Madhya Gujarat

યાત્રાધામ ડાકોરમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર ફેલાવાથી યાત્રાળુઆેને પડતી હાલાકી

ડાકોર: યાત્રાધામ ડાકોરમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ગટર ઉભરાવવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. નગરમાં ઠેર-ઠેર ગટરો ઉભરાઈ રહી છે અને તેના ગંદા પાણી રોડ પર ફેલાઈ રહ્યાં છે. તેમછતાં પાલિકાનું નઘરોળતંત્ર આ સમસ્યાના નિરાકરણ માટે સહેજ પણ ધ્યાન આપતું ન હોવાથી નગરજનો તેમજ વૈષ્ણવો ગટરના ગંદા પાણીમાં પગ મુકીને અવરજવર કરવા મજબુર બન્યાં છે. ખેડા જિલ્લાના ડાકોર ગામમાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનનું વિશ્વ વિખ્યાત મંદિર આવેલું છે. આ મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. જેથી રાજ્ય સરકાર દ્વારા ડાકોર ગામને યાત્રાધામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

બીજી બાજુ યાત્રાધામ ડાકોરમાં આવનાર શ્રધ્ધાળુઓને વિશેષ સુવિધા મળી રહે તે હેતુસર સરકાર તરફથી વિશેષ ગ્રાન્ટોની ફાળવણી પણ કરવામાં આવી રહી છે. પરંતુ, સરકારની ગ્રાન્ટોમાંથી મોટાભાગની રકમ સ્થાનિક તંત્ર દ્વારા ચાંઉ કરી દેવામાં આવતી હોય છે. જેને પગલે યાત્રાધામ ડાકોરની હાલત છેવાડાના ગામડા કરતાં પણ બદતર બની છે. છેલ્લાં ઘણાં સમયથી ગામમાં ઠેર-ઠેર ગટરો ઉભરાઈ રહી છે અને તેના ગંદા પાણી રસ્તા પર ફેલાઈ રહ્યાં છે. જેને પગલે જે તે વિસ્તારોમાં રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ છે. ભરતભવન પાસે, હોળીવાળા મહારાજની જગ્યા પાસે અને કુળેશ્વરી માતા મંદિર પાસે છેલ્લાં એક મહિનાથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યાં છે.

જેને પગલે આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આ મામલે સ્થાનિકો તેમજ જાગૃત નાગરીકો દ્વારા પાલિકાતંત્ર સમક્ષ અનેકોવાર રજુઆતો કરવામાં આવી છે. તેમછતાં, પાલિકાતંત્ર દ્વારા ઉભરાતી ગટરની સમસ્યાના કાયમી નિરાકરણ માટે તસ્દી લેવામાં આવતી નથી. જેને પગલે ગટર ઉભરાવવાની સમસ્યા વકરી છે અને નગરજનો તેમજ વૈષ્ણવો ગટરના ગંદા પાણીમાં પગ મુકીને અવરજવર કરવા મજબુર બન્યાં છે. ત્યારે લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા વહેલીતકે ગટર ઉભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તે જરૂરી છે.

ગટર ઉભરાવાની સમસ્યા બાબતે કલેક્ટરને અરજી કરીશું ઃ સ્થાનિકમાં રોષ
આ મામલે સ્થાનિક અરવીંદભાઈ શાહ જણાવે છે કે, ડાકોરના વડાબજાર વિસ્તારમાં કુળેશ્વરી માતા મંદિર પાસે ગટરના ગંદા પાણી છેલ્લા એક માસથી ઉભરાય છે. જેથી સ્થાનિકો તેમજ વૈષ્ણવોને આ ગંદા પાણીમાંથી ચાલવું પડે છે તે ડાકોર નગરને લજાવે છે. જો સત્વરે ડાકોર નગરપાલિકા આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી બંધ નહી કરે તો અમે ક્લેક્ટર કચેરી ખાતે અરજી કરી, ધ્યાન દોરીશું.

Most Popular

To Top