Columns

જાતીય શોષણનો અને અન્યાયનો ભોગ બનેલી મહિલા જજનો કાળજું કંપાવનારો પત્ર

ભારતની કોર્ટોમાં જે કેસોનો ભરાવો થયો છે તેને કારણે સામાન્ય નાગરિકને ન્યાય મળતો નથી; તે બાબતમાં ઘણું લખાઈ ગયું છે. આપણા દેશની ઓફિસોમાં અને કામકાજના સ્થળે મહિલા કર્મચારીઓનું જાતીય શોષણ થાય છે તે બાબતમાં પણ હજારો લેખો લખાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દેશની તમામ મોટી સંસ્થાઓમાં અને કંપનીઓમાં મહિલા કર્મચારીની જાતીય શોષણવિષયક ફરિયાદો સાંભળવા માટે અને દોષિતોને સજા કરવા માટેની કમિટિ હોવી જોઈએ, તે બાબતમાં પણ ઘણી ચર્ચાઓ થઈ ચૂકી છે, પણ તેને કારણે ઘરની ચાર દિવાલોની બહાર થતું મહિલાઓનું શોષણ અટક્યું નથી પણ વધ્યું છે.

આપણો સમાજ એક બાજુ નારી સ્વતંત્રતાની વાતો કરી રહ્યો છે, સ્ત્રીઓને ઘરની બહાર નીકળીને પુરુષો સાથે સ્પર્ધામાં ઉતરવાનું આહ્વાન કરી રહ્યો છે, પણ બીજી બાજુ સ્ત્રીઓ પરના અત્યાચારો વધી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અલ્લાહાબાદની એક મહિલા જજની ફરિયાદ કાળજું કંપાવનારી છે. આ મહિલા જજ તેમના ઉપરીઓ દ્વારા સતત જાતીય શોષણ, અપમાન, તિરસ્કાર અને અત્યાચારોનો ભોગ બન્યાં હતાં. જે મહિલા જજ પાસે બીજી પીડિત મહિલાઓ ન્યાય માગવા આવતી હોય તેમણે પોતાનો ન્યાય કરવા ન્યાયતંત્રની તમામ સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો, પણ તેમને કોઈ ન્યાય મળ્યો નહોતો.

છેવટે તેમણે કંટાળીને ભારતના ચીફ જસ્ટિસ પર પત્ર લખ્યો છે, જે વાયરલ થતાં ન્યાયતંત્રમાં ખળખળાટ મચી ગયો છે. આ પત્ર વાંચતાં ખ્યાલ આવે છે કે ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન મહિલા જજ જો જાતીય અત્યાચારો સામે સંરક્ષણ ન મેળવી શકતાં હોય તો દેશના સામાન્ય નાગરિકો કે નોકરી કરતી સામાન્ય મહિલાઓ દેશના ન્યાયતંત્ર પાસે ઝડપી ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકે. આપણી સરકાર પણ જો ન્યાયતંત્ર પાછળ કરોડો રૂપિયાનો વ્યય કર્યા પછી મહિલાઓનું જાતીય શોષણ રોકવાની બાબતમાં લાચાર હોય તો મહિલાઓએ ઘરની બહાર નીકળતાં પહેલાં વિચારવું પડશે.

સોશ્યલ મિડિયામાં વાયરલ થયેલો પત્ર બાંદામાં પોસ્ટ કરાયેલા સિવિલ જજ અર્પિતા સાહુએ લખ્યો છે. તેમણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને લખેલા પત્રમાં ગંભીર આરોપ લગાવ્યા છે અને ઈચ્છામૃત્યુ માટે વિનંતી કરી છે. તેમણે લખ્યું છે કે ‘‘આ પત્ર લખવાનો હેતુ મારી કથા કહેવા અને પ્રાર્થના કરવા સિવાય બીજું કંઈ નથી. હું સામાન્ય લોકોને ન્યાય આપી શકીશ એવું વિચારીને હું ખૂબ જ ઉત્સાહ સાથે ન્યાયિક સેવામાં જોડાઈ હતી. મને ઓછી ખબર હતી કે ન્યાય માટે મને દરેક દરવાજે ભિખારી બનાવવામાં આવશે. હું ખૂબ જ નિરાશ હૃદયથી આ પત્ર લખી રહી છું.’’

બારાબંકીમાં પોસ્ટિંગ દરમિયાન સિવિલ જજ અર્પિતા સાહુને યાતનાઓમાંથી પસાર થવું પડ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમને રાત્રે પણ ડિસ્ટ્રિક્ટ જજને મળવાનું કહેવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ જજ પર શારીરિક અને માનસિક ત્રાસનો આરોપ છે. અર્પિતા સાહુએ કહ્યું છે કે ‘‘મેં ૨૦૨૨માં અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને આ મામલે ફરિયાદ કરી હતી. આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મારી સમસ્યા વિશે જાણવાની પણ કોઈએ પરવા કરી નથી. જુલાઈ ૨૦૨૩માં મેં ફરી એક વાર અલ્હાબાદ હાઈકોર્ટની આંતરિક ફરિયાદ સમિતિ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો.

તપાસ શરૂ કરવામાં ૬ મહિના અને એક હજાર ઈમેઇલનો સમય લાગ્યો હતો. પ્રસ્તાવિત તપાસ એક છેતરપિંડી છે. સાક્ષીઓ જિલ્લા ન્યાયાધીશને આધીન હોય છે. આવી સ્થિતિમાં સાક્ષી બોસ સામે કેવી રીતે જઈ શકે? જ્યારે સાક્ષી આરોપીના વહીવટી નિયંત્રણમાંથી મુક્ત હોય ત્યારે જ ન્યાયી તપાસ થઈ શકે. જ્યારે તપાસ બાકી હતી ત્યારે મેં ડિસ્ટ્રિક્ટ જજને ટ્રાન્સફર કરવાની વિનંતી કરી હતી; પરંતુ મારી વિનંતીને ધ્યાનમાં લેવામાં આવી ન હતી. તપાસ હવે જિલ્લા ન્યાયાધીશના હવાલે કરવામાં આવશે. અમે જાણીએ છીએ કે આવી તપાસનું પરિણામ શું આવે છે.’’

મહિલા ન્યાયાધીશે પોતાના પત્રમાં કામ કરતી મહિલાઓને કહ્યું હતું કે ‘‘તેઓએ કોઈ પણ પ્રકારના જુલમ સાથે જીવતાં શીખવું જોઈએ. આ આપણા જીવનનું સત્ય છે. કોઈ સાંભળતું નથી. જો તમે ફરિયાદ કરશો તો તમને હેરાન કરવામાં આવશે. હું મારા માટે નિષ્પક્ષ તપાસ કરાવી શકી નહીં. જો કોઈ મહિલા સિસ્ટમ સામે લડવાનું વિચારે છે તો તે ખોટું છે. હું એક જજ તરીકે આ અનુભવું છું. હું મે, ૨૦૨૩થી ઉત્તર પ્રદેશના એક જિલ્લામાં પોસ્ટેડ છું. ક્યાંય સુનાવણી થઈ નથી, કોઈએ મારી વાત નથી સાંભળી.

મને દિલ્હીમાં માત્ર ૮ સેકન્ડનો સમય મળ્યો હતો અને મારી અરજી ફગાવી દેવામાં આવી હતી. હવે મારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી, જેના કારણે મેં આવું પગલું ભર્યું છે.’’ ભારતના ચીફ જસ્ટિસને તેના ખુલ્લા પત્રમાં મહિલા ન્યાયાધીશે લખ્યું છે કે તેણે આ મહિને સુપ્રીમ કોર્ટમાં આરોપી સામે કાર્યવાહી કરવા માટે કરેલી અરજી પણ બુધવારે ફગાવી દેવામાં આવી હતી. જો મહિલા જજને પણ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા પછી પણ ન્યાય ન મળતો હોય તો દેશની સામાન્ય મહિલા સુપ્રીમ કોર્ટ કે દેશની કોઈ પણ કોર્ટ પાસે ન્યાયની આશા કેવી રીતે રાખી શકે?

મહિલા જજે પોતાના પત્રમાં લખ્યું છે કે “મારી સાથે કચરા જેવું વર્તન કરવામાં આવ્યું છે. મને એક જંતુ જેવું લાગ્યું. હું અન્ય લોકો માટે ન્યાય મેળવવા માંગતી હતી. હું બહુ નિર્દોષ છું! હું ભારતની તમામ વર્કિંગ વુમનને કહેવા માંગુ છું કે, તમે જાતીય સતામણી સાથે જીવતાં શીખો. જો તમે ફરિયાદ કરશો તો તમને હેરાન કરવામાં આવશે. તેમાં સુપ્રીમ કોર્ટનો પણ સમાવેશ થાય છે. તમને આઠ સેકન્ડની સુનાવણી થશે, તમારું અપમાન કરવામાં આવશે અને દંડની ધમકી આપવામાં આવશે. તમને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવશે અને જો તમે નસીબદાર છો તો તમારો આત્મહત્યાનો પ્રથમ પ્રયાસ સફળ થશે.

જો કોઈ મહિલા એવું વિચારે છે કે તમે સિસ્ટમ સામે લડશો તો હું તમને કહી દઉં કે હું એવું કરી શકી નથી અને હું જજ છું. હું મારા માટે નિષ્પક્ષ તપાસ પણ કરાવી શકી નથી. ન્યાય તો દૂરની વાત છે. હું બધી સ્ત્રીઓને રમકડાં અથવા નિર્જીવ વસ્તુ બનવાનું બંધ કરવાનું શીખવાની સલાહ આપું છું. હું હવે આ શરીરમાં આત્મા વિના ભટકી રહી છું અને તેનો કોઈ અર્થ બચ્યો નથી. મેં વિચાર્યું કે સુપ્રીમ કોર્ટ ચોક્કસપણે આટલી સરળ, સૌમ્ય પ્રાર્થના સાંભળશે. મને ક્યાં ખબર હતી કે મારી રિટ પિટિશન આઠ સેકન્ડમાં, કોઈ પણ સુનાવણી વિના, મારી પ્રાર્થનાને ધ્યાનમાં લીધા વિના બરતરફ કરી દેવામાં આવશે. મને લાગ્યું કે મારું જીવન, મારું ગૌરવ અને મારો આત્મા નકારવામાં આવ્યો છે. મને તે વ્યક્તિગત અપમાન જેવું લાગ્યું. કૃપા કરીને મને મારું જીવન સન્માનપૂર્વક સમાપ્ત કરવાની મંજૂરી આપો. મારા જીવનને પણ બરતરફ થવા દેવામાં આવે.’’

મહિલા જજની અરજી ૮ સેકન્ડમાં ફગાવી દેનારી સુપ્રીમ કોર્ટે હવે મહિલા ન્યાયાધીશના સોશ્યલ મિડિયામાં વાયરલ થયેલા પત્રની નોંધ લીધી છે. ભારતના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચુડે આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટ પાસે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને પત્ર લખીને મહિલા જજ દ્વારા કરવામાં આવેલી તમામ ફરિયાદોની માહિતી માંગી છે. સુપ્રીમ કોર્ટે ફરિયાદ સાથે કામ કરતી આંતરિક ફરિયાદ સમિતિ સમક્ષ કાર્યવાહીની સ્થિતિ વિશે પણ પૂછ્યું છે. હવે સુપ્રીમ કોર્ટ મહિલા જજનો કેવો ન્યાય કરે છે તે જોવાનું રહે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top