SURAT

સુરતમાં 54 ATM કાર્ડ સાથે શાતિર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, સિનિયર સિટીઝનને બનાવતા નિશાન

સુરત શહેરમાં ATM ફ્રોડ કરતી એક શાતિર ગેંગનો પર્દાફાશ થયો છે. Sachin GIDC પોલીસ સ્ટેશનની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગ ખાસ કરીને સિનિયર સિટીઝન અને ATM વાપરવામાં મુશ્કેલી અનુભવનારા લોકોને ટાર્ગેટ કરતી હતી. પોલીસ મુજબ, આરોપીઓ ATM કેબિનની બહાર કે અંદર નજર રાખતા અને એવી જગ્યાઓ પસંદ કરતા જ્યાં ભીડ ઓછી હોય અથવા સિક્યોરિટી ગાર્ડ હાજર ન હોય. જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ ATMમાંથી પૈસા ઉપાડવા આવતો, ત્યારે તેઓ મદદ કરવાનો નાટક કરતા. વિશ્વાસ જીત્યા પછી તેઓ પીન નંબર જાણી લેતા અને પછી ચાલાકીથી કાર્ડ બદલી નાખતા. આ ગેંગની રીત ખૂબ જ શાતિર હતી. તેઓ પોતાની પાસે એ જ બેંકનું બીજું નકામું ATM કાર્ડ રાખતા. જેમ જ તક મળે, તેઓ અસલી કાર્ડ બદલી દેતા અને પીડિતને ખબર પણ ન પડે. ત્યારબાદ, થોડા જ સમયમાં તેઓ ઓરિજિનલ કાર્ડનો ઉપયોગ કરીને ખાતામાંથી પૈસા ઉપાડી લેતા. ઘણી વખત લોકોને કાર્ડ બદલાઈ ગયું છે તેની ખબર પણ મોડે પડતી હતી.

પોલીસે CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને શોધી કાઢ્યા. પકડાયેલા આરોપીઓની ઓળખ નૌશાદઅલી શેખ (પલસાણા) અને અખિલેશ પાલ (ગોડાદરા) તરીકે થઈ છે. તેમની પાસેથી 54 ATM કાર્ડ, 45,000 રોકડ, એક બાઈક અને બે મોબાઈલ મળી આવ્યા છે. કુલ મળીને લગભગ 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. નૌશાદઅલી સામે અગાઉ 13 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં લૂંટ, ચોરી અને આર્મ્સ એક્ટ હેઠળના કેસ સામેલ છે. જ્યારે અખિલેશ સામે પણ દુષ્કર્મ, એટ્રોસિટી અને છેતરપિંડી જેવા 4 કેસ નોંધાયેલા છે. આ ધરપકડથી સુરતના સચિન GIDC અને કતારગામ વિસ્તારમાં થયેલા કુલ ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે કેસ નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સાથે જ નાગરિકોને ચેતવણી આપી છે કે ATM વાપરતી વખતે અજાણ્યા લોકોની મદદ ન લેવી, પોતાનો પીન નંબર કોઈને ન જણાવવો અને સાવચેત રહેવું. ખાસ કરીને સિનિયર સિટીઝનને વધુ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે, જેથી આવી છેતરપિંડીથી બચી શકાય.

Most Popular

To Top