Gujarat

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે પાર્કિંગમાં રહેલી ઇ-રિક્ષામાં આગ ફાટી નીકળી, આસપાસની તમામ રિક્ષા બળીને ખાખ

અમદાવાદ: નર્મદા (Narmada) જિલ્લાના એકતાનગર કેવડીયામાં સ્થિતિ સ્ટેચ્યૂ ઓફ યુનિટિ (Statue of Unity) જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટિની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા પ્રવાસીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આ-કાર અને ઈ રિક્ષાઓની (e-rickshaw) સુવિધાઓ ઊભી કરી છે. તેથી પ્રવાસીઓએ પોતાનું વાહન 7 કિલોમીટર દૂર પાર્ક કરીને ઈ-કાર (E-Car) અથવા તો ઈ રિક્ષાનો ઉપયોગ કરવાનો હોય છે. અહીં પિંક ઈ-રિક્ષાઓ 100 જેટલી ફરે છે. ત્યારે ગતરોજ રાત્રિના સમયે એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં ચાર્જિંગ પોઇન્ટથી 35 ફૂટ દૂર પાર્કિંગમાં પડેલી રિક્ષાઓમાં અચાનક જ આગ (Fire) લાગી અને 20 જેટલી ઈ-રિક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ છે.

મળસકે ઇ-રિક્ષામાં આગ ફાટી નીકળી, 20 રિક્ષા બળીને ખાખ
મળતી માહિતી અનુસાર બુધવારની મધરાત્રે આગ લાગ્યાની ઘટના બની હતી. SOU પરિસરની બહાર ચાર્જિગ સ્ટેશનથી 35 ફૂટ દૂર પાર્કિંગમાં 20 ઇ-રિક્ષા મૂકી હતી. ગુરુવારે મળસ્કે આશરે 3 વાગ્યાની આસપાસ એક ઇ-રિક્ષા સળગવા લાગી હતી, જોતજોતામાં આગે બાજુમાં પાર્ક કરેલી અન્ય ઇ-રિક્ષાને પણ પોતાના લપેટામાં લઈ લીધી હતી. થોડી જ વાર તમામ પિંક ઇલેક્ટ્રિક રિક્ષા ભડકે ભડકે બળી કાયમાળમાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે ફયર વિભાગ, પોલીસ તેમજ SOU તંત્ર દોડતું થઈ ગયું હતું.

ટેક્નિકલ તપાસ હાથ ધરી
આ દુર્ઘટનામાં 20 જેટલી ઇ-રિક્ષા સળગી ઉઠવાની જાણવા મળ્યું છે. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હાઈ વોલ્ટેજના કારણે ચાર્જમાં મુકેલી રીક્ષા બળીને રાખ થઈ ગઈ હતી. જોકે ટેક્નિકલ અને નિષ્ણાતોની ટીમ ઘટના હાઈ વોલ્ટેજ, બેટરી ફાટવા કે ઓવર ચાર્જીંગના લીધે ઘટના બની તેની તપાસ કરી રહી છે. તેમજ પોલીસ દ્વારા અસામાજિક તત્વે તો આ કૃત્યુને અંજામ આપ્યું નથી તે દિશામાં તપાસ પણ કરવામાં આવી રહી છે.

દુર્ઘટના બનતા તંત્ર દોડતું થયું
સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે કે ગતરાત્રિએ કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગ્યાની જાણકારી પ્રાપ્ત થાઈ તે પહેલા 20 જેટલી ઇ-રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. તેમના જણાવ્યા અનુસાર ઇ-રિક્ષા ચાર્જિગ સ્ટેશનથી 30-35 ફુટ દૂર પાર્કિંગમાં રાખવામાં આવી હતી, ત્યારે રાત્રે અચાનક જ આગ લાગ્યાની ઘટના બની હતી. ઘટના બન્યા બાદ SOU વહીવટી તંત્ર, પોલીસ તેમજ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે આ સમગ્ર બાબતે KETO કંપનીના પ્રતિનિધીએ કેવડીયા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરીયાદ આપી છે અને કેવડીયા પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાલ ચાલી રહી છે. પોલીસ દ્વારા એફએસએલની મદદ લઇને વૈજ્ઞાનિક ઢબે પણ તપાસ ચાલુ કરવામાં આવી છે. તેમજ KETO કંપનીના તજજ્ઞો દ્વારા પણ તપાસ હાથ ધરાઇ છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વ પર્યાવરણ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા SOU હાલના એકતાનગરને દેશની પેહલી ગ્રીન અને ઇલેક્ટ્રિક શહેર જાહેર કર્યું હતું. અહીં ઇ-રિક્ષા અંગે વર્કશોપ, સર્વિસ સ્ટેશન બનાવી મહિલાઓને પિંક ઇ-રીક્ષા ચલાવવાની તાલીમ પણ અપાઈ હતી. ત્યાર બાદ અહીં પ્રવાસીઓ માટે 25-25 અ-રિક્ષાઓ મૂકવામાં આવી હતી. જેમાં પિંક રિક્ષા મહિલાઓ જ ચલાવી રહી છે. આજે કેવડિયા ઇસિટીમાં 100થી વધુ ઇ-રીક્ષા પ્રવાસીઓ માટે દોડી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઇ-રિક્ષામાં ખામી હોવાની ફરિયાદ ઉઠી છે.

Most Popular

To Top