World

અમેરિકાની દિગ્ગજ બેંક જેપી મોર્ગન પર સાયબર હુમલો, 16 હજાર ગ્રાહકોનો ડેટા જોખમમાં

અમેરિકાની જાણીતી બેંક જેપી મોર્ગન ચેઝ પર થયેલા સાયબર હુમલાને પગલે હજારો ગ્રાહકોની અંગત માહિતી જોખમમાં મુકાઈ છે. બેંકને સેવાઓ પૂરી પાડતા થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સની સિસ્ટમમાં હેકર્સે સેંધ મારી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટનામાં અંદાજે 16 હજારથી વધુ હાઈ-નેટ-વર્થ એટલે કે વધુ સંપત્તિ ધરાવતા ગ્રાહકોની માહિતી લીક થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બેંકે પણ થર્ડ-પાર્ટી વેન્ડર્સ પર સાયબર હુમલો થયાની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે આ હુમલામાં ગ્રાહકોની કેટલીક માહિતી હેકર્સના હાથમાં પહોંચી હોવાની શક્યતા છે.

આ હુમલા પાછળ ‘નોન-પ્રોફિટ’ નામના રેન્સમવેર ગ્રુપનો હાથ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ગ્રુપે જેપી મોર્ગન ચેઝ ઉપરાંત માસ્ટરકાર્ડ અને વિઝાના ગ્રાહકોનો ડેટા પણ લીક કર્યો હોવાનો દાવો કર્યો છે. જોકે, આ તમામ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. અહેવાલો અનુસાર, થર્ડ-પાર્ટી બિઝનેસ પાર્ટનર્સની સિસ્ટમમાં થયેલી ઘૂસણખોરીને કારણે આશરે 16 હજાર ગ્રાહકોની વ્યક્તિગત વિગતો બહાર આવી હોઈ શકે છે.

લીક થયેલી માહિતીમાં ગ્રાહકોનાં નામ, ઈમેલ એડ્રેસ, રહેઠાણનાં સરનામાં, ફોન નંબર અને એકાઉન્ટ આઈડી જેવી વિગતો સામેલ હોવાનું કહેવાય છે. આ માહિતી બેંકના પ્રતિષ્ઠિત ‘રિઝર્વ પ્રોગ્રામ’ સાથે જોડાયેલા ગ્રાહકોની હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે. આ ખાસ આમંત્રણ આધારિત વિઝા ક્રેડિટ કાર્ડ પ્રોગ્રામ છે, જે મુખ્યત્વે અત્યંત સંપત્તિવાન ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ કાર્ડ મેળવવા માટે સામાન્ય રીતે ગ્રાહક પાસે આશરે 10 મિલિયન અમેરિકન ડોલર એટલે કે રૂ. 84 કરોડથી વધુની સંપત્તિ હોવી જરૂરી હોવાનું કહેવાય છે.

જેપી મોર્ગન ચેઝે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. બેંકના જણાવ્યા અનુસાર, તેને જાણવા મળ્યું હતું કે કંપનીને સેવાઓ પૂરી પાડતા કેટલાક થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સ પર સાયબર હુમલો થયો છે. આંતરિક તપાસમાં સામે આવ્યું છે કે હેકર્સે આ વેન્ડર્સ પાસે રહેલા કેટલાક માર્કેટિંગ ડેટા સુધી પહોંચ મેળવી હતી. આ ડેટામાં ગ્રાહકોનાં નામ, ઈમેલ એડ્રેસ અને અન્ય વ્યક્તિગત માહિતી સામેલ હોઈ શકે છે.

બેંકે સ્પષ્ટતા કરી છે કે આ સાયબર હુમલાની અસર તેની મુખ્ય બેંકિંગ સેવાઓ પર પડી નથી અને ગ્રાહકોને મળતી સામાન્ય બેંકિંગ સેવાઓ યથાવત છે. સપ્તાહની શરૂઆતમાં કેટલાક ગ્રાહકોને જે ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, તેને પણ આ સાયબર હુમલા સાથે કોઈ સંબંધ નથી. બેંકે અસરગ્રસ્ત ગ્રાહકોનો સીધો સંપર્ક કરીને તેમને જરૂરી સુરક્ષા સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે. આ ઉપરાંત, ગ્રાહકોને સંભવિત નાણાકીય છેતરપિંડીથી બચાવવા માટે મફત ક્રેડિટ મોનિટરિંગની સુવિધા આપવાની પણ વાત કરી છે.

તાજેતરના સમયમાં વિશ્વભરમાં મોટી કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ પર સાયબર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. બેંકિંગ, ટેકનોલોજી અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ગ્રાહકોની મોટી સંખ્યામાં વ્યક્તિગત માહિતી સંગ્રહિત હોવાથી આવી ઘટનાઓમાં ડેટા સુરક્ષાનો મુદ્દો વધુ મહત્ત્વનો બન્યો છે. જેપી મોર્ગન ચેઝની આ ઘટનામાં પણ સીધા બેંકના મુખ્ય સર્વર કરતાં થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સની સિસ્ટમમાં થયેલી ઘૂસણખોરીને કારણે ગ્રાહકોની માહિતી જોખમમાં આવી હોવાનો દાવો છે.

Most Popular

To Top