્થાપી અને પછી તેમણે આખા દેશ  પર શાસન કર્યું,વાત આટલેથી જ અટકતી નથી. મુઘલ બાદશાહ જહાંગીરે ભારતથી મક્કા તરફ હજ પઢવા જતાં યાત્રીઓ માટે અહીંના બંદરનો ખૂબ જ વિકાસ કર્યો હતો તેમ જ તેમના રોકાણ માટે શહેરમાં એક ભવ્ય ધર્મશાળા (મુઘલસરાય) બનાવી હતી.

વળી દેશવિદેશનાં અનેક વેપારીઓ અહીં વેપાર કરવા આવતાં અને તેમના ચલણ અને ભારતીય ચલણ વચ્ચે વિનિમય સ્થાપવા તે સમયે “નાણાવટ” નામનું સૌથી સમૃદ્ધ બજાર અહીં વિકસ્યું હતું. જેમાં શાહી ટંકશાળ પણ હતી.

આ સિવાય પણ જો લખવા બેસો તો સુરતના ભવ્ય ઇતિહાસનો વારસો લખવામાં દિવસો ઓછા પડે. અહીં લખવાનો કે યાદ કરાવવાનો ઉદ્દેશ માત્ર એટલો છે કે દેશમાં દિલ્હી ભલે રાજધાની હોય, પણ ગુજરાતમાં સુરત હંમેશા ઇતિહાસ શરૂ કરવાનો અને ઇતિહાસ પરિવર્તન કરવાનું કેન્દ્ર રહ્યું છે.

સુરતના રાજકીય વારસાની વાત કરીએ. દેશને પ્રથમ ગુજરાતી પ્રધાનમંત્રી આપવાનું શ્રેય પણ સુરતના ફાળે જાય છે. મોરારજી દેસાઈ સુરત લોકસભા બેઠક પરથી જીતીને ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા. એમના પ્રધાનમંત્રી બનવામાં મહત્ત્વની વાત એ છે કે તેઓ એવા પ્રથમ પ્રધાનમંત્રી હતા કે જેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બદલે અન્ય કોઇ રાજકીય પક્ષમાંથી ચુંટાયા હતા.

ટૂંકમાં દેશમાં થયેલા રાજકીય પરિવર્તનની શરૂઆત સુરતથી થઇ હતી. પહેલાં વેપાર અને પછી રાજકીય પવન જયારે જયારે દેશમાં બદલાયો છે ત્યારે ત્યારે એનું કેન્દ્ર સુરત જ રહ્યું છે. આજે આખી આ વાત કરવાનો મૂળ ઉદ્દેશ એટલો છે કે સુરતે 1977 બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી આપ્યો તો 1989 માં કાશીરામ રાણાને સુરત લોકસભાથી જીતાડીને રાજકીય પરિવર્તનની લહેર શરૂ કરી.

ત્યારે પણ કાશીરામ રાણા વિષે બીજા શબ્દોમાં ભાજપ વિષે કહેવાતું કે એક બેઠક જીતીને શું કરશે, પણ આવું કહેનારાને ખબર નહોતી કે આજે એમની જ પાર્ટીના પ્રમુખ સી.આર.પાટીલે એ જ રાજ્યમાં કોર્પોરેશનમાં 27 બેઠક જીતેલી. આમ આદમી પાર્ટી વિષે એ જ વાત કરશે, જે ક્યારેક એમની પાર્ટી વિષે 1989 માં કહેવાઈ હતી.

રાજકારણમાં ક્યારે શું થઇ શકે એ કોઈ જાણતું નથી. રાજકારણમાં ક્રિકેટની જેમ છેલ્લા બોલે મેચ બદલાઈ શકે છે, એવી જ રીતે આજે ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ભલે કહેતા હોય કે આમ આદમી પાર્ટી 27 બેઠક જીતીને શું કરશે પણ આવું બોલતી વખતે સી.આર.પાટીલ એ ભૂલી ગયા કે આ જ 27 બેઠકો પર જીતનાર આમ આદમી પાર્ટી કદાચ સુરતથી પરિવર્તનની શરૂઆત કરી શકે છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કે નેતાઓએ ક્યારેય વિચાર્યું નહિ હોય કે એમના જ સુરતમાં ન જેવી ગણાતી આમ આદમી 27 બેઠક લઇ કોર્પોરેશનમાં હવે એમની જ સામે સબળ વિરોધ પક્ષ બનીને બેસશે. ભાજપના નેતાઓ એ વાત ભૂલી ગયા છે કે ક્યારેક તેઓ પણ આવા જ રોલમાં હતા. મૂળ મુદ્દાની વાત કરીએ તો કોંગ્રેસને ખતમ કરતાં કરતાં ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટી ઊભી થઇ છે.

એક રીતે જોઈએ તો ભાજપે પોતે જ પોતાના પગ પર કુહાડો માર્યો છે. ગુજરાતમાં અને ગુજરાતના લોકો લાંબા સમયથી કોઈ ત્રીજા વિકલ્પની શોધમાં છે કે હતા, પણ કોઈ પાર્ટી ત્રીજો વિકલ્પ બની શકી નથી. હજી આમ આદમી એ વિકલ્પ બનશે એવું કહેવું ઉતાવળભરેલું ગણાશે, પણ શરૂઆત તો થઇ છે  અને એ શરૂઆત પણ ક્યાંથી, સુરતથી,જેણે હંમેશા રાજકીય પવન બદલ્યો છે.

સુરતમાં આમ આદમી પાર્ટીના ઉદય અને મહેનતને જુઓ તો આશા તો જન્મે જ છે કે આવનાર સમયમાં આપ ગુજરાતમાં વિકલ્પ બની શકે છે, કેમકે સુરત જેવા શહેરમાં જ્યાં કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસને ઉમેદવારો નથી મળતા ત્યાં 120 માંથી 117 ઉમેદવારો ઊભા કરવા,એમને લડાવવા ,અને દરેક બેઠક જીતવા માટે પ્રયત્ન કરવા એ જીતથી વિશેષ છે.

138 વર્ષ જૂની કોંગ્રેસ એ મહેનત નથી કરી શકી, જે મહેનત આમ આદમી પાર્ટીએ સુરતમાં કરી કેમકે જે લોકો કહે છે કે આપ પાટીદારોના કારણે જીતી એમણે આપ જીતી એ સિવાયના બાકીના વોર્ડમાં જઈને જોવું તપાસવું કે આપને પાટીદાર વિસ્તારો સિવાય પણ 4000 થી 16000 મત મળ્યા છે.એ દર્શાવે છે કે સુરતની જનતા વિકલ્પ શોધી રહી છે.

સુરતમાં વર્ષોથી વિરોધ પક્ષમાં રહીને વિરોધ પક્ષના નેતા બનવાની હોડમાં રહેલા કોંગ્રેસીઓએ સમજવા જેવું છે કે શાસક પક્ષની 5 વર્ષની  કામગીરીના ઓડિટ રિપોર્ટના આંકડા કઈ રીતે પ્રજા સુધી પહોંચાડવા, આંકડાઓને આધારે સત્તા પક્ષને કઈ રીતે ભીંસમાં લેવા?

ચૂંટણી પ્રચારમાં તે આંકડાકીય માહિતીનો મહત્તમ પ્રચાર કઈ રીતે મતદારો સુધી પહોંચાડવો એની રાજકીય આવડત કોંગ્રેસે કદાચ આપ પાસેથી શીખવી પડશે. આવનાર સમયમાં આપના ઉદયને જોતાં એવું લાગે છે કે કદાચ એવું થાય કે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા મોટા નેતાઓ કે જેઓ કોંગ્રસમાં ગયા હતા કે છે તેઓ આપમાં આવે અને આપ ને સાથ આપે.વળી આ લખાય છે ત્યાં સુધીમાં જિલ્લા અને તાલુકાની ચૂંટણી પૂરી નથી થઇ એટલે કોર્પોરેશનની ચૂંટણી પહેલાં પરિણામો જાહેર કરાવીને સત્તા પક્ષે કદાચ એવું વિચાર્યું હશે કે લોકો ભાજપનું પરિણામ જોઈ ભાજપને મત આપશે પણ પરિણામો એમાંય ખાસ કરીને સુરતનાં પરિણામો આખા ગુજરાતે જોયા એટલે કદાચ એવું પણ બને કે જે લોકો આપ વિષે વિચારતા હતા એ મક્કમ બનીને જિલ્લા અને તાલુકામાં ત્રીજા વિકલ્પ તરીકે આપને પસંદ કરે!

ખેર, મૂળ મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં હવે જૂની ઢબની નેતાગીરી નહિ ચાલે. ગુજરાતના લોકો વિકલ્પ શોધી રહ્યા છે એવામાં જો કોઈ પાર્ટીએ જરાય યોગ્ય આશા જન્માવી તો 138 વર્ષ જૂની પાર્ટીનો ઇતિહાસ આપણે ગુગલ પર શોધવો પડે તો નવાઈ નહિ.

લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top