Charchapatra

તળ સુરતની ઐતિહાસિક અસ્મિતા અને પ્રાચીન સંસ્કૃતિનું જતન

તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ‘આશ્રમ ભૂમિવંદના’ના પ્રારંભ પ્રસંગે ખૂબ માર્મિક વાત કહી હતી કે,‘‘જે રાષ્ટ્ર પોતાની ધરોહરને સાચવવામાં સક્ષમ નથી, તે પોતાનું ભવિષ્ય પણ ગુમાવે છે.’’ આ વિધાન સુરતના વર્તમાન સંજોગોમાં અત્યંત પ્રસ્તુત જણાય છે. આજે સુરત મહાનગરનો વ્યાપ વધી રહ્યો છે, પરંતુ તેની મૂળ ઓળખ સમાન ‘કોટ વિસ્તાર’ (તળ સુરત) પોતાની ગરિમા ગુમાવી રહ્યો છે. મૂળ સુરતીઓ આજે મજબૂરીવશ કોટ વિસ્તારમાંથી હિજરત કરી રહ્યાં છે, જેનું મુખ્ય કારણ અસહ્ય દબાણો, ગંદકી અને પાર્કિંગની વિકટ સમસ્યાઓ છે.

સુરત મહાનગરપાલિકાએ બજેટમાં ‘કલ્ચરલ હબ’ બનાવવાની જાહેરાત તો કરી, પરંતુ જમીની સ્તરે તેનાં કોઈ નક્કર પરિણામો દેખાતાં નથી. હેરિટેજ સિટીનો દરજ્જો: અમદાવાદની જેમ તળ સુરતને પણ ‘હેરિટેજ સિટી’ જાહેર કરી પુરાતત્ત્વ વિભાગ દ્વારા ઐતિહાસિક ઇમારતોનું દસ્તાવેજીકરણ અને જાળવણી થવી જોઈએ.2. બાંધકામ પર નિયંત્રણ: સેન્ટ્રલ ઝોનમાં આડેધડ થતાં ગેરકાયદેસર બાંધકામો અને નિર્ધારિત માળ કરતાં વધુના બાંધકામ પર કડક રોક લગાવવી જોઈએ.૩. રહેણાંક વિસ્તારની પવિત્રતા: શેરી-મહોલ્લાઓને શુદ્ધ રહેણાંક વિસ્તાર જાહેર કરી ત્યાં દુકાનો બનાવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હળવી થાય.

દરેક એપાર્ટમેન્ટમાં પાર્કિંગની જગ્યાનો વ્યાવસાયિક ઉપયોગ બંધ થવો જોઈએ. ૪. ઝીરો દબાણ ઝુંબેશ: ભાગળ રાજમાર્ગ, ઝાંપા બજાર, સલાબતપુરા, ચોકબજાર, નાનપુરા અને બેગમપુરા જેવા વિસ્તારોને ‘ઝીરો દબાણ’ હેઠળ લાવી કાયમી અતિક્રમણમુક્ત કરવા જોઈએ. ૫. આંતરમાળખાકીય સુવિધા: કોટ વિસ્તારની દરેક શેરીમાં મજબૂત સીસી રોડ બનાવવા અને સફાઈ વ્યવસ્થાને વધુ સઘન બનાવી ઠેર-ઠેર લાગતા કચરાના ઢગલાઓથી મુક્તિ અપાવવી જોઈએ.સુરતનો વિકાસ ભલે થાય પણ તેની ઐતિહાસિક અસ્મિતાનો વિનાશ ન થાય તે જોવાની જવાબદારી તંત્ર અને નાગરિકો બંનેની છે.
સુરત     – નેહા સિંગાપુરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top