સંવેદનાયુક્ત જીવન જ સાચું જીવન છે. જીવનમાંથી સંવેદનાનું તત્વ ઓછું થઈ જાય તો જીવન જીવવાનો થાક લાગશે. જીવતર કપરું થઈ જાય છે, પણ જીવનનો સાચો આનંદ માણવો હોય તો માણસે સંવેદના ક્યારેય ન ગુમાવવી જોઈએ. ડૉ.હોમી ભાભા રોજ અઢાર કલાક કામ કરાતા હતા, પણ ક્યારેય તેમના મોં પર થાક દેખાતો ન હતો. તેમની પત્ની તેમને વારંવાર ચેતવણી આપ્યા કરતી હતી કે, ‘એક દિવસ તમે એવા પટકાઈ પડશો કે મને ત્યારે યાદ કરશો.’ પણ હોમી ભાભા તેને કહેતા, ‘જો મને જરાયે થાક નથી લાગતો.

પત્ની કહેતી, ‘હું તો ઘરકામ કરીને થાકીને પોટલું થઈ જાઉં છું.’ તો ભાભા કહે,‘એ તારી કમનસીબી કહેવાય.’ દુનિયામાં જૂજ માણસો જ પુરુષાર્થમાંથી પ્રસન્નતા શોધી શકે છે. મોટાભાગના લોકો મહેનતથી દૂર ભાગે છે. તેની પાછળ તેમની શારીરિક શક્તિ અને માનસિકતા બંને જવાબદાર હોય છે. ઘણા શારીરિક રીતે થોડા નબળા હોય, પણ તેમની માનસિકતા મજબૂત હોય તો એ કામ કરતાં ક્યારેય થાક અનુભવતા નથી.
ઘણાને જીવનનો થાક એટલે લાગે છે કે તેઓ જીવન જીવવાની પધ્ધતિ જાણતા નથી કે પરિશ્રમ કે કર્મ પ્રત્યેની તેમની દૃષ્ટિ યોગ્ય નથી. જીવનની પધ્ધતિ અને દૃષ્ટિ બદલો તો જીવન જીવવાનો થાક નહીં લાગે. તમારા કર્મ પ્રત્યેની દૃષ્ટિ જ તમારા થાકનું કારણ છે. તમે જે કામ કરો છો, તેમાંથી તમે આનંદ મેળવી શકો એ જરૂરી છે. એટલે જ કહેવાય છે કે, રસનો વિષય હોય તેમાં જ માણસે પરિશ્રમ કરવો.
તેમ છતાં નસીબ જોગે તમને તમારા રસનું કામ કે ક્ષેત્ર નથી મળતું, તો તમને જે કાર્ય મળ્યું છે તેમાં પૂરી નિષ્ઠા સાથે દિલ લગાવીને કામ કરો તો તમને થાક ક્યારેય નહીં લાગે. તમે તમારા કામને જો વેઠ સમજશો, તેના પ્રત્યે ધૃણા કરશો, તો તમને એ કામ કરતાં જરૂર થાક લાગશે. થાક લાગવો, ન લાગવો એ શારીરિક સાથે માનસિક પરીબળ પણ જોડાયેલું છે. શારીરિક થાક લાગે તો થોડો આરામ કરી લઈ ફરી કામે વળગી શકાય, પણ માનસિક રીતે તમે થાક અનુભવશો તો હતાશા કે કામ પ્રત્યે નફરતમાં તે પરિણમી શકે છે.
આ માટે સંવેદના યુક્ત જીવન જીવવાની રીતે કારણભૂત છે. ઈમર્સને પણ લખ્યું છે કે, ‘મને કદી થાક લાગતો જ નથી, એનું મારા મિત્રોને ભારે આશ્ચર્ય થાય છે’. જો કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ સતત 16 થી 18 કલાક કામ કરે છે. પણ આ ઊંમરે પણ તેઓ થાક અનુભવતા નથી. એ પોતાના કર્મ પ્રત્યેનો લગાવ, નિષ્ઠા અને ફરજની સભાનતા દર્શાવે છે. એ બધાના મૂળમાં સંવેદના યુક્ત જીવન છે.
માણસ સંવેદના ગૂમાવી દે તો એ નિર્જીવ સમાન થઈ જાય છે. એ સંવેદના અન્ય વ્યક્તિઓ પ્રત્યે હોય, પશું પંખી કે કુદરતી તત્વો પ્રત્યે હોય કે પોતાના કર્મ પ્રત્યે, સંવેદનશીલતા જીવનમાં જરૂરી છે. જો આપણે સંવેદના અનુભવતા હોત તો પ્રાણીઓની કત્લ ન કરતા હોત, જો સંવેદના અનુભવતા હોય તો અન્યને છેતરતા ન હોત. જો સંવેદના હોય તો કુદરતી તત્વો, પાણી, ખનીજ, પૃથ્વીના પેટાળમાં રહેલા પદાર્થોનું બેસૂમાર દોહન ન કર્યું હોત અને તેમ ન કર્યું હોય તો આજે જે કુદરતી આફતો અનુભવવી પડે છે તે ન અનુભવવી પડત. માટે સંવેદના જીવનનો પ્રાણ છે, એને ન ગૂમાવો.