Sports

ઈન્ડોનેશિયામાં લાઈવ મેચમાં ફૂટબોલરના માથા પર વીજળી પડી, આ વીડિયો જોઈ તમે ચોંકી જશો

નવી દિલ્હી: ઈન્ડોનેશિયામાંથી (Indonesia) એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ એક એવો વીડિયો છે જે દરેકના હોંશ ઉડાવી દેશે. ઈન્ડોનેશિયાના બાંડુંગમાં ફૂટબોલ (Football) મેચ દરમિયાન વીજળી પડતા (Lightning strikes) એક ખેલાડીનું મોત (DeathOfAPlayer) થયું હતું. ખરાબ હવામાન વચ્ચે રમાઈ રહેલી મેચમાં અચાનક આ ખેલાડીના માથા પર વીજળી પડી હતી.

વીજળી પડતાં જ ખેલાડી ગ્રાઉન્ડ પર જ ઢળી પડ્યો હતો. આ દુર્ઘટનાએ મેદાન પર હાજર ખેલાડીઓને ચોંકાવી દીધા હતા. આટલું જ નહીં, આ ઘટનાનો વીડિયો કેમેરામાં પણ રેકોર્ડ થયો હતો અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ઈન્ડોનેશિયાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના 10 ફેબ્રુઆરી શનિવારના રોજ બની હતી, જ્યારે બાંડુંગના સિલિવાંગી સ્ટેડિયમમાં બે સ્થાનિક ક્લબ વચ્ચે ફૂટબોલ મેચ ચાલી રહી હતી. મેચ શરૂ થયાને માંડ 15 મિનિટ થઈ હતી ત્યારે હવામાન અચાનક ખરાબ થઈ ગયું હતું. વરસાદ ન પડ્યો હોવા છતાં આકાશ વાદળછાયું થવા લાગ્યું હતું અને પછી વીજળી ચમકી હતી. ત્યારે તો કશું થયું નહીં પરંતુ બીજી જ સેકન્ડમાં એક વીજળી ગ્રાઉન્ડ પર રમતા ફુટબોલના ખેલાડીના માથે પડી હતી.

આ ઘટનાના વિડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ફૂટબોલ મેચ ચાલી રહી હતી અને અચાનક તેજ પ્રકાશ સાથે મેદાનના એક ભાગમાં ઉભેલા એક ખેલાડી પર વીજળી પડી અને ત્યાં આગનો ચમકારો થયો હતો. જે ખેલાડી પર વીજળી પડી તે તે જ સમયે મેદાન પર ઢળી પડ્યો હતો. જ્યારે અવાજ અને વિસ્ફોટથી દૂર ઉભેલા અન્ય ખેલાડી પણ પડી ગયા હતા. કેટલાક અન્ય ખેલાડીઓ પોતાને બચાવવા માટે નીચે ઝૂકી ગયા હતા જ્યારે કેટલાક દોડવા લાગ્યા હતા.

જ્યારે બધાને ખબર પડી કે શું થયું છે ત્યારે તેઓ બેભાન પડી ગયેલા તેમના સાથી ખેલાડી તરફ દોડ્યા હતા અને તેને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો. રિપોર્ટ અનુસાર 30 વર્ષીય ખેલાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Most Popular

To Top