SURAT

સુરતના કોટ વિસ્તારના હિન્દુઓ દ્વારા ઉજવાતી એક સદી જૂની પ્રથા આ હોળીમાં પુન: જીવંત કરાઈ

સુરત: (Surat) હોલીકા (Holi) ઉત્સવ જે ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાય છે અને ધુળેટી (Dhuleti) પછીના દિવસે એટલે કે ફાગણ વદ ત્રીજના રોજ સુરતના કોટ વિસ્તારોના 12 પરા વિસ્તારોમાંથી ઘીસ (Ghish) એટલે કે ઢોલ-ત્રાંસા વગાડવાનો વરઘોડો અંગ્રેજ સરકારના સમયથી નીકળતો હતો. જેમાં એક ગલી કે મહોલ્લામાંથી નીકળી અન્ય ગલી કે મહોલ્લામાં આ વરઘોડો લઈને જતાં અને તે જ વિસ્તારના ગલી મહોલ્લાના લોકો વરઘોડામાં જોડાઈ જતા હતા અને એક નિયત જગ્યાએ ભેગા થઈ છૂટા પડતા હતા. જે પ્રથા છેલ્લાં 20 વર્ષથી બંધ થઇ જતાં આ વર્ષે મહિધરપુરાના દાળિયા શેરી પ્રગતિમંડળનાં 50 વર્ષ પૂર્ણ થતાં હોવાથી ફરીથી આ પ્રથાને આગામી તા.20મીના રોજ જીવંત કરાશે.

દાળિયા શેરી પ્રગતિમંડળના પ્રમુખ અનીલભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઘીસના વરઘોડાની પ્રથા બીજા વિશ્વયુદ્ધ પછી એટલે કે 1945 બાદ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ ભારત દેશની આઝાદી બાદ ફરી શરૂ થઈ હતી અને 1985ના સમયગાળામાં નવનિર્માણની ધમાલ બાદ બંધ થઈ હતી. બાદ 2003માં ચાલુ થઇ હતી. પરંતુ સદંતર બંધ થઈ હતી. “દાળીયા શેરી પ્રગતિમંડળ’ 50 વર્ષ પૂર્ણ થતાં આ ઘીસના વરઘોડાની પ્રથા ફરીથી શરૂ કરી રહ્યું છે. મહિધરપુરા પીપળા શેરીનું મંડળ ઘીસનો વરઘોડો લઈ નીકળશે. જે જૂની પ્રથા મુજબ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જદાખાડી-દાળિયા શેરી–ઘીયા શેરી–દુઘારા શેરી-નાગર શેરી-લીંબુ શેરી–ગુંડી શેરી–મોટી શેરી-ભૂત શેરી સહિત ઘણી બધી શેરીનાં મંડળો ઘીસના વરઘોડામાં ઉત્સાહભેર જોડાશે. રૂઘનાથપુરા વરાછા શેરીથી રૂઘનાથપુરા સતીમાતાની શેરીમાં સતીમાતાનાં મંદિરે દર્શન કરી ઘીસનો વરઘોડો વિસર્જિત થતો હતો. એ સમયે સૌ શેરી-મહોલ્લાનાં મંડળો ઉત્સાહભેર ઘીસના વરઘોડામાં જોડાતા હતા. જેમાં કોઈ વેપારનો કે કોઈ કમાણીનો હેતુ ન હતો. ફક્ત ઉત્સવની ખુશીનો હેતુ રાખવામાં આવતો હતો. કદાચ એ વખતે અંગ્રેજોની સરકાર બાદ આઝાદી પર્વ પછી આ ઉત્સવમાં હિન્દુ એકતાનો હેતુ જળવાતો હશે એવું માનવું અયોગ્ય નથી. જેમાં હિન્દુ કોમના દરેક સભ્યો ભાગ લેતા હતા. એક પ્રચલિત રિવાજ હતો, જે ઘણા ઓછા લોકો જાણતા હશે.

ઘીસના વરઘોડામાં મસાલ રાખવામાં આવતી હતી
ઘીસના વરઘોડામાં આગળના ભાગે મસાલ રાખવામાં આવતી હતી. કેમ કે, તે સયમમાં ચામડાથી મઢેલાં ઢોલ-ત્રાંસાં હતાં, તેને ગરમ કરવા માટે મસાલ રાખતા અને ખાસતો, ઢોલ–ત્રાંસાં વગાડનારને સમયાંતરે આરામ પણ મળી રહેતો તેવા આશ્રયથી મસાલ આગળના ભાગે રાખવામાં આવતી હતી.

Most Popular

To Top