SURAT

ટ્રેનમાં ખોવાયેલી વસ્તુ ચાર મહિના બાદ યાત્રીને પરત મળી, સુરત રેલવે સ્ટાફની પ્રશંસનીય કામગીરી

સુરત(Surat): ખોવાઈ ગયેલી વસ્તુ પાછી મળે તેવું ભાગ્યે જ બનતું હોય છે. તેમાંય જો ટ્રેન (Train) કે રેલવે સ્ટેશન (RailwayStation) પર વસ્તુ ખોવાઈ હોય તો તે પાછી મળે તેવી આશા કોઈ રાખતું નથી. પરંતુ મધ્યપ્રદેશના (MP) વતની એક વ્યક્તિ સાથે ચમત્કાર થયો છે. ચાર મહિના પહેલાં આ યાત્રીની ખોવાયેલી ફાઈલ તેમને સહીસલામત પાછી મળી છે. સુરત રેલવે સ્ટાફે આ ફાઈલ તેના માલિકને પરત આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરત ચૌહાણ નામના રેલયાત્રી મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની છે. ગઈ તા. 11.10. 2023 ના રોજ તેઓ ટ્રેનમાં સુરતથી રતલામ જવા નીકળ્યા હતા. દરમિયાન તેમની ફાઈલ ક્યાંક છૂટી ગઈ હતી. બાદમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ ભરતભાઈની ફાઈલ સુરત ઉપ સ્ટેશન અધિક્ષક ઓફિસમાં જમાં કરાવી હતી.

આ ફાઈલને તપાસતા તેમાં એક કાગળ પર એક કોન્ટેક્ટ નંબર મળતા સુરત રેલવે સ્ટાફે વાયા વાયા ભરત ચૌહાણ સાથે સંપર્ક સાધ્યો હતો. ત્યારે ખબર પડી કે ભરતભાઈ ચૌહાણે જીઆરપી ઓફિસમાં ફાઈલ ગુમ થવા અંગે ફરીયાદ પણ કરી હતી. તેમની ફાઈલ સુરત રેલવે સ્ટેશનમાં સહીસલામત હોવાની જાણ કરવામાં આવી હતી. જોકે, ભરતભાઈ તબિયત નાદુરસ્ત હોવાને કારણે તાત્કાલિક મધ્યપ્રદેશથી સુરત આવી શક્યા નહોતા.

દરમિયાન આજ રોજ તારીખ 12 ફેબ્રુઆરીએ ભરત ચૌહાણ સુરત સ્ટેશને આવી મુખ્ય સ્વાસ્થ્ય નિરીક્ષક કૌશિકભાઈને સંપર્ક કર્યો હતો. કૌશિકભાઈએ સ્ટેશન અધિક્ષક અશ્વિની વર્મા, જીઆરપી પીઆઈ એમ.બી. વસાવા સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. ફાઈલ મળતા રેલયાત્રી ભરતભાઈ ચૌહાણે હાશકારો અનુભવ્યો હતો. તેમના ચહેરા પર આનંદ છવાઈ ગયો હતો.

અશ્વિની કુમાર વર્મા, સ્ટેશન અધિક્ષક સુરત, કૌશિક પટેલ મુખ્ય સ્વાસ્થ્ય નિરીક્ષક, જીઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. વસાવા, કોન્સ્ટેબલ ધ્રુવરાજ સિંહએ ફાઈલ રેલ યાત્રી ભરત ચૌહાણ અને એમના પિતા રાધેશ્યામ ચૌહાણને સુપરત કરી હતી અને એમને લાંબો સમય વિતી જવા છતાં બધા જ ડોક્યુમેન્ટ મળી જતા રેલ્વે પ્રશાસન નો આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top