Madhya Gujarat

આણંદ ટાઉન પોલીસની કસ્ટડીમાં બુટલેગરનું અચાનક મૃત્યુ નિપજ્યું

નડિયાદ: દેશી દારૂના ગુનામાં ઝડપાયેલાં એક આરોપીનું આણંદ ટાઉન પોલીસની કસ્ટડીમાં જ મોત નિપજતાં ચકચાર મચી હતી. આ આરોપીનું હાર્ટએટેક આવવાથી મોત નિપજ્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે આણંદ ટાઉન પોલીસે અપમૃત્યુ નોંધ કરી છે. આણંદ શહેરના બાલુપુર વિસ્તારમાં રહેતો બુટલેગર રાજુ પ્રતાપભાઈ ઠાકોર દેશી તથા વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલો હતો. જેની ગત શનિવારના રોજ બપોરના સમયે આણંદ ટાઉન પોલીસની ટીમે દેશી દારૂના ગુનામાં અટકાયત કરી હતી.

જે બાદ પોલીસે આરોપી રાજુભાઈ ઠાકોરને આણંદ ટાઉન પોલીસમથકના લોકઅપ રૂમમાં રાખ્યો હતો. તે દરમિયાન રવિવારના રોજ સવારના સમયે આરોપી રાજુભાઈ ઠાકોરનું પોલીસ કસ્ટડીમાં જ એકાએક મોત નિપજ્યું હતું. તેની સાથે લોકઅપમાં કેદ અન્ય આરોપીઓએ આ અંગેની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસની ટીમ પોલીસ લોકઅપ રૂમમાં પહોંચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રાજુભાઈ ઠાકોરનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાઈ આવ્યું હતું. આ મામલે પોલીસે અપમૃત્યુ નોંધ દાખલ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે આણંદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.બ્રહ્મભટ્ટ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આણંદના બાલપુરા ખાતે રહેતા રાજેશભાઈ પ્રતાપભાઈ ઠાકોરને દેશી દારૂના ગુનામાં પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જેને પોલીસ લોકઅપ રૂમમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન તેનું છાતીમાં દુખાવાના કારણે મોત નીપજ્યું હતું.

Most Popular

To Top