તમે કોફી રાખો છો?’ ચશ્મા આંખો પરથી હટાવી પોતાના દુપટ્ટા વડે ચહેરા પરથી પરસેવો લૂછતાં એક સુંદર યુવતીએ મને પૂછ્યું. મારા બાંકડે એક યુગલ આવ્યું હતું. એમાંથી યુવાને એક ચાનો ઓર્ડર આપ્યો અને એની સાથેની યુવતીએ મને કોફી વિશે પૂછ્યું. મેં ઇશારાથી બાજુમાં નિલેશનો સ્ટોલ દેખાડતા કહ્યું ‘ત્યાં મળશે કોફી’ ‘ થેન્ક્સ’ કહી એ યુવતી નિલેશના સ્ટોલ તરફ ગઈ અને એક અન્ય સુંદર યુવતી મારા બાંકડે આવી અને પેલા યુવાનની નજીક જઈ બોલી ‘ફોન કેમ નથી ઉપાડતો?’
યુવકે એની સામે ચમકીને જોયું પછી બાજુમાં મુકેલા પોતાના સેલફોન તરફ જોયું અને ફોન હાથમાં લઇ બોલ્યો ‘આ લો ઉપાડી લીધો –પણ તમારે આટલા નજીક શું કામ બેસવું છે!’ યુવતીએ આ હરકત જોઈ ચિઢાઈ જતા પૂછ્યું ‘જોક કરે છે?’‘ના’ યુવાને ટૂંકમાં જવાબ આપ્યો.‘હું પૂછું છું કે મારા ફોનનો જવાબ કેમ નથી આપતો?’હવે યુવાને એ યુવતીની સામે જોયું અને કહ્યું ‘તમને કોઈક ગેરસમજ થઇ છે-હું તમને ઓળખતો નથી…’ યુવતીએ ધૂંધવાઈને એ યુવકના હાથમાંથી ફોન આંચકી લીધો…યુવક ‘અરે અરે…’ કરતો ઉભો થઇ ગયો. યુવતી થોડી દુર હતી ફોન તપાસવા માંડી… અને હતાશ સ્વરે બોલી’ કાલ રાતથી મેં પચ્ચીસ ફોન કર્યા આમાં એક પણ કોલ નથી દેખાતો!’
‘આ મારો ફોન છે-’ કહી યુવકે યુવતીના હાથમાંથી ફોન પાછો લઇ લીધો અને પૂછ્યું ‘છો કોણ તમે?’ ‘મને ઓળખતો નથી તો અહીં મળવા કેમ આવ્યો?’ ‘હું તમને મળવા નથી આવ્યો’ કહી મ્હો બગાડી યુવક ફરી બાંકડા પર બેસી ગયો. ‘આ શું નાટક છે?’ યુવતીએ રોષપૂર્વક પૂછ્યું. એટલામાં યુવક સાથેની યુવતી કોફી લઇ પાછી આવી અને બીજી યુવતીનો પ્રશ્ન સાંભળી નવાઈ પામતા યુવકને પૂછવા માંડી ‘આ કોણ છે!’ ‘મને નથી ખબર’ યુવકે કહ્યું. ‘આ કોણ છે!’ બીજી યુવતીએ કોફીવાળી યુવતીને જોઈ આઘાત સાથે પૂછ્યું. ‘એ તમને નથી ખબર’ યુવકે બીજી યુવતીને જવાબ આપ્યો. ‘નથી ખબર એટલે તો પૂછું છું’ બીજી યુવતીએ અકળાઈને કહ્યું.
‘અરે હું કોણ છું એ એને શું પૂછે છે –મને પૂછ’ કોફીવાળી યુવતીએ ચિઢાઈ જતા બીજી યુવતીને કહ્યું. ‘મારે તમારી સાથે વાત નથી કરવી હું તમને ઓળખતી નથી..’ બીજી યુવતીએ કોફીવાળી યુવતીને કહ્યું. ‘અને હું તમને ઓળખતી નથી’ આગળ કોઈ કંઈ બોલે એ અગાઉ સામે રોડ પર મોટો ધડાકો થયો સહુનું ધ્યાન રોડ તરફ ગયું. એક બાઈકનું ટાયર અચાનક ફાટ્યું. બાઈક ધારક રસ્તા પર ગબડી પડ્યો. સહુ લોકો ભેગા થઇ ગયા. કોફીવાળી યુવતી, યુવક અને પેલી બીજી યુવતી પણ દોડી ગયા. આવા બનાવની મને નવાઈ નહોતી આથી હું ચા ઉકાળતા એ તરફ જોઈ રહ્યો અને બે યુવતીઓ સામ સામે આવી જતાં ફસાઈ ગયેલા યુવક બાબત વિચારવા માંડ્યો.
ભીડ વધતી ગઈ પણ પેલો યુવક પાછો મારા બાંકડે આવી બેસતાં બોલ્યો ’ચા આપો’ ચા આપતા હું વિચારી રહ્યો કે પેલી બન્ને યુવતીઓ ક્યા ગઈ? ભીડમાં જ હશે હજી? એટલીવારમાં પેલી બીજી છોકરી પાછી આવી અને યુવક સામે ગુસ્સામાં જોઈ રહી. યુવકે એને જોઈ પૂછ્યું ‘ચા પીશ?’
જવાબ આપવાને બદલે એ મ્હો ફુલાવી યુવકની બાજુમાં બેસી ગઈ. યુવકે મને ચા આપવા ઈશારો કર્યો. યુવતીએ ચા લીધી. યુવકે પૂછ્યું ‘હવે તો બોલ’‘પેલી કોણ હતી?’‘કોની વાત કરે છે?’ ‘ઓહ.. પેલી કાલે? એ તો મારી પાડોશણ હતી…’‘આજની વાત કર-પાડોશણ જોડે તું અહી ચા પીવા આવ્યો છે!’‘ના. હું તો એકલો આવ્યો છું…’‘એમ! તો હમણાં મારી સાથે લમણા લેતી હતી તે કોણ હતી!’ ‘મને શું ખબર તું કોની કોની સાથે લમણા લે છે?’ યુવાને સહજતાથી ચાની ચૂસકી લેતા કહ્યું.દૂધ ગરમ કરવા ચુલા પર મુકતા પણ હું આ યુવકની હિમ્મત અને બેશરમીને આભો બની જોતો રહી ગયો. એટલામાં પેલી કોફીવાળી યુવતી આવી અને પેલી બીજી યુવતીને તાકતા ગુસ્સામાં બોલી ‘તું હજી અહી જ છે અને હવે આની બાજુમાં કેમ બેઠી છે?’યુવક અને પેલી બીજી યુવતી બન્ને આ સવાલથી ચમક્યા. અચાનક યુવકે એ કોફીવાળી યુવતીને તાકતા એની સાથે બેઠેલી બીજી યુવતીને પૂછ્યું ‘આ કોણ છે?’‘તું જાણે! હું નથી ઓળખતી!’
હવે કોફીવાળી યુવતીનો આ સવાલથી તેજોવધ થઇ ગયો એણે ગીન્નાઈને યુવાનને પૂછ્યું ‘ તું મને નથી ઓળખતો!’ ‘ના.. તમારી કંઇક ગેરસમજ થઇ રહી છે…’ કહી યુવકે ચાની પ્યાલી ખાલી કરી સામે ટેબલ પર મુકતા એની સાથે બેઠેલી યુવતીને પૂછ્યું ‘તારી ચા પીવાઈ ગઈ?’ કોફીવાળી યુવતીએ છંછેડાઈને યુવકનો હાથ ઝાલી લેતા પૂછ્યું ‘શું માંડ્યું છે આ વળી?’
યુવકે પોતાનો હાથ છોડાવી લેતા કહ્યું ‘સોરી..’ મારી સામે એક નાટ્યાત્મક દ્રશ્ય ખડુ થયું હતું, જેમાં એક યુવક પર બે યુવતીઓ દાવો કરી રહી હતી અને છેલ્લી દસ મીનીટમાં યુવકે મારી આંખો સામે પોતાની સાથી બદલી નાખી હતી. ‘બાઈક વાળાને ખુબ વાગ્યું છે..તેં જોયું ?’ અચાનક એવો અવાજ આવતા ત્રણેએ અને મેં પણ આમ બોલવાવાળા યુવાન તરફ જોયું અને ચકરાઈ ગયો : જોયું તો મારા બાંકડા પર ચા પી રહેલા યુવાનનો એ હમશકલ હતો. બન્ને યુવતીઓ ગૂંચવાઈ ગઈ. બન્ને યુવાને એક બીજાને જોઈ મ્હો ફેરવી લીધું. મેં જોયું તો બન્નેના કપડા પણ સરખા હતા – બ્લેક ટીશર્ટ અને બ્લુ જીન્સ. જો કે એ બન્ને સાથે મારી સામે હતા એટલે એકના કપડા વધુ ડાર્ક રંગના છે એ સમજાયું.‘તમે બન્ને જોડિયા ભાઈ છો?’ કોફીવાળી યુવતીએ એક યુવાનને પૂછ્યું. ‘હા.. હવે ખોટી ગૂંચવાયા ન કર – આપણે સાથે આવેલા અહીં – પછી હું બાઈક વાળાને જોવા ગયો ત્યારે આ મૂરખ અહીં આવી ગયો હશે-’
‘હું મૂરખ નથી’ બીજો યુવાન તાડૂક્યો –‘પણ તેં ક્યારેય કહ્યું નહિ કે તારો કોઈ જોડિયો ભાઈ છે?’ બીજી યુવતીએ પોતાની સાથેના યુવાનને અકળાઈને કહ્યું.‘હું શું કામ આની પબ્લીસીટી કરુ? કેટલો ઉદ્ધત છે જોયું નહી?’ યુવાને જવાબ આપ્યો. એ ચારે થોડી વાર મામુલી બાબતો પર ઝઘડીને આખરે મારા બાંકડેથી રવાના થયા. ત્યાર સુધીમાં હું જોડિયા અને સરખા દેખાવવાળા આ બનાવથી અલગ ચકરાવે ચઢી ગયો હતો. શું આ વડાપાંઉ વેચતી રૂપાની પણ કોઈ જોડકી બહેન હશે જેને મેં અને શિંદેએ ડ્રગ્સ પ્રકરણ વખતે જોઈ હતી? અથવા એના પ્રેમી રાજુના અદ્દલ દેખાવનો કોઈ યુવાન હોઇ શકે?
આ બધું વિચારતા હું એટલો ગૂંચવાઈ ગયો કે મને થયું કદાચ આ કોફી વેચતા નિલેશનો પણ કોઈ જોડિયો ભાઈ હોઈ શકે જે ગઈકાલે બારમાં રૂપાના પ્રેમી રાજુ સાથે દારુ પીતો હતો! કે પછી રૂપાના પ્રેમી રાજુના જોડિયા ભાઈ સાથે નિલેશનો જોડિયો ભાઈ દારુ પીતો હતો! કે પછી રૂપાની જોડકી બહેનના પ્રેમી રાજુના જોડિયા ભાઈ સાથે નિલેશનો જોડિયો ભાઈ દારુ પીતો હતો! પણ રૂપાની જોડકી બહેન ધારોકે હોય તો પણ એનો પ્રેમી રૂપાના પ્રેમી રાજુનો જોડિયો ભાઈ જ હોય એ કંઈ જરૂરી નહોતું! મારી આંખ સામે અદ્દ્લોઅદ્દ્લ દેખાવના બે યુવાનોને જોઈ હું ચકરાઈને મ્હો માથા વગરની વાતો વિચારી રહ્યો હતો કે શું? ***
નિલેશ અને રૂપાનો તથાકથિત પ્રેમી ગઈ રાતે બારમાં સાથે બેસી દારુ પીતાં હતા એવો ફોટો સવારે શિંદેએ રૂપાને બતાવ્યો હતો. શિંદેએ નીલેશનો ફોટો બતાવવાને બહાને એ બન્નેનો ફોટો બતાવ્યો હતો અને રૂપાએ ફોટો જોઈ ચમકીને પૂછ્યું હતું : ‘યે નિલેશ કે સાથ કોણ માણહ બેઠેલા હૈ ?’
ત્યારે શિંદે અને હું એક બીજાને જોઈ રહ્યા – શિંદેએ તીર માર્યું એ નિશાને લાગ્યું હતું… શિંદેએ એક કુશળ પોલીસકર્મીને છાજે એવા સહજતાના અભિનય સાથે જવાબ આપ્યો હતો : ‘અબી બોલે તો નિલેશ કે સાથ કૌન બૈઠા હૈ વો અપને કો કૈસે માલુમ? હોઈંગા ઉસકા કોઈ દોસ્ત અપુન કો ક્યા લેના દેના!’ બોલી ઉમેર્યું ‘ક્યોં પૂછા? તુમેરા ઓળખીચા આહે કા હે?’ રૂપાએ કહ્યું ‘ઓળખાણ વાળા હે – ઇસકુ હોધને કે હારુ ચ મેં મુંબઈ આવેલી હૈ-’
‘તુમ તો કોઈ રાજુ ચાય વાલેકો ઢૂંઢ રહી થી ના-’ ‘તે યે ચ હૈ – નિલેશ કે સામને ચોડાયેલા હૈ તે-’ કંઇક રોષ સાથે રૂપા બોલી. ‘ચોડાયેલા’ શબ્દનો અનર્થ કરી શિંદેએ કહ્યું ‘ચૌડા તો નહી લગતા યે આદમી –પતલા ઈ ચ હૈ…’ રૂપા તમતમતા ચહેરે શિંદે સામે જોઈ બોલી ‘જાડા હોય કે પતલા- તુમેરેકો ક્યા?’ ગેરસમજના ગુણાકાર થાય એ પહેલા મેં વાતનો દોર મારી પાસે લઇ રૂપાને કહ્યું ‘તમે નિલેશને પૂછી જુઓ – એ બન્ને એક બીજાને ઓળખતા હોય તો તમારું કામ થઇ ગયું- એ રાજુને તમે આસાનીથી મળી શકો.’
‘હા આ નિલેસને પૂછવું જ પડહે – હારો આ તે કંઈ માણહ છે કે! મને અજુન લગણની મઈલોને કોફીવારા હાથે દારુ પીવાની ફુરસત મલી ગઈ!’ કહી પોતાના સ્ટોલ તરફ જોતા બોલી… ‘આટલી વારમાં તો વડાપાંઉ હારુ કેટલા લોકો ભેગા થેઈ ગીયા! બપોરે એ જમવા અહી આવતો છે ને? ત્યારે જ આવીને પૂછું…’ કહી એ ચાલી ગઈ હતી. શિંદે આ સાંભળી ‘દોપહર કો મૈ ભી આતા હું – કહાની મેં ક્યા ટ્વીસ્ટ હૈ અપુન ભી દેખતે હૈ…’ કહી ચાલ્યો ગયો હતો.
***
જમવાનો સમય થાય અને નિલેશ આવે એ અગાઉ મારા બાંકડા પર આ જોડિયા કાંડ થઇ ગયો…આખરે મેં જમવા માટે ચૂલો બંધ કર્યો. ઉત્સુક શિંદે પણ આવી ગયો. અમે બન્ને નિલેશની વાટ જોઈ રહ્યા. એ બપોરે મારી સાથે જ જમતો. એ પણ એનું ટીફીન લઇ આવી ગયો. રૂપા આવીને એને કંઈ પૂછે એ પહેલા શિંદેએ એને પેલો ફોટો બતાવી કહ્યું ‘ક્યા નિલેશ ભાઉ –અકેલે અકેલે પાર્ટી કરતે હો? હમકો નહિ બુલાને કા?’ નિલેશે ફોટો જોઈ ખુશ થઇ કહ્યું ‘મસ્ત ફોટો નિકાલા હૈ –પર એસા ચુપચાપ દુર સે ફોટો ખીંચ લિયા તો મેરે કો મિલે ક્યોં નહિ! અપન લોગ સાથ મેં બૈઠ કે પીતે ના?’ શિંદે કે હું કંઈ બોલીએ એ પહેલા ત્યાં આવી ગયેલી રૂપાએ નિલેશને પૂછ્યું ‘આ તમારી હામ્ભે બેઠો છે એ કોણ છે?’ ‘કોને ખબર! હું નથી ઓળખતો. બારમાં ભીડ બહુ હતી – કોઈ જગ્યા ખાલી નહોતી એટલે આ મારી સામે બેસી ગયો હતો…’ અમે ત્રણે એક બીજાને જોઈ રહ્યાં- આ વાતમાં કોઈ વળ તો નહિ હોય ને! નિલેશ કશું છુપાવતો તો નહિ હોય?