SURAT

પાંડેસરામાં બુટલેગરોએ રાજસ્થાની યુવકને જાહેરમાં ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો

સુરત: પાંડેસરા ભીડ ભજન આવાસમાં રાજસ્થાની યુવકને જાહેરમાં ફટકારી મોત ને ઘાટ ઉતારી દેવાયો હોવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ બચાવવા ગયેલા બે મિત્રોના હાથ-પગ તોડી નખાતા ડર ના માર્યા કશું પણ બોલવા તૈયાર ન હોવાનું સામે આવ્યું છે. હાલ બન્ને મિત્રોએ સિવિલમાં પ્રાથમિક સારવાર લીધા બાદ ખાનગીમાં ચાલી ગયા હોવાનું જાણવા મળ્યું છે. મધરાત્રે બનેલી ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે.

મિત્રોએ જણાવ્યું હતું કે મરનાર નું નામ વિશાલ શંકરભાઇ ગર્ગ ઉ.વ. 24 હોવાનું અને આશાપુરી-2 પાંડેસરાનો રહેવાસી છે. વિશાલ રાજસ્થાનનો વતની હતો. કેટરસ ના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ત્રણ ભાઈઓમાં નાનો ભાઈ હતો. માતા-પિતા અને પરિવાર સાથે રહેતો હતો.

શુક્રવારની મધરાત્રે વિશાલ ને ભીડ ભજન આવાસમાં બોલાવવામાં આવ્યો હતો. જ્યા રાકેશ અને હરીશ નામના બુટલેગરે જાહેરમાં લોખડના સળિયા અને ફટકા વડે માર મારી પતાવી દીધો હતો. એટલું જ નહીં પણ બચાવવા દોડેલા બે મિત્રોના પણ હાથ-પગ તોડી નાખ્યા હતા.

કૃણાલ સુરેશ પટેલ (ઇજાગ્રસ્ત) એ જણાવ્યું હતું કે તે ઇલેક્ટ્રિક વાયરમેન છે દિવાળી પછી બેકાર હોવાને કારણે છૂટક કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થાય છે. પરીવારમાં માતા અને બહેન છે. રાત્રે મિત્ર હિતેશ બળવંત રાણા સાથે વિશાલ ના ઘર બહાર બેસવા ગયા હતા. ત્યારબાદ વિશાલ કોઈ કામ માટે ગેટ પર જાઉં છું તેમ કહી ને નીકળ્યો હતો.

10 મિનિટ બાદ તેઓ બન્ને ગેટ પર જતાં કેટલાક ઈસમો વિશાલ ને ઉપાડી ને લઈ જતા હતા. જાહેરમાં જ લાકડાના ફટકા અને લોખડના સળિયા વડે હુમલો કરી જમીન પર પાડી દીધો હતો. બચાવવા જતા તેઓ બન્નેના પણ હાથ-પગ તોડી નાખ્યા હતા. મધરાત્રે બનેલી ઘટના બાદ વહેલી સવારે સિવિલ લવાતા વિશાલ ને મૃત જાહેર કરાયો હતો.

મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત ત્રણેય પૈકી બન્ને જણા પોતાના નિવેદન વારંવાર બદલતા હતા. ક્યારેક પડી ગયા હોવાનું, ક્યારેક અકસ્માત થયો હોવાનું અને છેલ્લે માર મરાયો હોવાનું નિવેદન આપ્યું હતું.

Most Popular

To Top