World

અમેરિકામાં 6 વર્ષનાં બાળકે ચાલુ ક્લાસમાં શિક્ષિકાને ગોળી મારી

વોશિંગ્ટન: અમેરિકા (America) માં ફાયરીંગ (Firing)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શાળામાં અભ્યાસ કરતા 6 વર્ષનાં બાળકે (Student) શિક્ષિકા (Teacher) પર ક્લાસરૂમમાં ફાયરીંગ કરતા ચકચાર મચી જવા પામી છે. ગોળી વાગવાના કારણે શિક્ષિકા ગંભીર રીતે ઘાયલ રહી હતી. મળતી માહિતી મુજબ, શાળામાં સામાન્ય બોલાચાલીમાં વિદ્યાર્થીએ આ કૃત્ય કર્યું હતું. જો કે આ ઘટનામાં અન્ય કોપી વિદ્યાર્થીઓ ઘાયલ થયા નથી. પરંતુ જે પ્રકારે ઘટના સામે આવી છે તેને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ આ ઘટના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વર્જીનિયામાં બની આ ચોંકાવનારી ઘટના
અમેરિકાના વર્જીનિયામાં આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના વર્જિનિયાની રિચનેક એલિમેન્ટરી સ્કૂલમાં બની હતી. જેમાં એક 6 વર્ષના બાળકે તેના ક્લાસરૂમમાં ફાયરિંગ કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે વર્ગમાં ભણાવતા શિક્ષક ગોળી લાગવાથી ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસ વડા સ્ટીવ ડ્રુએ જણાવ્યું કે ગોળીબાર કરનાર માત્ર 6 વર્ષનો બાળક હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. પોલીસે જણાવ્યું કે પીડિતા એક શિક્ષિકા છે, તેની ઉંમર 30 વર્ષ હોવાનું કહેવાય છે. ગોળી વાગવાથી મહિલા શિક્ષિકાની હાલત ગંભીર છે. પોલીસે કહ્યું કે આ અકસ્માત નથી.

બાળકો અને યુવાનો માટે બંદૂકો ન હોવી જોઈએ
ફાયરિંગમાં ગંભીર રીતે ઘાયલ મહિલા શિક્ષિકાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેની સારવાર ચાલી રહી છે. સાથે જ પોલીસ આ ઘટના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. શહેરની શાળાઓનાં સુપરિન્ટેન્ડેન્ટ જ્યોર્જ પાર્કરે કહ્યું કે હું આઘાતમાં છું અને હું નિરાશ છું. બાળકો અને યુવાનો માટે બંદૂકો ઉપલબ્ધ ન હોય તેની ખાતરી કરવા માટે અમને સમુદાયના સમર્થનની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મે મહિનામાં ટેક્સાસમાં એક 18 વર્ષના બંદૂકધારીએ 19 બાળકો અને બે શિક્ષકોની હત્યા કરી હતી. રિપોર્ટ્સ અનુસાર અમેરિકામાં ગયા વર્ષે ગન ફાયરિંગને કારણે લગભગ 44 હજાર લોકોના મોત થયા છે.

હાલ શંકાસ્પદ વિશે કોઈ માહિતી નહિ
પોલીસે જણાવ્યું હતું કે શાળા અને પોલીસ અધિકારીઓ વિદ્યાર્થીઓ અને પરિવારોને ફરીથી જોડવા માટે કામ કરી રહ્યા છે અને વધુ તપાસ પછી વધુ માહિતી આપવામાં આવશે. હાલ પોલીસ શકમંદ વિશે કોઈ માહિતી આપી શકતી નથી. ન્યૂપોર્ટ ન્યૂઝ શહેરમાં જ્યાં આ ફાયરિંગની ઘટના બની છે, તેની વસ્તી 1 લાખ 85 હજારથી વધુ છે. આ શહેર ચેસપીક અને વર્જિનિયા બીચથી લગભગ 40 માઇલ દૂર છે. આ શહેર યુએસ નેવી માટે જહાજ નિર્માણ માટે પણ જાણીતું છે.

Most Popular

To Top